શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે રેકોર્ડબ્રેક તેજી

અમદાવાદ– શેરબજારમાં બે તરફી વધઘટ વચ્ચે સતત છઠ્ઠા સેશનમાં રેકોર્ડબ્રેક તેજીની આગેકૂચ રહી હતી. આવતીકાલે ગુરુવારે જાન્યુઆરી એફ એન્ડ ઓની એક્સપાયરી છે, જે વચ્ચે પણ બ્લુચિપ શેરોમાં નવી લેવાલી ચાલુ રહી હતી. ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સે 36,268.19 અને નિફટીએ 11,110.10ની ઑલ ટાઈમ હાઈની નવી સપાટી બનાવી હતી. જો કે ફયુચરની એક્સપાયરી હોવાથી ઊંચા મથાળે તેજીવાળાઓનું પ્રોફિટ બુકિંગ પણ આવ્યું હતું. તેમ છતાં ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 21.66(0.06 ટકા) વધી 36,161.64 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 2.30(0.02 ટકા) વધી 11,086.00 બંધ થયો હતો.ગ્લોબલ માર્કેટની નરમાઈને પગલે સવારે ભારતીય શેરોના ભાવ સામાન્ય નીચા ખુલ્યા હતા. સુસ્ત શરૂઆત પછી તેજીવાળા ઓપરટરોની નવી લેવાલી ચાલુ રહી હતી, ખાસ કરીને ઈન્ડેક્સ બેઈઝ્ડ શેરોમાં લેવાલી હતી. પરિણામે ટ્રેડિંગ સેશનની મધ્યે સેન્સેક્સ અને નિફટીએ નવા હાઈ લેવલ બતાવ્યા હતા. જો કે પ્રોફિટ બુકિંગ પણ હતું. પણ માર્કેટનો ટ્રેન્ડ પોઝિટિવ હોવા છતાં પણ શેરબજારમાં તેજીની આગેકૂચ રહી હતી. આજે હેવીવેઈટ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને આઈસીઆઈસીઆઈ બેંકમાં નફારૂપી વેચવાલી આવી હતી.

  • સેન્સેક્સ 4 ટ્રેડિંગ સેશનમાં એક હજાર પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે.
  • નિફટીને 10,000થી 11,000 થવામાં 6 મહિનાનો સમય લાગ્યો છે.
  • રીલાયન્સ જીઓની રિપબ્લિક ઓફરને પગલે બીજી ટેલિકોમ કંપનીઓના સ્ટોકમાં ભારે વેચવાલી ફરી વળી હતી. ભારતી એરટેલ અને આઈડિયાના શેરના ભાવમાં 6 ટકા કરતાં વધુનો કડાકો બોલી ગયો હતો.
  • આઈડિયાને સતત પાંચમાં કવાર્ટરમાં નુકશાન થયું છે. ડિસેમ્બરમાં પુરા થયેલા કવાર્ટરમાં મોબાઈલ ઓપરેટરનું નુકશાન વધીને રૂપિયા 1285 કરોડ થયું છે.
  • મંગળવારે એફઆઈઆઈએ રૂપિયા 1229 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. તેમજ સ્થાનિક નાણા સંસ્થાઓએ કુલ રૂપિયા 169 કરોડનું ચોખ્ખુ રોકાણ કર્યું હતું.
  • આજે ઓટોમોબાઈલ, કેપિટલ ગુડ્ઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ અને મેટલ સેકટરના શેરોમાં જોરદાર વેચવાલીથી સેકટોરલ ઈન્ડેક્સ માઈનસમાં બંધ થયા હતા.
  • બેંક, આઈટી, ટેકનોલોજી અને પીએસયુ સેકટરના શેરોમાં નવી લેવાલીથી તેજીની આગેકૂચ રહી હતી.
  • રોકડાના શેરોમાં નફારૂપી જોરદાર વેચવાલી ફરી વળી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 102.90 માઈનસ બંધ થયો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 176.17 ગબડ્યો હતો.
  • આજે સૌથી વધુ ઊંચકાયેલા શેરોમાં એસબીઆઈ(3.71 ટકા), ગેઈલ(3.01 ટકા), ટેક મહિન્દ્રા(2.53 ટકા), અદાણી પોર્ટ(2.36 ટકા) અને ટીસીએસ(2.34 ટકા).
  • સૌથી વધુ ગગડેલા શેરોઃ ભારતી એરટેલ(6.62 ટકા), આઈડિયા સેલ્યુલર(5.49 ટકા), ટાટા મોટર(3.44 ટકા), આઈસીઆઈસીઆઈ બેંક(2.64 ટકા) અને આઈસર મોટર(2.46 ટકા).