GSTના અમલ પછી 3,66,000થી વધુ નવા વેપારીઓ ઉમેરાયા

ગાંધીનગર– સમગ્ર દેશમાં ગત ૧ જુલાઇ, ૨૦૧૭થી ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ(જીએસટી)નો અમલ કરવામાં આવ્યો છે. આ જીએસટીના અમલ પછી અત્યાર સુધીમાં ભારતમાં કુલ ૩૯ લાખથી વધુ નવા વેપારીઓ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં ૩ લાખ ૬૬ હજારથી વધુ નવા વેપારીઓએ નોંધણી કરાવી છે. સમગ્ર દેશના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કુલ એક કરોડથી વધુ વેપારી જીએસટી હેઠળ નોંધાયા છે, તેમ વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન સુરત-ઉત્તરના ધારાસભ્ય કાન્તિભાઇ બલર દ્વારા રાજ્યમાં જી.એસ.ટી. નોંધણી અંગે પુછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતાં  નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઇ પટેલે જણાવ્યું છે.જીએસટીમાં નોંધણી, રીટર્ન તથા પેમેન્ટની પદ્ધતિ જીએસટી પોર્ટલ www.gst.gov.in થકી ઑનલાઇન થાય છે. ગુજરાતે Model-2 સિલેકટ કર્યું છે. જેથી GSTN દ્વારા રજિસ્ટ્રેશન, રીટર્ન, પેમેન્ટ અને MIS જેવી એપ્લિકેશન ડેવલોપ કરવામાં આવશે. ભારત સરકાર, તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા સંયુક્ત રૂપે દેશનું સૌથી મોટું સર્વર GSTN તૈયાર કરવામાં આવ્યું છે. આ GSTN ના માધ્યમથી વેપારીઓ દ્વારા વેચવામાં આવેલ તેમજ ખરીદવામાં આવેલ માલ-સમાનની વિગત મળી રહે છે. જેથી કરચોરી અટકાવી શકાય છે, આ GSTN દ્વારા નોંધણીની માહિતી, રીટર્નની માહિતી તેમજ પેમેન્ટની માહિતી મળી રહી છે, તેમ ધારાસભ્ય બાબુભાઇ પટેલ દ્વારા પુછાયેલા પુરક પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઇ પટેલે ઉમેર્યું હતું.