SCમાં આજથી અયોધ્યા કેસની સુનાવણી, જલદી ચુકાદો આવે તેવી આશા

નવી દિલ્હી- અયોધ્યામાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજથી ફરીવાર સુનાવણી શરુ કરવામાં આવશે. આ કેસમાં સમગ્ર પેપરવર્ક અને અનુવાદનું કામ પહેલાં જ પુરુ કરી લેવામાં આવ્યું છે.ગત 8 માર્ચે સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રાર સામે યોજાયેલી બેઠકમાં દરેક પક્ષકાર તરફથી પેપરવર્ક અને અનુવાદનું કામ લગભગ પુરું કરી લેવામાં આવ્યું છે. હવે કોર્ટ નક્કી કરશે કે, આગળની સુનાવણીની રુપરેખા કેવી રહેશે. કોર્ટ આ વિવાદમાં સતત સુનાવણીની તારીખ નક્કી કરી શકે તેવી શક્યતા છે. મળતી માહિતી મુજબ આ કેસમાં પક્ષકારોનું કહેવું છે કે, હવે સુપ્રીમ કોર્ટ પાસે જ આશા છે કે, આ કેસને વધારે ટાળવામાં ન આવે અને તેનો જલદી નિર્ણય આવે.

આ પહેલાં 8 ફેબ્રુઆરીએ આ મામલે સુનાવણી કરવામાં આવી હતી. ત્યારે વાલ્મીકિ રામાયણ, રામચરિતમાનસ અને ગીતા સહિત 20 ધાર્મિક પુસ્તકોનું તથ્યની ચકાસણી માટે અંગ્રેજીમાં અનુવાદ ન થયો હોવાના કારણે સુનાવણી ટાળવામાં આવી હતી. સુનાવણી દરમિયાન અરજી કરનારના વકીલે કહ્યું હતું કે, અયોધ્યા વિવાદ લોકોની લાગણી સાથે જોડાયેલો મુદ્દો છે. જેના જવાબમાં ચીફ જસ્ટીસે કહ્યું હતું કે, મને આવી દલીલો પસંદ નથી, આ માત્ર જમીન વિવાદ છે.

આ પહેલાં ગત 8 ડિસેમ્બરે જ્યારે સુનાવણી થઈ ત્યારે વક્ફ બોર્ડના વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે, આ કેસ માત્ર જમીન વિવાદ નથી, રાજકીય મુદ્દો પણ છે. તેનાથી ચૂંટણી પણ અસર પડશે. તેથી આ કેસની વધુ સુનાવણી 2019ની લોકસભા ચૂંટણી પછી થવી જોઈએ. જોકે કોર્ટે આ દલીલને પાયાવિહોણી ગણાવી હતી અને કહ્યું હતું કે, કોર્ટ રાજકીય નહીં કેસના તથ્યો પર કામ કરે છે.