ડોનાલ્ડ ટ્રમ્પના એ પાંચ નિર્ણય જે વિશ્વ માટે ‘સિરદર્દ’ બન્યાં

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને સત્તામાં આવ્યે હજી એક વર્ષ પણ પુરું નથી થયું પરંતુ તેમના દ્વારા લેવાયેલા અનેક નિર્ણયો વૈશ્વિક સમુદાયમાં સિરદર્દ પુરવાર થયા છે.

હાલમાં મળતી માહિતી મુજબ પ્રેસિડેન્ટ ટ્રમ્પ જેરુસલેમને ઈઝરાયલની રાજધાની તરીકે માન્યતા આપી શકે છે. આ સમાચાર માધ્યમોમાં સામે આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે એમાં પણ વિશેષ કરીને ખાડી દેશોમાં તણાવનો માહોલ બન્યો છે.

સાઉદી અરબના સુલ્તાન સલમાન, પેલેસ્ટાઈનના નેતા મહેમૂદ અબ્બાસ, જોર્ડનના સુલ્તાન અબ્દુલ્લા અને મિસ્ત્રના પ્રેસિડેન્ટ અબ્દુલફતહ અલ સિસીએ આશંકા વ્યક્ત કરી છે કે, જેરુસલેમને ઈઝરાયલની રાજધાની તરીકે માન્યતા આપવામાં આવશે તો, આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થિતિ કપરી થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે જેરુસલેમ એ વર્ષોથી વિવાદનો પ્રમુખ મુદ્દો રહ્યો છે. જો અમેરિકા જેરુસલેમને ઈઝરાયલની રાજધાની તરીકે માન્યતા આપશે તો ઈઝરાયલના જન્મ બાદ એટલે કે, વર્ષ 1948 બાદ આમ કરનારો અમેરિકા પ્રથમ દેશ હશે.

આ ઉપરાંત જોઈએ ડોનાલ્ડ ટ્રમ્પના એ નિર્ણયો જેના લીધે ભવિષ્યમાં વૈશ્વિક સ્તર પર ગંભીર પરિણામ આવી શકે છે.

પેરિસ સમજૂતીથી ખસી જવું

વર્ષના મધ્યભાગમાં પ્રેસ્ડેન્ટ ટ્રમ્પે વૈશ્વિક પર્યાવરણના સંતુલન માટે કરવામાં આવેલી પેરિસ જળવાયુ સંધીમાંથી અમેરિકાએ હટી જવાની જાહેરાત કરી હતી. જે નિર્ણય ઘણો જ આશ્ચર્યજનક હતો. પેરિસ સંધી એ વૈશ્વિક સ્તરે એવી પ્રથમ જળવાયુ પરિવર્તન સંધી હતી જેમાં વર્ષ 2015માં વિશ્વના નેતાઓ એકમત થયા હતા. જોકે બાદમાં ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને તેમાંથી હટાવી લેવાનો નિર્ણય આશ્ચર્યજનક રહ્યો હતો.

મુસ્લિમ દેશોના નાગરિકો પર ટ્રાવેલ બેન

ટ્રમ્પનો વધુ એક વિવાદીત નિર્ણય 6 મુસ્લિમ દેશોના નાગરિકો પર અમેરિકામાં આવવા પર પ્રતિબંધ મુકવાનો હતો. જેમાં ઈરાન, ચાડ, લીબિયા, સોમાલિયા, સીરિયા અને યમનનના નાગરિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટ્રમ્પના આ નિર્ણયનો ઉપરોક્ત 6 દેશોએ તો વિરોધ કર્યો જ, સાથે જ વૈશ્વિક સમુદાયમાં પણ તેના પડઘા જોવા મળ્યા.

યુનેસ્કોમાંથી હટવાનો નિર્ણય

ગત ઓક્ટોબર મહિના દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે યૂનેસ્કોમાંથી હટી જવાનો નિર્ણય કરીને વધુ એકવાર દુનિયાને આંચકો આપ્યો. એ સમયે અમેરિકાએ યૂનેસ્કો ઉપર ઈઝરાયલ વિરોધી હોવાનો આરોપ લગાવ્યો હતો. અને યૂનેસ્કોમાંથી હટી જવાનો નિર્ણય કર્યો હતો.

મેક્સિકો સરહદે દીવાલનું નિર્માણ

પ્રેસિડેન્ટ ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન અનેકવાર મેક્સિકો સરહદે દિવાલ નિર્માણના કાર્ય પર ભાર મુક્યો હતો. અને આ અંગે વચન પણ આપ્યું હતું. જેથી આ દિશામાં ટ્રમ્પે ઝડપી નિર્ણયો લીધા છે તેમાં શંકાને કોઈ જ સ્થાન નથી. પ્રેસિડેન્ટ તરીકે શપથ લીધા બાદ થોડા જ દિવસોમાં ટ્રમ્પે મેક્સિકો સરહદ પર દિવાલ બનાવવાના કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરી તેને મંજૂરી આપી હતી.

ઉત્તર કોરિયા સાથે ટકરાવ

છેલ્લા કેટલાક મહિનાથી અમેરિકાની સરખામણીમાં અત્યંત નાનો અને ગરીબ દેશ ઉત્તર કોરિયા અમેરિકાને સતત પરેશાન કરી રહ્યો છે. જોકે હવે અમેરિકા પણ તેને છોડવાના મૂડમાં નથી જણાઈ રહ્યું. આપને જણાવી દઈએ કે, ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચેના તણાવની કિંમત સમગ્ર વિશ્વએ ચૂકવવી પડી શકે છે. જો અમેરિકા ઉત્તર કોરિયાને પાઠ ભણાવવાના ઈરાદે તેની સાથે યુદ્ધ કરે તો વિશ્વના અન્ય દેશોએ પણ તેની કિંમત ચૂકવવા તૈયાર રહેવું પડશે.