PM મોદી જનતાને કડવી દવા પીવડાવીને વૉટ માગે છે

ગાંધીનગર– ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની આ ચૂંટણીમાં ભાજપ પક્ષે કમર કસી છે. અને વડાપ્રધાન પોતે આ ધૂરા સંભાળી છે. વડાપ્રધાન તેમની તમામ ચૂંટણીની જાહેર સભામાં એક વાત ચોક્કસ દોહરાવે છે કે મારા શાસન કાર્યકાળમાં લેવામાં આવતા નિર્ણયો ક્યારેક કઠિન જરૂર હશે, પરંતુ લાંબાગાળે તે ફાયદારૂપ હશે તેમ હું ચોક્કસ માનું છું. દેશમાં આર્થિક વિકાસને ધ્યાને લઇ નોટબંધી, જીએસટી, આધારકાર્ડ, બેન્કિંગ સેવાઓમાં લેવામાં આવતા નિર્ણય આકરા જરૂર છે. પરંતુ તે આગામી દિવસોમાં દેશના આર્થિક તંત્રને વધુને વધુ મજબૂત બનાવશે, આવા નિર્ણયો કદાચ રાજકીય પક્ષોને ન ગમતા હોય પણ સ્વીકારવા જરૂર પડશે આ પ્રકારના નિર્ણયથી ભાજપને રાજકીય નુકશાન થશે પણ તે ભોગવવાની તૈયારી ભાજપ સરકારે રાખી છે.

રાજ્યમાં ચૂંટણી આધારિત જાહેરસભાઓમાં વડાપ્રધાન આ મુદ્દાઓ પર જરૂર ભાર મૂકે છે અને પ્રજાને આ નિર્ણયો સહન કરવા જણાવે છે. પરંતુ લોકમુખે એવું ચર્ચાય છે કે વડાપ્રધાન તો ભાષણો કરી આકરા નિર્ણયો જાહેર કરે છે. પરંતુ આ ભોગવવાની તૈયારી તો સામાન્ય નાગરિકે અને મધ્યમવર્ગના વેપાર ધંધાવાળાએ ભોગવવાની હોય છે. આજે નોટબંધી અને જીએસટી જેવા બે હાઈડોઝ છ માસના ટૂંકાગાળામાં ભારતની પ્રજા પર નાંખતા આર્થિક મંદીનો માહોલ ઉભો થયો છે.

આજે વેપારી આલમમાં નોટબંધી અને જીએસટીના કારણે હાલમાં વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. આ પરિસ્થિતિ ક્યારે સુધરશે તે કોઈને ખબર નથી, પરિણામે આ વખતની ચૂંટણીમાં આ મુદ્દાઓ પણ અગત્યના બની રહ્યા છે. આ પરિસ્થિત ક્યારે સુધારશે તેનો કોઈ રાજકીય નેતા પાસે જવાબ નથી.ચૂંટણી જયારે આવે છે ત્યારે રાજકીય નેતાઓ પ્રજા વચ્ચે આવી જાય છે. પરંતુ આ રાજકીય નેતાઓ જયારે ચૂંટાય છે ત્યાર પછી પાંચ વર્ષ દરમ્યાન ક્યારેય પ્રજા વચ્ચે આવતા નથી અને પ્રજાની કઈ સમસ્યા છે તે અંગે કોઈપણ પ્રકારની પુછપરછ કરતા નથી.

આજનો યુવા વર્ગ હવે એક ચોક્કસ દિશા તરફ વિચાર કરતો જોવા મળે છે. આજના યુગમાં યુવા વર્ગ પોતાના વિસ્તારનો પ્રતિનિધિ ભણેલો અને હોંશિયાર હોય તેવું ચોક્કસપણે માની રહ્યો છે. ભૂતકાળમાં કોઈ એક ગામમાં સરપંચ કે આગેવાન કહે તેમ લોકો મત આપતા હતા, પરંતુ આજની પરિસ્થિતિએ આ બાબતમાં ઘણું જ મોટું પરિવર્તન આવી ગયું છે. ઉપરાંત જ્ઞાતિવાદની વાત પણ ચરમસીમાએ પહોંચી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આ વખતે પ્રજા સત્તા સુકાન કોને આપે છે.