ઇઝરાયેલમાં સીએમ રુપાણીઃ યહૂદીઓને ધાર્મિક લઘુમતીનો દરજ્જો અપાશે

ગાંધીનગર– ઇઝરાયેલના પ્રવાસે ગયેલા મુખ્યપ્રધાન વિજય રુપાણીની ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂ સાથે મુલાકાત દરમિયાન ગુજરાતમાં વસતાં યહૂદીઓને લઇને અગત્યની વાતચીત થઇ હતી.સીએમ રુપાણીએ ટ્વીટ કરીને માહિતી આપતાં જણાવ્યું કે યહૂદીઓને રાજ્યમાં ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપવાની માગ થઈ હતી. જેને લઇને ગુજરાતમાં યહૂદીઓેને ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટૂંક જ સમયમાં આ સંદર્ભે સરકાર નોટિફિકેશન બહાર પાડશે.

તેમણે જણાવ્યું કે સરકાર બનતી ત્વરાએ આ સંદર્ભે નોટિફિકેશન બહાર પાડશે. રુપાણીએ 45 મિનિટની બેઠક દરમિયાન નેતન્યાહુને કહ્યું હતું કે,આ નિર્ણય દ્વારા યહૂદી સમાજ દ્વારા ઘણા સમયથી કરવામાં આવતી માગ પૂરી કરી શકાશે.

સીએમ રુપાણી અને ઇઝરાયેલી પીએમ નેતન્યાહૂની મુલાકાતમાં ગુજરાત ઇઝરાયેલ સંબંધોમાં ખેતી, સાયબર સીક્યૂરિટી, વોટર મેનેજમેન્ટ અને સંશોધનોને લઇને દ્વિપક્ષીય સહકાર વધારવા અંગે પણ વાતચીત કરવામાં આવી હતી.