અમદાવાદીઓ માટે રાહતનો વરસાદ, વૃક્ષો અને ભૂવા પડતાં તંત્ર કામે લાગ્યું

0
1092

અમદાવાદઃ લાંબા ગાળાના વિરામ બાદ આજે વહેલી સવારથી મેઘરાજાએ અમદાવાદમાં પધરામણી કરી છે. સવારે 11 વાગ્યા સુધી અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ અત્યારે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે. તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં સૌથી વધારે વરસાદ વેજલપુરમાં 5.5 ઈંચ જેટલો નોંધાયો છે. તો આ સાથે જ શહેરમાં અનેક જગ્યાએ ભૂવા પડવાની અને ઝાડ પડવાની અને ઘણી જગ્યાએ પાણી ભરાવાની ફરિયાદો મળી છે.

સવારે પાંચ વાગ્યાથી દસ વાગ્યા સુધી અમદાવાદના પૂર્વ ઝોનમાં ચાર ઈંચ, પશ્ચિમ ઝોનમાં ચાર ઈંચ, નવા પશ્ચિમ ઝોનમાં 4.4 ઈંચ, મધ્ય ઝોનમાં ચાર ઈંચ અને ઉત્તર તેમજ દક્ષિણ ઝોનમાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે.

તો આ સાથે જ ભારે વરસાદના કારણે અમદાવાદ શહેરના મીઠાખળી, પરિમલ, કુબેરનગર, અખબારનગર અને ઉસ્માનપુરા અંડરપાસ ભરાઈ જવાથી તેને બંધ કરવા પડ્યાં છે. ભારે વરસાદના પગલે શહેરના અમરાઈવાડી, જોગેશ્વર રોડ, પાલડી, સાણંદનગર સોસાયટી, આરટીઓ સર્કલ, આંબાવાડી સોસાયટી, મલય સોસાયટી અને જમાલપુરથી એસટી જવાના માર્ગ પર, દરિયાપુર, રાયપુર ચકલા, મણીનગર, વટવા રોડ, સાયન્સ સીટી રોડ વગેરે જગ્યાઓ પણ પાણી ભરાયા છે. તો આ સાથે જ શહેરમાં 6 જગ્યાએ વૃક્ષ પણ ધરાશાયી થયા છે.

ત્યારે હવામાન વિભાગ દ્વારા હજી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરીજનોને કામ વગર બહાર ન જવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

અમદાવાદમાં વરસાદની એક ઝલક નિહાળવા જૂઓ વિડીયો…