બિન અનામત વર્ગ માટે રાજ્ય સરકારની મહત્વની જાહેરાત

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા બિન અનામત વર્ગ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે બિન અનામત આયોગ અંગે ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં નીતિન પટેલે જણાવ્યું કે જે લોકોને અનામતનો લાભ નથી મળતો તે વર્ગના લોકો માટે રાજ્ય સરકાર દ્વારા કેટલીક મહત્વપૂર્ણ યોજના બનાવવામાં આવી છે. તો આ સાથે જ તેઓએ એ પણ સ્પષ્ટતા કરી કે આ યોજનાથી અનામત મેળવતા વર્ગના લોકોને કોઈ નુકસાન નહી થાય.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે નિગમની એક કમિટી દ્વારા છ મહિનાથી વધુ સમયથી આ યોજનાઓ પર વિચાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ આ યોજનાને તૈયાર કરવામાં આવી છે. નીતીનભાઇએ જણાવ્યું કે તમામ યોજનાનો લાભ વિદ્યાર્થી સરળતાથી મેળલી શકે તે માટે તમામ પ્રક્રિયા ઓનલાઇન હશે. એટલું જ નહીં તમામ સહાય વિદ્યાર્થીઓે જ ચૂકવવામાં આવશે. સંસ્થા કે ટ્યૂશન ક્લાસીસને ચૂકવવામાં આવશે નહીં. તો તમામ યોજનાનો લાભ આ વર્ષથી જ મેળવી શકાશે.

રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે રાજ્યમાં ચાલતા મેડિકલ, ડેન્ટલના સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો, વ્યવાસિયક અભ્યાસક્રમો, ઇજનેરી, ટેક્નોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર, આયુર્વેદિક, હોમિયોપેથી, ફિઝિયોથેરાપીસ વેટરનરી વગેરે અભ્યાસક્રમો માટે સમગ્ર અભ્યાસક્રમની કુલ ટ્યૂશન ફી અથવા 10 લાખ રૂપિયા તે બે પૈકી તે ઓછું હોય તે પ્રમાણેની લોન 4 ટકાના સાદા વ્યાજે નિગમ તરફથી આપવામાં આવશે.

આ સહાયનો લાભ પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થીએ ધોરણ 10માં 60 ટકા કે તેથી વધુ મેળવેલા હોવા જોઇએ.જે લોકોની આવક મર્યાદા 3 લાખ રૂપીયાથી ઓછી હોય તે પ્રકારના લોકોને આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે. અને આ યોજના અંતર્ગત 4 ટકા લેખે સાદા વ્યાજે લોન પણ પ્રાપ્ત થશે. આ તમામ સહાય વિદ્યાર્થીઓને જ ચૂકવવામાં આવશે, કોઈ સંસ્થા કે ટ્યૂશન ક્લાસીસને સહાય નહી મળે સીધી જ વિદ્યાર્થીને મળશે. અને આ તમામ યોજનાનો લાભ લાભાર્થીઓ આ વર્ષથી મેળવી શકશે.

તો આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે આ  યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા અરજદારે ધોરણ 12 પછી MBBS માટે , ડિપ્લોમા પછી ડીગ્રી માટે, સ્નાતક પછી અનુસ્નાતક માટે અને રિસર્ચ જેવા ટેક્નિકલ પેસમેડિકલ, પ્રોફેશનલ વગેરેજેવા કોઇપણ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ રૂપિયા 15 લાખની વિદેશ અભ્યાસ લોન નિગમ તરફથી આપવામાં આવશે.

આ સહાય પ્રાપ્ત કરવા માટે કેટલાક ધોરણો પણ નક્કી કરવામાં આવ્યા છે જે અંતર્ગત અરજદારે ધોરણ 12માં 60 ટકા કે તેથી વધુ મેળવેલા હોવા જોઇએ. આ લોન વાર્ષિક 4 ટકાના લેખે સાદુ વ્યાજ આપવામાં આવશે. કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 4.50 લાખ કે તેથી ઓછી હોવા જોઇએ.

અભ્યાસ માટે જે નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે તે નવી યોજના નવા શૈક્ષણીક સત્રથી જ અમલમાં આવશે.