ગેરવર્તનના આરોપમાં તપાસને પગલે ફ્લિપકાર્ટના CEO બિન્ની બંસલે રાજીનામું આપ્યું

બેંગલુરુ – ભારતના ઈ-રીટેલ ક્ષેત્રની અગ્રગણ્ય કંપની ફ્લિપકાર્ટના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર બિન્ની બંસલે આજે એમના પદ પરથી રાજીનામું આપ્યું છે.

બેંગલુરુસ્થિત ફ્લિપકાર્ટની પિતૃ કંપની અને અમેરિકાના રીટેલ ક્ષેત્રની ટોચની કંપની વોલમાર્ટે એક સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે બંસલે તાત્કાલિક રીતે અમલમાં આવે એ રીતે ફ્લિપકાર્ટ ગ્રુપના સીઈઓ પદેથી રાજીનામું આપી દીધું છે.

મૂળ ચંડીગઢના બિન્ની બંસલ વિરુદ્ધ ગંભીર અંગત ગેરવર્તણૂકના આરોપમાં ફ્લિપકાર્ટ અને વોલમાર્ટે યોજેલી નિષ્પક્ષ તપાસ બાદ બંસલે ઈ-કોમર્સ કંપનીમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે, એવું નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.

કંપનીઓએ જણાવ્યું છે કે આરોપને બંસલે સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે. તે છતાં અમારી (ફ્લિપકાર્ટ અને વોલમાર્ટ)ની એક જવાબદારી છે કે તપાસ નિર્ણાયત્મક અને સંપૂર્ણ રહે.

કલ્યાણ કૃષ્ણમૂર્તિ ફ્લિપકાર્ટના સીઈઓ તરીકે ચાલુ રહેશે.

ફ્લિપકાર્ટની સ્થાપના કરવામાં આવી ત્યારથી બિન્ની બંસલ તેના સહ-સ્થાપક રહ્યા છે.

ફ્લિપકાર્ટની સ્થાપના બિન્ની અને એમના બિઝનેસ પાર્ટનર સચીન બંસલે (ચંડીગઢ) 2007માં સાથે મળીને સ્થાપી હતી.

અમેરિકાની વોલમાર્ટે ગયા મે મહિનામાં એક મેગા સોદો કરીને ફ્લિપકાર્ટમાં 77 ટકા હિસ્સો ખરીદી લીધો હતો. એ માટે તેણે ફ્લિપકાર્ટને 16 અબજ ડોલર (રૂ. 116,256 કરોડ) ચૂકવ્યા હતા.