ભારત-શ્રીલંકા વર્લ્ડ કપ મેચ વખતે જેક્લીન કરશે શ્રીલંકા ટૂરિઝમ માટે પ્રચાર

મુંબઈ – હાલ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019 સ્પર્ધા રમાઈ રહી છે. એમાં ભારત અને શ્રીલંકા વચ્ચે 6 જુલાઈએ લીડ્સમાં મેચ રમાવાની છે. એ મેચ માટે બોલીવૂડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિસ બહુ ઉત્સાહિત અને રોમાંચિત છે અને તે એક ત્રીજી જ ‘ટીમ’ની ફેવર કરવાની છે અને તે છે, શ્રીલંકા ટૂરિઝમ.

જેક્લીન ફર્નાન્ડિસને શ્રીલંકા ટૂરિઝમે ભારતમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરી છે અને તેણે એને માટે પ્રચાર કરવાનું શરૂ કરી દીધું છે.

જેક્લીન મૂળ શ્રીલંકાનિવાસી છે. ગઈ કાલે મુંબઈમાં શ્રીલંકા ટૂરિઝમ દ્વારા આયોજિત પત્રકાર પરિષદ અને પ્રમોશનલ કાર્યક્રમમાં જેક્લીને પત્રકારોને કહ્યું હતું કે શ્રીલંકા આજે પણ પર્યટકો માટે સુરક્ષિત અને સ્વર્ગસમાન છે. અમને ઘણો ગર્વ છે કે ભારત અમને ઘણા પર્યટકો આપે છે. ઈસ્ટર તહેવારના દિવસે થયેલા આતંકવાદી હુમલા બાદ અમારે ત્યાં પર્યટકોની સંખ્યા ઘટી ગઈ છે, પણ અમે કહેવા માગીએ છીએ કે શ્રીલંકા સંપૂર્ણપણે સુરક્ષિત છે. અમારા દેશે બહુ ઝડપથી આતંકવાદીઓના નેટવર્કને ધ્વસ્ત કરી દીધું છે.

આ પ્રસંગે જેક્લીન શ્રીલંકામાં જાણીતી એવી નારંગી અને લાલ રંગની કંદિયન સાડીમાં સજ્જ થઈને આવી હતી. શ્રીલંકા ટૂરિઝમ પ્રમોશન બ્યૂરો, શ્રીલંકા એસોસિએશન ઓફ ઈનબાઉન્ડ ટૂર ઓપરેટર્સ અને શ્રીલંકન એરલાઈન્સે ભારતીય પર્યટકો માટે 15 વિશેષ પ્રમોશનલ પેકેજીસની જાહેરાત કરી છે. એ પ્રસંગે જેક્લીન ફર્નાન્ડિસ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી હતી.જેક્લીનને જ્યારે પૂછવામાં આવ્યું કે વર્લ્ડ કપ મેચ વખતે તું કઈ ટીમને સપોર્ટ કરીશ? ત્યારે જવાબ આપવામાં જેક્લીન ખંચકાઈ ગઈ હતી અને કહ્યું કે જ્યારે ભારતીય ટીમ બીજી કોઈ પણ ટીમ સામે રમતી હોય ત્યારે હું બેશક ભારતને સપોર્ટ કરીશ, પણ જો એ શ્રીલંકા સામે રમતી હશે તો હું શ્રીલંકાને સપોર્ટ કરીશ.