લોકશાહીને લાંછનઃ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોની મારામારી

ગાંધીનગર– ગુજરાત વિધાનસભાના માનનીય ધારાસભ્યોએ આજે લોકશાહીને લાંછન લગાડતી ઘટનાને આકાર આપ્યો હતો. પોતાને બોલવા દેવાતાં નથી તેમ જણાવી સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે અમદાવાદ નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલને માઇક ખેંચી કાઢી છૂટું ફેંકી માર માર્યો હતો. તો વિક્રમ માડમ તથા અંબરિષ ડેરે પણ આ મામલામાં તોફાની ભૂમિકા ભજવી હતી.

આ મારામારીમાં ભાગ લેનાર અન્ય એક ધારાસભ્ય પણ હતાં રાજુલાના અમરિશ ડેર. ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલને માર મારનાર કોંગ્રેસી ધારાસભ્ય દૂધાત સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે, જ્યારે અન્ય બે ને દિવસ પૂરતાં સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. આ ઘટનાના ઘેરા પડઘાં પડ્યાં હતાં. આ ઘટના બાદ 10 મિનિટ માટેે ગૃહની કાર્યવાહી ઠપ થઇ ગઇ હતી અને ભારે શોરબકોરના દ્રશ્ય સર્જાયાં હતાં.

આ મામલે ભાજપના ધારાસભ્યોએ સ્પીકર ચેમ્બરમાં જઇને પોલિસ ફરિયાદ નોંધાવવા ઉગ્ર રજૂઆતો કરી હતી. તો, સામે વિરોધ પક્ષ કોંગ્રેસના પ્રતાપ દૂધાત સહિતના કેટલાક ધારાસભ્ય સેક્ટર 7ના પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યાં હતાં. વિધાનસભા સેક્રેટરીએ ગાંધીનગર પોલિસ અધિક્ષકને ફોન કરીને બોલાવ્યાં હતાં.

ઘટના બાદ બંને પક્ષોના નેતાઓ ધારાસભ્યો દ્વારા આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલ્યો હતો. જેમાં આસારામ કેસના રીપોર્ટને ગૃહમાં રજૂ કરવા અંગે બોલાચાલીથી મામલો વકર્યો હોવાનું જણાવાયું હતું તો દૂધાતે જણાવ્યું કે માબહેન સમાનની ગાળો બોલવામાં આવતાં મેં ઉશ્કેરાઇને આ પગલું ભર્યું હતું.

  • ગૃહમાં મારામારી લોકશાહીને લાંછન લાગે તેવી ઘટના
  • વિધાનસભામાં આવી મારામારી ન થવી જોઈએઃ જિગ્નેશ મેવાણી
  • ઈતિહાસને કલંકિત કરતો આ બનાવ છે. સરકાર આ ઘટનાને વખોડી કાઢે છેઃ ડેપ્યુટી સીએમ નિતીન પટેલની પ્રતિક્રિયા
  • મને ઉશ્કેરવામાં આવતા આ ઘટના બની છેઃ પ્રતાપ દુધાત
  • ભરતસિંહ સોલંકની પ્રતિક્રિયાઃ મારામારીની શરૂઆત ભાજપે કરી છે
  • સીએમ રુપાણીની પ્રતિક્રિયાઃ કોંગ્રેસની આ ગુંડાગર્દી છે
  • મને મારી વાત રજૂ કરવા દેવામાં આવી નથી, ગાળો બોલવી એ ભાજપના સંસ્કાર છેઃ પ્રતાપ દુધાત
  • ગૃહ મુલતવી રાખ્યા બાદ બળદેવજી ઠાકોર ગુસ્સે ભરાયા
  • નીમાબહેન આચાર્યની પ્રતિક્રિયાઃ આ તો રીતસરની ગુંડાગર્દી છે. ખુન્નસ સાથેનો હૂમલો હતો, આ ઘટના ખુબ જ દુખદ છે. કોઈ અપશબ્દો બોલ્યા નથી. જગદીશ પંચાલને ગાળો આવડતી જ નથી. કડકમાં કડક પગલા લેવા જોઈએ, લોકશાહીના મંદિરમાં આવું ન જ થવું જોઈએ.
  • વિપક્ષના નેતા પરેશ ધાનાણીની પ્રતિક્રિયાઃ ભાજપના ધારાસભ્યોએ મા-બહેન સમાણી ગાળો બોલ્યા છે, અને કોંગ્રેસના ધારાસભ્યોને ઉશ્કેરવાનું કામ ભાજપે કર્યું છે. ગૃહમાં વારંવાર કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરાયા છે, કોઈને બોલવા દેવાતા નથી. જેથી કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભામાં કયા સુધી અન્યાય સહન કરે…
  • પરેશ ધાનાણીઃ હર્ષ સંઘવી અને જગદીશ પંચાલે ઉશ્કેરવાનું કામ કર્યું છે, ભાજપે ગૃહની કાર્યવાહીમાંથી દૂર રાખવાનું કામ કર્યું છે. ભાજપ ચર્ચાથી દૂર ભાગતું રહ્યું છે
  • હરેન પંડયાવાળી થશે, એવી ધમકી અપાઈ હતીઃ પરેશ ધાનાણી
  • અમે અમારા સભ્યોને ઠપકો આપ્યો છે, પણ ભાજપ લાજવાને બદલે ગાજી રહી છેઃ પરેશ ધાનાણી
  • ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળ્યા, ગૃહના સીસીટીવી ફૂટેજ મંગાવ્યા
  • નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલની પ્રતિક્રિયાઃ મને જાનથી મારી નાંખવાની ધમકી અપાઈ હતી.
  • વિધાનસભામાં ડેપ્યુટી સીએમ નિતીન પટેલનું નિવેદનઃ વિપક્ષના નેતાઓ મામલાને હળવો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
  • જગદીશ પંચાલની ગૃહમાં રજૂઆતઃ હું અપશબ્દો બોલ્યો નથી, અને મારા પર હૂમલો કરનારને સજા થવી જ જોઈએ
  • પ્રતાપ દુધાત અને વિક્રમ માડમને વિધાનસભામાંથી ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવાની માંગ
  • બળેદવજી ઠાકોરને પણ એક વર્ષ માટે સસ્પેન્ડ કરવા ઉઠી માંગ
  • કોંગ્રેસના શૈલેષ પરમારે જગદીશ પંચાલ અને હર્ષ સંઘવીને પણ સજા કરવા માગણી કરી, તેમને પણ એટલી જ સજા થવી જોઈએ
  • નિતીન પટેલઃ આજે ગૃહ કલંકિત થયું છે, અને કસુરવારને સજા થશે.
  • ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારનો આરોપઃ ગૃહ શરૂ થાય તે પહેલા મને જાણ થઈ હતી કે આજે ધમાલ થશે, સાર્જન્ટે મને કહ્યું હતું કે આજે ધમાલ થવાની છે