કોમનવેલ્થમાં ગર્લ્સ પાવર

કતરફ દેશમાં બળાત્કાર જેવી ઘટનાઓ થઇ રહી છે. તમે રોજ સવારે ઉઠીને સમાચાર જોતાં હશો અથવા તો ન્યૂઝપેપર લેતાં હશો તો એક દિવસ એવો જોવા નહી મળતો હોય કે જેમાં તમને બળાત્કારના સમાચાર જોવા ન મળતાં હોય. આવી ઘટનાઓ દેશને શર્મશાર કરી રહી છે. આવી ઘટનાઓ સમાજમાં સ્ત્રીઓનું સ્થાન, માન અને સલામતીને લઇને અનેક પ્રશ્નો પેદા કરે છે. તો બીજી તરફ થોડા સમય પહેલા યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની મહિલાઓનું પ્રદર્શન કાળા ડીબાંગ અંધારામાં રોશની ફેલાવી રહ્યુ છે. ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ખાતે યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખેલાડીઓનું ખૂબ જ સારુ પ્રદર્શન રહ્યુ અને ભારત કુલ 66 મેડલ્સ જીતીને ત્રીજા સ્થાન પર રહ્યુ. જેમાં મહિલા ખેલાડીઓનો ફાળો અદભૂત રહ્યો છે. જે દેશ અને દેશવાસીઓ માટે ગર્વની વાત છે. ટેબલ ટેનિસ, શૂટિંગ, બેડમિંટન અને વેઇટ લિફ્ટીંગ જેવી રમતો જેમાં પુરુષોનો દબદબો હોય છે તેમાં મહિલાઓએ પોતાનું ઉમદા પ્રદર્શન કરીને મેડલ્સ જીત્યા છે.

બોક્સર મેરી કોમ જેને સૌ કોઇ જાણતુ હશે. મણીપુરના સામાન્ય પરિવારમાંથી આવતી આ મહિલા બોક્સરે વર્ષ 2012ના ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પહેલા પણ એશિયન ચેમ્પિયનશીપ અને વર્લ્ડ એમેચ્યોર ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ પણ જીત્યા હતા. બાકી હતું કોમનવેલ્થ ગેમ્સમાં જીતવાનું તો તેમની એ ઇચ્છા પણ પૂરી થઇ છે. આયર્લેન્ડની ક્રિસ્ટીના ઓ’હારાને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો. પદ્મશ્રી, પદ્મવિભૂષણ અને અર્જુન એવોર્ડથી તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા છે. મેરી કોમ રાજ્યસભાની સભ્ય છે અને તેમના પર એક ફિલ્મ પણ બનાવવામાં આવી છે.

આ વર્ષે કોમનવેલ્થ ગેમસ્માં પહેલા જ દિવસે ભારતને સૌથી પહેલો સુવર્ણપદક અપાવનાર મણિપુરની વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનુ ..48 kgની કેટેગરીમાં મીરાબાઇએ 196 kg વજન ઉપાડીને કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ પણ બ્રેક કર્યો. આ પહેલા પણ 2010માં નાઇજિરીયાના ખેલાડી ઓગિસ્ટાને 175 kg વજન ઉપાડીને રેકોર્ડ બનાવ્યો હતો જેને મીરાબાઇએ તોડી નાખી ભારતનું નામ રોશન કર્યુ છે. હવે તેમની ઇચ્છા આગામી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાની છે. વેઇટલિફ્ટીંગમાં અન્ય બે ખેલાડીઓ પૂનમ યાદવ કે જેમણે 69 kg કેટેગરીમાં અને સંજિતા ચાનુએ 53 kg કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યા.

દેશની આંતરરાષ્ટ્રીય મહિલા કુસ્તીબાજો કે જેમના પર દબંગ ફિલ્મ બની છે તેવી બે બહેનો ગીતા ફોગટ અને બબીતા કુમારીની પિતરાઇ બહેન વિનેશ ફોગટ પણ તેમની બહેનોની જેમ ફ્રીસ્ટાઇલ કુસ્તીમાં અવ્વલ છે. તેણે આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં 50 kg કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને બીજો ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો. 2014માં પણ ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમસ્માં 48 kg કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2016માં રિયો ખાતે ઓલિમ્પિક્સમાં કુસ્તીમાં પ્રથમ વાર ભારતને ઓલિમ્પિક્સમાં મેડલ અપવનાર સાક્ષી મલિકે કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.કોમનવેલ્થ આ પહેલા કોઇ મહિલા ખેલાડીએ ટેબલ ટેનિસમાં પદક નહોતો મેળવ્યો. ત્યારે જ આ વર્ષે એક મહિલા ખેલાડીએ ગોલ્ડ મેડલ મેળવતા દેશવાસીઓની ખુશી બમણી થઇ ગઇ. દિલ્હીની 22 વર્ષની મણિક બત્રાએ વિમેન્સ સિંગલમાં સિંગાપોરની મેન્યુ યુને કે જે છેલ્લા ત્રણ વખતથી જીતે છે તેને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. મણિક બત્રાએ આ ગેમ માટે કોલેજનું ભણવાનું અધૂરુ મૂકી દીધુ છે. તેણે કોલેજમાંંથી ડ્રોપઆઉટ લીધો ત્યારે તેને ઘણા લોકોએ સમજાવી પણ તેનો ધ્યેય મક્કમ હતો અને તે રંગ લાવ્યો. તેણે દેશને ગોલ્ડ, ટીમ ગોલ્ડ, વિમેન્સ ડબલ્સ સિલ્વર અને મિક્સ ડબલ્સ બ્રોન્ઝ એમ ચાર મેડલો અપાવ્યા.

લુધિયાણાની હીના સિંધુએ કોમનવેલ્થ ગેમ્સમાં એક સિલ્વર અને એક ગોલ્ડ એમ બે મેડલ્સ જીત્યા છે. 10 મીટર એર પિસ્તોલમાં સિલ્વર મેડલ અને 25 મીટર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. હિના સિંધુએ અર્જુન એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો છે. 2014માં ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન તરફથી વર્લ્ડ રેંકિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યુ છે. પ્રથમ ક્રમાંક મેળવનારી ભારતની પ્રથમ મહિલા શૂટર બની. આ પહેલા તેણે વર્લ્ડ કપ, કોમનવેલ્થ ચેમ્પિયનશીપ અને એશિયન ચેમ્પિયનશીપમાં પણ શૂટિંગમાં ગોલ્ડ જીત્યા છે.આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં ઘણા બધા નવા યુવા ખેલાડીઓ મળ્યા છે. તેમાંની એક સ્ટાર ખેલાડી મનુ ભાખર પણ છે. માત્ર 16 વર્ષની મનુ ભાખરે વિમેન્સ 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં ખૂબ જ ઉમદા પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. મનુ ભાખર કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી સૌથી નાની ખેલાડી છે. દેશને પણ મનુ ભાખર પાસેથી ઘણી બધી આશાઓ છે.