સૂર્ય ઊર્જાની અને સાઉદી અરેબિયાની જાહેરાતઃ લાંબા ગાળે ફાયદો

ગુજરાત સરકારે સૂર્ય ઊર્જા માટે, ખેડૂતોના લાભ માટે એક નવી યોજનાની જાહેરાત કરી છે. અદ્દલ સ્ટાઇલ પ્રમાણે તેના નામ રાખ્યાં છે – સ્કાય. SKY – સૂર્યશક્તિ ખેડૂત યોજના. કંઇક બહુ મોટી યોજના હશે તેવી રીતે જાહેરાત માટેની તૈયારી હતી; પ્રધાન, નાયબ મુખ્યપ્રધાન અને મુખ્યપ્રધાન ત્રણેય હાજર હતાં અને ત્રણ ત્રણ સચીવો હાજર રખાયાં હતાં. યોજના આખરે નીકળી માત્ર 875 કરોડની. ગુજરાતમાં કુલ ખેડૂતોની સંખ્યા 15 લાખ છે. તેમાં પ્રારંભમાં માત્ર 12,400 ખેડૂતોને લાભ મળવાનો છે. એ પણ જેની પાસે વીજળી કનેક્શન હોય તેમને જ.સોલર પેનલની સૌથી વધુ જરૂર એવા ખેડૂતોને છે, જેમની વાડી સુધી હજી સુધી લાઇટનો થાંભલો પહોંચ્યો નથી. ઠીક છે, સરકારી યોજનાની મજા જ એ છે કે તેની પાછળનો શુભ હેતુ ભાગ્યે જ પાર પડે છે. યોજના કાગળોમાં જ રહી જાય છે. હેતુ માર્યો જાય છે. સૂર્ય ઉર્જા પાછળનો હેતુ સારો છે. ભાવિ સૂર્ય ઊર્જાનું છે. સૂર્ય એ જીવન છે તે માત્ર ફિલોસોફી નથી. સાચા અર્થમાં સૂર્ય એ પૃથ્વીનો જીવન સ્રોત છે. આજે નહીં તો કાલે સૂર્ય ઊર્જા પર મનુષ્યે આધાર રાખવો પડશે. તેમાં જેટલી ઝડપ થાય તેટલું સારું છે. બે કારણસર, વધતી વસતિ માટે ઊર્જાની જરૂર છે અને તેના કારણે કોલસો અને પેટ્રોલિયમ પદાર્થ બાળ્યા કરીશું તો પર્યાવરણને પણ નુકસાન થવાનું છે. નુકસાન થઇ ગયા પછી એક દિવસ કોલસો અને પેટ્રોલિયમ પદાર્થો ખૂટી પણ પડવાના છે. તેના કારણે સૂર્યની ઊર્જા એ ઉત્તમ વિકલ્પ છે અને તેના વિશે વિચારવાની વાત સારી છે. નાના પાયે ભલે વિચારાયું, પણ વિચારવું જરૂરી હતું. જોકે હજી સરકાર જોઈએ એટલી સિરિયસ થઈ નથી, કેમ કે આપણે નાગરિકો સિરિયસ થયાં નથી. આપણે પોતે પર્યાવરણ માટે પરવા કરતાં નથી, કેમ કે આપણને એમ લાગે છે કે આપણી લાઇફ તો આરામથી પૂરી થઇ જવાની છે. બીજાનું કે સમાજનું વિચારવાનું આપણને ફાવતું નથી.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ એ જ સ્થિતિ છે. આપણને સસ્તું પેટ્રોલ જોઈએ છે, કેમ કે લોંન્ગ ડ્રાઇવ પર જવાનો આનંદ છે. પેલા સ્કૂટર પર ફરીને પોતાનો નાનો મોટો ધંધો કરનારાની હાલત ખરાબ કરવામાં આપણો લોન્ગ ડ્રાઇવ ગોઝ અ લોન્ગ વે. તેથી જ પેટ્રોલિયમ પદાર્થોના ભાવની સ્થિતિને આપણે એ દૃષ્ટિએ જોઈ શકતા નથી, અને તેથી જ ભાવો ઘટે તેવી માગણી આપણે કર્યા કરતા હોઈએ છીએ. પેટ્રોલનો બિનજરૂરી વપરાશ રોકવો સહેલો નથી, કેમ કે કોઈ પણ પ્રકારના નિયંત્રણો કાળાબજાર ઊભું કરે છે અને તેના કારણે પેલા સ્કૂટર લઇને ફરતા સેલ્સમેને તો વધારે ભાવ આપવાનો જ છે. જોકે શનિવારે જ થયેલી બે જાહેરાતો સારી જાહેરાતો કહી શકાય. શનિવારે ગુજરાત સરકારે સૂર્યશક્તિ ખેડૂત યોજનાની જાહેરાત કરી. તે નાનું પગલું છે, પણ સોલર પેનલનો વપરાશ વધે તેવું નાનું પગલું પણ ઉપયોગી છે. સોલર પેનલનું વેચાણ જેટલું વધે તેટલું સારું છે. આ એક ચક્ર હોય છે, જેમાં વેચાણ વધતું જાય તેમ સોલર પેનલ સસ્તી બને અને સસ્તી બનેલી પેનલ વધારે વેચાય.

અમેરિકામાં સરકાર નહીં પણ ખાનગી કંપનીઓ સૌર ઊર્જાને મહત્ત્વ આપી રહી છે. ચીનની સરકાર સૌર પેનલને વધુમાં વધુ સસ્તી બનાવીને દુનિયાભરમાં નિકાસ કરી રહી છે. અમેરિકામાં ઇલોન મસ્કની કંપનીઓ ઇલેક્ટ્રિક કાર, કાર ચલાવવા માટે વધારે સારી બેટરી અને તે બેટરીને ચાર્જ કરવા માટે સોલર પેનલ સાથેના રીચાર્જ સ્ટેશનો બનાવી રહી છે. તેની પોતાની સોલરસીટી નામની સોલર પેનલ કંપની પણ છે. થોડા વર્ષમાં સમગ્ર અમેરિકામાં ઠેરઠેર સોલર પેનલના રીચાર્જ સ્ટેશનો ઊભાં થયાં હશે. સમગ્ર દેશમાં ઇલેક્ટ્રિક કાર ફરતી હશે. પેટ્રોલની જરૂર જ નહીં. ટ્રક અને બસ પણ ઇલેક્ટ્રિક બનાવવાની તૈયારી છે. સમગ્ર ટ્રાન્સપોર્ટેશન અમેરિકામાં સૂર્ય આધારિત થઈ જશે, ત્યારે કલ્પના કરો કે અમેરિકાની સ્થિતિ કેવી હશે.
ભારત માટે આ સ્થિતિ તેનાથીય વધુ આવકારદાયક છે. ભારતમાં વિશાળ વસતિ માટે સતત પેટ્રોલિયમ પદાર્થોની આયાત કરવી લાંબો સમય શક્ય નથી. ભારતમાં સૂર્યપ્રકાશ વધારે પડે છે, ફક્ત ચોમાસાના 60 દિવસો જ કાઢવાના હોય છે. શિયાળામાં પણ પૂરતો પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળે છે. સોલર પેનલ વધારે સસ્તી અને ક્ષમતા સાથેની થતી જાય છે અને બેટરીની ટેક્નોલોજી પાછળ પણ દુનિયા લાગી છે. આજે ઘરે ઘરે પાણીના બાટલા સપ્લાય થાય છે તે રીતે ચોમાસામાં બેટરીના પેક સપ્લાય થઇ શકે છે.

સરકારે જે ઉપાય વિચાર્યો છે, તેમાં સોલર પેનલથી વીજળી ઉત્પન્ન થાય, તેમાં વધારે વીજળી ઉત્પન્ન થાય તે સરકારે ખરીદવાનો વિચાર કર્યો છે. આ વિચાર અમેરિકામાં પણ ચાલે છે અને શહેરોમાં શરૂ થઈ ગયો છે. પણ આ ટૂંકા ગાળાનો ઉપાય છે, કેમ કે એક વાર વન થર્ડ લોકો સોલર પેનલ લગાવી લેશે, ત્યારે વીજળી વેચનારા વધી પડ્યા હશે, જ્યારે ખરીદનારા ઓછા હશે.તેનો અર્થ એ કે સોલર પેનલ પોતે જ ઊર્જાનો સ્રોત બને તે તરફ અત્યારથી જ વિચારવું પડે. તે માટે સરળ રસ્તો છે તેને સસ્તી બનાવવી. તેને વધારે ક્ષમતાવાળી બનાવી શકાય છે. તે પણ બનશે. બેટરી અને સ્ટોરેજ પણ વધારે સસ્તા અને એફિશિયન્ટ બનશે. સરકારે માત્ર એક જ કામ કરવાની જરૂર છે, સોલર પેનલનું ઉત્પાદન વધારેમાં વધારે અને તેનું વેચાણ સસ્તામાં સસ્તી રીતે.દરમિયાન આપણે નાગરિકો તરીકે એ વિચારવાનું છે કે પેટ્રોલનો વપરાશ શક્ય હોય એટલો જ કરવો અને અત્યારે મોંઘી લાગે તો પણ સોલર પેનલ તરફ વળવું. જેમને પરવડે છે તેમણે બાકીના નાગરિકોનો વિચાર કરીને મોંઘી લાગતી સોલર પેનલ ખરીદવી જોઈએ. આ પણ સેવાનો એક પ્રકાર છે, જો સમજાય તો.

દરમિયાન શનિવારે બીજી પણ સારી જાહેરાત હતી. તે હતી સાઉદી અરેબિયા તરફથી. શુક્રવારે ઓપેક દેશોની બેઠક હતી. તેમાં ઉત્પાદન જાળવી રાખવાની અને હવે ભાવો બહુ ના વધે તેની ચર્ચા થઈ હતી. સાઉદી અરેબિયાના એનર્જી મિનિસ્ટરે ખાલિદ અલ-ફલીહે શનિવારે કહ્યું હતું કે માર્કેટને બેલેન્સ રાખવા માટે જરૂરી હોય તે પગલાં સાઉદી અરેબિયા લેશે. સાઉદી અરેબિયાએ રોજનું દસ લાખ બેરલ ઓઇલ સપ્લાય માર્કેટમાં જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. ભારત માટે સારા સમાચાર છે, કેમ કે તેનાથી ભાવો વધતા અટકશે. જોકે ઘટવાના નથી તે જુદી વાત છે, પણ આ લેવલ પર ટકે તે પણ ફાયદાકારક છે.
સૌથી વધુ ઉત્પાદનક્ષમતા અત્યારે સાઉદી અરેબિયા પાસે જ છે. તે સમયાંતરે ઉત્પાદન ઘટાડી દે છે, જેથી ભાવો ઉપર જાય. રશિયા, અમેરિકા અને કેનેડા પાસે પણ પુષ્કળ ઓઇલ છે, પણ ત્રણેય સામે એકલું સાઉદી અરેબિયા જ છે.
પરંતુ આ સારી જાહેરાત ટૂંકા ગાળા માટેની છે. થોડો સમય ભાવોમાં કાબૂમાં રહેશે, પણ પેટ્રોલિયમ પેદાશોનો વપરાશ વધતો રહે છે. ઘટેલા ભાવે પણ ભારત જેવા દેશ માટે તે મોટી મુસીબત બની રહેશે. અમેરિકા અને કેનેડાએ જથ્થો સાચવીને રાખ્યો છે, પણ પેટ્રોલિયમ પદાર્થો બાળવાથી પર્યાવરણને થનારા નુકસાનની ચિંતા તેમણે કરવાની છે. તે જ રીતે ગુજરાત સરકારે કરેલી જાહેરાત ટૂંકા ગાળાની છે. શરૂઆતમાં માત્ર સાડા બાર હજાર ખેડૂતોથી થશે, એવા ખેડૂતોથી થશે, જેમની પાસે ઓલરેડી વીજ કનેક્શન છે, પણ શરૂઆત થાય તે પણ ખરું છે. આવતી કાલે સરકારને ભાન થશે કે યોજનાનું અમલીકરણ ખોટી રીતે થઈ રહ્યું છે. જેમની પાસે વીજ કનેક્શન છે જ નહીં, તેમના સુધી સોલર પેનલ પહોંચાડવાનું સૂઝશે. ઇલેક્ટ્રિક કાર માટે ચર્ચા ચાલી રહી છે. ચીને નક્કી કર્યું છે 2030 સુધીમાં બધી જ વર્તમાન કાર બંધ કરીને માત્ર ઇલેક્ટ્રિક કાર ચાલશે. ભારતે પણ એ જ લક્ષ્ય નક્કી કર્યું છે. આટલા વર્ષમાં તે શક્ય બનશે કે કેમ તે નક્કી નથી, કેમ કે તે પણ એક સરકારી યોજના જ છે. ઇલેક્ટ્રિક કારની બાબતમાં પણ એવું થઈ રહ્યું છે કે ટેસ્લા ભારતમાં આવવા માગે છે, પણ નિયમો નડી રહ્યાં છે. ચીનમાં ટેસ્લાનું યુનિટ ખુલી રહ્યું છે, ભારતમાં ક્યારે ખુલશે તે નક્કી નથી. ભારતમાં ઇલેક્ટ્રિક કાર્સ બનવા લાગી છે. વિદેશી કંપનીને ના આવવા દેવી હોય તો કમ સે કમ ઇન્ડિયન ઇલેક્ટ્રિક કાર કંપની માટે પણ નીતિ બદલવી રહી. થોડા ખેડૂતો માટે, વધારે તો રાજકીય રીતે વિચારીને ભલે નાનકડી યોજના થઈ, પણ જાહેરાત સારી થઈ છે. એ જ રીતે કોઈ ઉદ્યોગગૃહને ફાયદો કરાવવાના હેતુથી પણ નીતિ બદલશે તો લાંબા ગાળે તેનો પણ ફાયદો થશે.