રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત

કેવડીયાઃ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ કોવિંદ આજે સવારે કેવડીયા પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે ત્યાંથી સીધા જ વેલી ઓફ ફ્લાવરની મુલાકાતે ગયા હતા. અને ત્યાં વૃક્ષારોપણ કરીને તેમણે સુંદર પુષ્પો નિહાળ્યા હતા. ત્યારબાદ તેઓ વોલ ઓફ યુનિટી ખાતે એક પ્રાર્થના સભામાં જોડાયા હતા. વોલ ઓફ યુનિટી ખાતે પ્રાર્થના સભામાં ભાગ લીધા બાદ તેઓ સીધાજ સરદાર પટેલની વિરાટ પ્રતિમા પાસે પહોંચ્યા હતા અહીંયા તેમણે ભારતના લોહ પુરુષ સરદાર પટેલની વિરાટ પ્રતિમા ખાતે સરદાર પટેલના ચરણોમાં પુષ્પાંજલી અર્પિત કરી હતી.

સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે કેવડિયા ખાતે પ્રસ્તાવિત રેલવે સ્ટેશનનું રાષ્ટ્રપતિ કોવિંદના હસ્તે ભૂમિપૂજન કરાશે. આ રેલવે સ્ટેશન દેશનું પહેલું ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશન બનશે. આ રેલવે સ્ટેશન સપ્ટેમ્બર 2019 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે. અંદાજીત 20 કરોડનાં ખર્ચે આ રેલવે સ્ટેશનનું નિર્માણ થશે, જેનાથી કેવડિયાના લોકોને ટ્રાન્સપોર્ટેશનનો નવો માર્ગે મળી રહેશે.

રાષ્ટ્રપતિનાં પ્રવાસને લઇને ખાતમુર્હૂત સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ગ્રીન રેલવે સ્ટેશનનું ડેમો સ્ટ્રકચર ખાતમુર્હૂત સ્થળે મુકવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ કોવિંદ ભૂમિપૂજન બાદ જાહેરસભાને સંબોધિત કરશે. આ જાહેરસભાનાં કાર્યક્રમમાં ટોચનાં તમામ અગ્રણીઓ હાજરી આપશે. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન રૂપાણી, રેલ પ્રધાન પિયુષ ગોયલ સહિત દિગ્ગજો જાહેરસભાને સંબોધશે. જોકે રાષ્ટ્રપતિનાં કાર્યક્રમને લઇને થોડાક સમય માટે અન્ય પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવેશ બંધ રાખવામાં આવ્યો હતો.

ગુજરાતમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’થી સાડા ત્રણ કિલોમીટર દૂર આવેલા એક નાના શહેર કેવડિયાને રેલવે સ્ટેશનની ભેટ મળશે. કેવડિયાને વહેલામાં વહેલી તકે રેલવે સ્ટેશન તૈયાર કરવાની યોજના તૈયાર કરી લેવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે 15 ડિસેમ્બરે પાયો નાખશે.