ચૈત્રી નવરાત્રિમાં ઉપવાસના ફાયદા…

ચૈત્રી નવરાત્રિ ટૂંક સમયમાં શરૂ થશે. ચૈત્રી નવરાત્રિ હોય કે આસોની, ઘણા શ્રદ્ધાળુઓ ઉપવાસ કરતા હોય છે. ઘણા સંકટચોથ કરતા હોય છે જેમાં ચંદ્ર ઉગે પછી જ જમવાનું હોય છે. મુસ્લિમો પણ રોજા આ રીતે જ રાખતા હોય છે. પરંતુ કેટલાક બુદ્ધિમાનો આવા ઉપવાસોની મજાક ઉડાવે છે અને તેને અંધશ્રદ્ધામાં ખપાવે છે, પરંતુ હકીકતે તે સ્વાસ્થ્યની રીતે ફાયદાકારક છે અને એટલે જ તેને ઉપાસનામાં વણી લેવાયા છે.ઉપવાસ એટલે ઈશ્વરની સમીપ રહેવું. અને ભરેલું પેટ હોય તો ઊંઘ આવે, આળસ આવે, સુસ્તી આવે અને કામેચ્છા પણ જાગે. આથી જ્યારે ઈશ્વરની સાધના કરવાની હોય ત્યારે ઉપવાસ કરવાનું શાસ્ત્રોમાં કહેવાયું છે. ઉપવાસ એ અંધશ્રદ્ધા નથી, પરંતુ જો તેને સાચી રીતે કરવામાં આવે તો તમારે વજન ઘટાડવા માટે કોઈ ડાયેટિશિયનની પાસે જવાની જરૂર નથી કે તમારે કોઈ શસ્ત્રક્રિયા કરાવવાની પણ જરૂર નથી. સાચી રીતે ઉપવાસ કરશો અને ઉપવાસનું પારણું કરશો તો આપોઆપ વજન સંતુલનમાં રહેશે.

આયુર્વેદના પ્રસિદ્ધ ગ્રંથ ‘ચરક સંહિતા’થી માંડીને આજે અનેક ચિકિત્સાકીય સંશોધનોએ પણ ઉપવાસના અનેક લાભો ગણાવ્યા છે.

ઉપવાસથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે જેના કારણે શરીરમાં ઉપસ્થિત વિષયુક્ત પદાર્થોનું નિષ્કાસન સરળતાથી થાય છે. દરેક સપ્તાહે ઉપવાસ રાખવાથી કૉલેસ્ટેરોલની માત્રા ઘટવા લાગે છે જે ધમનીઓ માટે લાભદાયક છે.

હવે તો અનેક યુનિવર્સિટીમાં કરાયેલાં સંશોધનોમાં પણ એ વાત બહાર આવી છે કે જે લોકો સપ્તાહ કે પંદર દિવસમાં એક વાર ઉપવાસ રાખે છે તેમની રોગ પ્રતિકારક શક્તિ ઘણી વધુ હોય છે. હકીકતે આપણું શરીર પોતાની અંદર બધું જ સમાવી લે છે. તેની નસ અને નાડીઓમાં આના કારણે ગંદકી જામેલી રહે છે. તે બીજા કોઈ કારણે નથી આવતી પરંતુ આપણે ગ્રહણ કરેલા ભોજનમાં જે નકામા એટલે કે અપશિષ્ટ પદાર્થો છે તેમાંથી આવે છે. તે આપણા શરીરમાંથી સરળતાથી બહાર નથી નીકળતા. આપણી અનેક બીમારીઓનું કારણ બને છે. આ બીમારી ગેસથી માંડીને કેન્સર સુધીની હોઈ શકે છે.

જ્યારે આપણે વ્રત કરીએ છીએ તો આપણું શરીર નવું ભોજન ગ્રહણ નથી કરતું. એટલે સ્વાભાવિક છે કે આ સમયે માત્ર શરીરની સાફ સફાઈ જ થાય છે. જે રીતે ઘરની સફાઈમાં પાણીનું વિશિષ્ટ સ્થાન છે તેમ શરીરની સફાઈના દિવસે માત્ર પાણી જ પીવું જોઈએ. તાકાત ટકાવી રાખવા પાણીમાં લીંબું કે મધ ભેળવી શકાય. વ્રત કરવાથી આપણા શરીરની ગંદકી નીકળીને શરીરનો કાયાકલ્પ થાય છે. સાથે સાથે જો તમે સમય સંજોગો મુજબ, ઉપાસના કરી શકો, મલિન વિચારોથી દૂર રહો, નકારાત્મક બાબતોથી દૂર રહો તો તનની સાથે મનની સફાઈ પણ થાય છે. જો કોઈ વ્યક્તિ મહિનામાં ત્રણ દિવસ સતત વ્રત કરે તો તેનું શરીર ચંદનની જેમ નિખાર પામશે અને તેને કોઈ રોગ પણ નહીં થાય.

જોકે વ્રતના નામે પછી બટેટા, રાજગરાની પુરી કે થેપલાં, ચેવડો, વેફર, પતરી, શ્રીખંડ, મઠ્ઠો, ગાજરનો હલવો, દૂધીનો હલવો, ફરાળી ઢોસા, ફરાળી હાંડવો વગેરે જો ઝાપટવા લાગશો તો વજન ઘટવાના બદલે વધશે અને શરીરની સફાઈ થવાના બદલે શરીરમાં ગંદકી હજુ પણ વધશે.

આમ તો આપણું શરીર જ આપણને સંકેત દેતું હોય છે કે શું ખાવું અને કેટલું ખાવું. પરંતુ આપણે ઘણી વાર સ્વાદના કારણે સંતોષ પામતા નથી અને ઝાપટ્યા જ રાખીએ છીએ. એમાંય ક્યાંય લગ્નમાં ગયા હોય, કોઈના ઘરે ગયા હોય કે ઑફિસમાં કોઈ બીજાએ નાસ્તો મગાવ્યો હોય ત્યારે તો ખાસ. દરેક વ્યક્તિ જો તેની જીભ પર કંટ્રૉલ રાખતા શીખી જાય તો ડૉક્ટરનું બિલ આપોઆપ ઘટી જાય.

આપણે નંદીની વાર્તા ભણ્યા છીએ. તેમાં મૂળ તો દિવસમાં એક જ વાર ખાવાનું શિવજીએ કહેલું, પરંતુ નંદીએ ભૂલ કરી દીધેલી. હવે આપણે ત્રણ વાર નહાવાના બદલે એક જ વાર નહાઈએ છીએ. આના કારણે તન બહારથી મેલું રહે છે, સાથે એક વાર જમવાના બદલે ત્રણ વાર જમીએ છીએ (અર્થાત્ સવારમાં નાસ્તો, બપોર અને રાત્રિનું ભોજન) એટલે તનમાં વિષયુક્ત પદાર્થોની ગંદકી પણ થાય છે. બે ભોજન વચ્ચે આઠ કલાકનો કે ઓછામાં ઓછો છ કલાકનો ગાળો રાખવો જોઈએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]