અક્ષયકુમાર આ હેલ્થ એક્સરસાઇઝ કરે છે, તમે પણ કરો!

હિન્દી ફિલ્મ અભિનેતા અક્ષયકુમાર માત્ર અભિનય કે સમાજસેવાની બાબતમાં જ નહીં, પરંતુ આરોગ્યની દૃષ્ટિએ પણ આદર્શ છે. તેણે આજે સવારે પોતાનો જેસલમેર પર સાઇકલ ચલાવતો વિડિયો સૉશિયલ મિડિયા પર મૂક્યો છે. કાર્ડિયો એક્સર્સાઇઝ કરવી હોય તો સાઇકલ ચલાવવી બહુ સારી છે. અક્ષયકુમાર છુટ્ટા હાથે સાઇકલ ચલાવે છે. તે પણ આરોગ્ય માટે લાભદાયક છે. અક્ષયકુમારે પૉસ્ટમાં લખ્યું છે કે તેનાથી સંતુલન, સ્થિરતા અને સમગ્ર રીતે કામ કરવાની ક્ષમતા સુધરે છે.

આપણને સહુને ખબર છે કે બાળપણમાં સાઇકલ ચલાવવામાં આપણને કેટલો આનંદ આવતો હતો. પરંતુ મોટા થયા પછી આપણે કાં તો આળસુ થઈ ગયા અથવા તો સમયની મારામારીમાં સાઇકલ છૂટી ગઈ. પરંતુ સાઇકલ ચલાવવાથી સ્નાયુ પણ સારા થાય છે. તમારી શક્તિ પણ વધે છે. તે બહુ ખર્ચાળ પણ નથી. તેનાથી તણાવ પણ ઘટે છે. બીજી કસરતોમાં ઈજા થવાનો ભય રહે છે જે સાઇકલ ચલાવવામાં નથી રહેતો. વળી, સાઇકલ ચલાવવાની કસરત બહુ જ સરળ છે. તેમાં બહુ કંઈ શારીરિક કૌશલ્યની જરૂર પડતી નથી.

સાઇકલ ચલાવવાથી સ્થૂળતા પણ ઘટે છે. વજન ઘટે છે. હાર્ટ એટેક અને સ્ટ્રૉક જેવા રોગોને પણ ટાળી શકાય છે. તેનાથી ડાયાબિટિસમાં પણ રાહત મળી શકે છે. પગને પણ કસરત મળે છે.

જેમ કાર કે સ્કૂટર ધીમેધીમે ચલાવીને લોન્ગ ડ્રાઇવ જવાનો આનંદ માણી શકાય છે તેમ સાઇકલ ચલાવવામાં પણ અનેરો આનંદ મળે છે. તમને મજા પડે તો ઝડપી ચલાવો અને જો ધીમી ચલાવવી ગમતી હોય તો તેમ ચલાવો. પરંતુ આનંદ આવવો મહત્ત્વનો છે. તમારા ઘરની આજુબાજુ પણ તમે સાઇકલ ચલાવીને કસરત કરી શકો છો. જોકે આજે જે રીતે વાહનવ્યવહાર થઈ ગયો છે અને જે પૂરપાટ ગતિએ સ્કૂટર, કાર, બસો વગેરે આવતા હોય છે તે જોતાં રસ્તા પર સાઇકલ ચલાવવી જોખમી બની ગઈ છે અને અક્ષયકુમાર પણ આ વાત સાથે સંમત છે. પરંતુ હા, જો મળસ્કે કે મોડી રાતના પ્રમાણમાં ઓછા વાહનવ્યવહારના સમયે તમે સાઇકલ ચલાવવાનું પસંદ કરો તો કોઈ સમસ્યા નથી.