પાસ નેતા અલ્પેશ કથીરિયાના ભાઈ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

સુરતઃ પાસના નેતા અલ્પેશ કથીરિયાના ભાઈ વિરુદ્ધ સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસને મળેલી ફરિયાદમાં અરજદારે કથીરિયાના ભાઈ વિરુદ્ધ મિત્રો સાથે મળીને કારમાં તોડફોડ કરી હોવાનો આરોપ લગાવ્યો છે.

મહત્વનું છે કે ગઇકાલે રાત્રે એટલે કે ગુરુવારે પાસ કન્વિનર અને પાટીદાર નેતા અલ્પેશ કથિરીયાના પિતા અને ભાઈ પર કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ હુમલો કર્યો હોવાના સમાચાર મળ્યા હતા. અલ્પેશ કથિરીયાના પિતા અને ભાઈ બહાર ગયા હતા, તેઓ મોડી સાંજે પોતાના ઘરે આવી રહ્યા હતા. તેઓ રિક્ષામાં પોતાના રહેઠાણ સ્થળ નજીક રીક્ષામાંથી ઉતર્યા ત્યારે ત્રણ જેટલા વ્યક્તિઓ તેમના પર હુમલો કર્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા કેટલાંક દિવસથી અલ્પેશ કથિરીયાના પિતા અને ભાઈને હેરાન કરી ધમકી આપી રહ્યા હોવાની વાત સામે આવી રહી છે. આ ઘટનામાં હુમલાનું કારણ અંગત અદાવત છે કે, બીજુ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. ત્યારે અચાનક હુમલો થયાના બીજા દિવસે એટલે કે આજે અલ્પેશ કથીરિયાના ભાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.

સુરતના કપોદ્રા પોલીસ સ્ટેશનમાં કથીરિયાના ભાઇ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે, કથીરિયાના ભાઇએ મિત્રો સાથે મળીને કારમાં તોડફોડ કરી છે. પોલીસ આ ઘટનામાં ઉંડાણ પૂર્વક તપાસ કર્યા બાદ કોઇ ચોક્કસ નિષ્કર્ષ પર ઉતરશે.