‘રુદાલી’, ‘ચિંગારી’ જેવી મહિલાપ્રધાન ફિલ્મોનાં નિર્દેશિકા કલ્પના લાજમીનું મુંબઈમાં અવસાન

મુંબઈ – ‘રુદાલી’, ‘ચિંગારી’, ‘એક પલ’, ‘દમન’ જેવી નારીવાદી હિન્દી ફિલ્મોનાં નિર્માત્રી અને નિર્દેશિકા કલ્પના લાજમીનું કિડનીનાં કેન્સરને કારણે આજે મુંબઈમાં નિધન થયું છે. આજે વહેલી સવારે લગભગ 4.30 વાગ્યે એમણે અંતિમ શ્વાસ લીધો હતો. એમની વય 62 વર્ષ હતી.

કલ્પના લાજમીને મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

કલ્પના જાણીતાં ચિત્રકાર લલિતા લાજમીનાં પુત્રી હતાં અને નિર્માતા સ્વ. ગુરુદત્તનાં ભાણેજ હતાં.

કલ્પના લાજમીને ‘રુદાલી’ ફિલ્મ માટે રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો હતો.

એમની આખરી ફિલ્મ ‘દમન’ 2001માં આવી હતી.

એમને કેન્સરનું નિદાન થયા બાદ બોલીવૂડમાં ઘણા કલાકારો તથા મહારથીઓ એમની સારવારનો ખર્ચ ઉપાડવામાં એમને મદદરૂપ થયા હતા.

કલ્પના લાજમી 40 વર્ષ સુધી વિખ્યાત સંગીતકાર ભૂપેન હઝારિકાનાં બિઝનેસ પાર્ટનર પણ રહ્યાં હતાં. તેઓ ભૂપેન હઝારિકાના જીવન પર આધારિત બાયોપિક ફિલ્મ પણ બનાવવા માગતાં હતાં, પણ તબિયત બગડી જતાં તેઓ એ પ્રોજેક્ટ શરૂ કરી શક્યાં નહોતાં.

કલ્પનાએ પીઢ દિગ્દર્શક શ્યામ બેેનેગલનાં સહાયક નિર્દેશિકા તરીકે કામ કર્યું હતું અને એ તેમના સંબંધી પણ હતાં.

કલ્પનાએ તબુ, કિરણ ખેર, રવીના ટંડન, સુષ્મિતા સેન જેવી અભિનેત્રીઓને પોતાની ફિલ્મોમાં ચમકાવી હતી.