અમદાવાદનું કર્ણાવતી? કઠિન છે…

અમદાવાદ જો કર્ણાવતી બને તો હેરિટેજ સિટીના દરજ્જાનું શું?

દાયકાઓથી ગુજરાતના લોકોના મનમાં એક એવી લાગણી રહી છે કે અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવું જોઈએ. જે કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. અમદાવાદનું નામ બદલવા માટેની પ્રક્રિયામાં કાયદાકીય કોઈ જટિલ અવરોધ નથી આવતા. તેથી અમારી સરકાર આ કામ જલ્દી શરૂ કરશે.’ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ જાહેરાત કરી દીધી છે.

અમદાવાદનું નામકરણ કરવાનો ગુજરાત સરકારે નિશ્ચય કરી લીધો છે. રૂપાણીએ એમ પણ કહ્યું છે કે ’આવતા વર્ષે નિર્ધારિત લોકસભાની ચૂંટણી પહેલાં અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી થઈ જશે‘. જોકે અહીં ઉલ્લેખનીય એ પણ છે કે અમદાવાદ શહેરને UNESCO સંસ્થા તરફથી ‘હેરિટજ સિટી’નો જે દરજ્જો મળ્યો છે એ દાવ પર લાગવાની શક્યતા છે. આથી જ કેંદ્ર સરકાર આ બાબતે બહુ સાવધાનીપૂર્વક આગળ વધશે.

અમદાવાદ શહેરના નામકરણ બાબતે ગુજરાતના એક સિનિયર અધિકારી પોતાનું નામ ન આપવાની શરતે કહ્યું છે કે, ’અમદાવાદ શહેરે આ જ નામ હેઠળ હેરિટજ સિટી તરીકેનું બહુમાન મેળવ્યું છે. દુનિયા પણ આ શહેરને એના પ્રાચીન સ્થાપત્યો કે જેમાં હિંદુ તથા ઈસ્લામિક, બંને શૈલીનો સુભગ સમન્વય છે, એ રીતે ઓળખે છે. એ દ્રષ્ટિથી અમદાવાદ એના નામકરણને લીધે કદાચ હેરિટેજ બિરૂદ ખોઈ ન બેસે એ પણ જોવાનું રહેશે.’

અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો UNESCO એ જુલાઈ 8, 2017એ આપ્યો હતો. એથી આ વિધિ માટે ઘણી જટિલ પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે. એવું નિષ્ણાતો કહે છે.

દેબાશિષ નાયક કે જેઓ Heritage Conservation Committee (HCC)ના મેમ્બર છે. એમનું કહેવું છે કે, ‘આ દરજ્જો બહુ જૂજ શહેરને મળે છે. એટલે નામકરણ કરતાં પહેલાં રાજ્ય સરકારે બહુ વિચાર કરીને પગલાં લેવાના રહેશે.’ જો કે એમણે વધુમાં ઉમેર્યું કે, ‘નામ બદલવું એ તો માત્ર એક પ્રક્રિયા છે. પણ એ વિશે UNESCOમાં જાણ કરવી જરૂરી છે. કેમ કે ત્યાંની ફાઈલમાં અમદાવાદ નામ લખવામાં આવ્યું છે અને ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ શહેર એવું છે, કે જ્યાં દરેક સમાજનાં લોકો બહુ શાંતિપૂર્વક અને એકતાથી રહે છે.’