31 જાન્યુઆરીએ કર્ક રાશિમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ, રાશિવાર અસર

૩૧ જાન્યુઆરી ૨૦૧૮એ કર્ક રાશિ અને પુષ્ય/આશ્લેષા નક્ષત્રમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ થશે, ગ્રહણ એ ખગોળીય ઘટના છે તો તે નવી ઊર્જાનો સંચાર પણ છે. માનસિક પટ પર જે ચાલ્યું ગયું તેને ભૂલી જવાનું છે અને નવી ઊર્જાનો અનુભવ લેવાનો છે, જે બાકી હોય તેને સત્વરે પૂર્ણ કરવાનું છે. જો ચંદ્રગ્રહણ તમારી જન્મકુંડળીમાં કર્ક રાશિમાં રહેલા કોઈ ગ્રહના અંશ પર થયું હશે તો તે ભાવ નિર્દિષ્ટ બાબતોનો ચોક્કસ અંત આવે છે અથવા તે ભાવ નિર્દિષ્ટ બાબતોમાં અચૂક કાર્ય હાથમાં લેવું પડે છે. કર્ક રાશિના જાતકો અને પુષ્ય/આશ્લેષા નક્ષત્રમાં જન્મેલા જાતકોને આ ગ્રહણ ટૂંકા સમય માટે શારીરિક અને માનસિક તકલીફ આપી શકે, મન અને બુદ્ધિ બંનેને સ્થિર કરીને આ રાશિના જાતકોએ કાર્યમાં અડગ રહેવું જોઈએ. માનસિક શાંતિ માટે વિષ્ણુ સહસ્ત્રનામના જાપ અથવા શિવમહિમ્ન સ્રોતનું પઠન કરી શકાય. દરેક નામ અને શ્લોકનો અર્થ આંતરમનમાં ગ્રહણ કરીને ભાવપૂર્વક પાઠ કરવા. કોઈ કાર્યમાં વિઘ્ન હોય અથવા શારીરિક વ્યાધિનો ભય હોય તો તે બાબતે બેદરકાર રહેવું નહીં.

ચંદ્રગ્રહણ જળતત્વની રાશિમાં થયું છે અને કર્ક રાશિ એ ચર સંજ્ઞક રાશિ છે. સમુદ્ર, નદી, સરોવર, જળ પરિવહન, જળના સ્રોત વગેરે જલીય બાબતોમાં આગામી મહિનાઓમાં તકલીફ સર્જાઈ શકે. વૈશ્વિક જનમાનસ અને દેશના પ્રજાજનોમાં લાગણી અને ભાવનાશીલ બાબતોને લગતા મુદ્દા કે જેમાં તર્ક ઓછું છે તેવી બાબતો દેશ અને દુનિયામાં વધુ ચર્ચામાં રહે તેવું બની શકે. ખેતી અને આહારની ચીજો જેવા વિષયોમાં વધુ મહત્વના નિર્ણયો થઇ શકે.

ચંદ્રગ્રહણ ૩૧ જાન્યુઆરી ૨૦૧૮એ ૧૭:૧૭એ શરુ થશે અને ૨૦:૪૦ કલાકે ચંદ્રગ્રહણ આદ્ય મોક્ષ થશે. ૧૮:૫૯ કલાકે મહત્તમ ગ્રહણ બિંદુ સર્જાશે. શાસ્ત્રો મુજબ, ચંદ્રગ્રહણ પહેલાં સ્નાન કરી શુદ્ધ થવું અને ચંદ્રગ્રહણ છૂટ્યાં પછી ફરી પણ સ્નાન કરવું જોઈએ. ચંદ્રગ્રહણ છૂટ્યાં પછી ઘરમાં મંદિરના વિશેષ શુદ્ધિ અને સફાઈ કરવા. ચંદ્રગ્રહણ દરમિયાન કરેલા જપ, તપ અને હોમનું ખૂબ પુણ્ય મળે છે, માટે જે જાતકો મંત્ર સિદ્ધિ અને વિશેષ સાધનામાં જોડાયેલા હોય તેમને ચંદ્રગ્રહણ દરમિયાન જાપ કે ઉપાસના કરવાથી અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે.

ગ્રહણની અસર લગભગ છ મહિના સુધી વર્તાય છે, તેવો એક મત છે. જે રાશિ અને નક્ષત્રમાં ચંદ્ર ગ્રહણ થાય છે, તેનો તે વર્ષના શુભ મુહુર્તમાં ત્યાગ થાય છે. જગ્યાની સાફસફાઈ, સજાવટમાં બદલાવ, સુગંધનો પ્રયોગ અને નવી વસ્તુ ખરીદીને વાપરવાથી જે તે બાબતોમાં નવી ઊર્જાનો અનુભવ થાય છે. ફળાદેશમાં જ્યાં નવી ઊર્જાનો સંચાર લખ્યો છે, તેનો અર્થ જાતકે સાફસફાઈ, સજાવટમાં બદલાવ, સુગંધનો પ્રયોગ વગેરે સમજવો. આ બધી શાસ્ત્રીય વાતોની સાથે તમારી રાશિ માટે આ ચંદ્રગ્રહણનો શું અર્થ છે અને તમે તેનો કઈ રીતે વ્યવહારમાં ઉપયોગ કરો, તેને ધ્યાનમાં લઈને નીચે ફળાદેશ આપેલ છે.

મેષ: મેષ રાશિના જાતકોને ઘરને લગતા કાર્યોમાં કે કુટુંબને લગતા કાર્યોમાં જલદી નિર્ણય લેવો પડી શકે. ઘરમાં સાફ સફાઈ સાથે નવી ઊર્જાનો સંચાર કરવો. તમારે પોતાના વાહન અને ઘરમાં કોઈ રીપેરિંગ હોય તો તેને હાથ પર લઈને સત્વરે પૂર્ણ કરવા જોઈએ.

વૃષભ: વૃષભ રાશિના જાતકોને પોતાના લેખન કાર્ય અને કાયદાકીય બાબતોમાં વધુ ધ્યાન આપવું પડશે. તમે જે નિર્ણય કર્યાં હોય તેની પર તમારે અડગ રહેવું પડશે, પોતાના અભ્યાસ અને ઓફિસ/ કાર્યસ્થળે બદલાવ લાવીને પૂજા કરવી.

મિથુન: મિથુન રાશિના જાતકોને નાણાકીય બાબતોમાં વધુ ધ્યાન આપવું પડી શકે, તમારે આ સમય દરમિયાન મોટા નાણાકીય નિર્ણયને ધીરજથી પાર પડવો. ઘરેણાં, મંદિર અને નાણાં મુકવાની જગ્યાએ સાફસફાઈ રાખવી જોઈએ. નાણાકીય બાબતોના પ્રશ્નો હાથ પર લેવા.

કર્ક: કર્ક રાશિના જાતકોએ પોતાની તબિયત વધુ સારી બને, શારીરિક વ્યાધિમાંથી મુક્ત કઈ રીતે થઇ શકાય તેના પ્રશ્નો પર વિચાર કરવો જોઈએ. આ સમય દરમિયાન તમારી તબિયત મહત્વની છે. અન્ય કાર્યોની સરખામણીએ પોતાની સાથે સીધા જોડાયેલા મહત્વના કાર્યોને હાથ પર લેવા.

સિંહ: સિંહ રાશિના જાતકોને આ સમય દરમિયાન મંત્ર અને આરાધના ફળી શકે. તમે કોઈ મોટો ખર્ચ કરી રહ્યાં હોવ તો તે બાબતે તમારે વધુ સક્રિયતાથી વિચાર કરવો પડશે. આ સમય દરમિયાન થતાં ઓપરેશન કે મોટી તબીબી સારવારમાં વધુ ધ્યાન આપવું પડી શકે.

કન્યા: કન્યા રાશિના જાતકોને પોતાની નૈતિક જવાબદારીઓ અને સામાજિક સંબંધો બાબતે વધુ ધ્યાન આપવું પડશે. તમારે પોતાના મિત્રો અને સમાજ પ્રત્યેની ફરજોને સત્વરે ધ્યાન પર લેવી પડશે. તમારી પર આધારિત લોકોને તમારે મદદ કરવી પડશે.

તુલા: તુલા રાશિના જાતકોને પોતાના મહત્વના કાર્ય બાબતે જલદી નિર્ણય લેવો પડી શકે. તમે જે પદ કે જે કાર્ય માટે જવાબદાર હોવ તે બાબતે તમારે વધુ કઠોર નિર્ણય લેવા પડી શકે. તમારે પરિસ્થિતિ મુજબ જે ન્યાય અને કાયદા સંગત હોય તેવો નિર્ણય કરવો પડી શકે.

વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના જાતકોને ધાર્મિક બાબતો અને યાત્રા બાબતે મહત્વનો નિર્ણય થઇ શકે. તમારી આધ્યાત્મિક પ્રગતિ વધે. તમે ઉચ્ચ અભ્યાસમાં લાગેલા હોવ તો તમારે પોતાના પુસ્તકો અને અભ્યાસના સાધનોને નવી ઊર્જા આપવી જોઈએ.

ધન: ધન રાશિના જાતકોને પોતે સમર્પણની ભાવના કેળવવી પડશે, ઘણીવાર ત્યાગથી પણ સુખ મળતું હોય છે. જીવનનો એવી ગુપ્ત બાબતો કે જે તમે ધ્યાન પર નથી લેતાં તેમાં નવીનતા લાવવી પડશે. બાકી રહેલાં નાણાકીય વ્યવહાર પૂર્ણ કરવા.

મકર: મકર રાશિના જાતકોને પોતાના વ્યવહારને વધુ સુંદર બનાવવો પડશે. તમે અન્ય લોકો પર નવેસરથી સંબંધ શરુ કરો તેવું બની શકે. જીવનસાથી સાથે વધુ સમય વિતાવવો, તેમને ખુશ રાખવા અને લગ્નજીવનને વધુ મહત્વ આપવું જરૂરી રહેશે.

કુંભ: કુંભ રાશિના જાતકોને કાર્ય બાબતે નવીનતા લાવવી પડશે, તમે તમારા રોજબરોજના સામાન્ય લાગતાં કાર્યોને પણ વધુ સારી રીતે કેમ કરી શકો તે બાબતે તમારે ધ્યાન આપવું પડશે. તમારે તબિયત માટે વધુ સક્રિય રહેવું પડશે. આહાર અને વિહારમાં બદલાવ ફાયદાકારક.

મીન: મીન રાશિના જાતકોને પોતાની ધારણાઓ સ્પષ્ટ કરવી પડશે, તમારે પોતાના કાર્યમાં નવી બાબતોને લઈને આગળ ચાલવું પડી શકે. તમારે એક સમયે એક જ બાબતને હાથ પર લેવી જોઈએ. સંતાનો માટે ઉપયોગી ચીજોની ખરીદી તેઓમાં નવી ઊર્જાનો સંચાર કરશે.