સાચા સુખના નિયમો આપે છે વાસ્તુ

ભારતીય હોવું એટલે? કયા ગુણધર્મો આપણને ભારતીય બનાવે છે? ભારતીય સિદ્ધાંતો સાચા સુખ તરફ જવાનો માર્ગ દર્શાવે છે. ઘર થકી સુખી થવાના સિદ્ધાંતો આપે છે વાસ્તુશાસ્ત્ર. આજે આપણે મોનાબહેનના મકાનનો અભ્યાસ કરીએ. લંબચોરસ પ્લોટમાં દિશાઓ મુખ્ય ચાર દિશાઓથી ૪૫ અંશ પર છે. જેના લીધે સંતુલન ન સચવાય. પૂર્વથી ઉત્તર તરફ માર્જિન વધારે છે તે સારું ગણાય. પરંતુ પૂર્વથી દક્ષિણ તરફ માર્જિન વધારે છે તે યોગ્ય ન ગણાય. પ્લોટનું મુખ્ય દ્વાર ઉત્તર તરફથી છે જે સારું ગણાય. પરંતુ તેની ઉપર કાંટાની વેલ છે જે યોગ્ય ન ગણાય.

ઉત્તર અને ઈશાન તરફ તુલસી છે જે હકારાત્મક ગણાય.મધુમાલતીની વેલ આંગણામાં હોય તો યોગ્ય ન ગણાય. ઘરનું  મુખ્ય દ્વાર ઈશાન તરફથી છે. જેના કારણે અંગત વ્યક્તિ પીઠ પાછળ અલગ વ્યક્તિત્વ ધરાવે. એક લાઈનમાં ત્રણ દરવાજા આવતા હોય તો તે ઘરની ઊર્જાનો વ્યય કરે તેથી તે સારું ન ગણાય. લિવિંગ રૂમ ઈશાન તરફ છે જે સારું ગણાય. ઈશાનમાં વજન વધારે હોય તો તે હૃદય માટે યોગ્ય ન ગણાય. ઉત્તરમાં વજન પુરુષનો આત્મવિશ્વાસ ઘટાડે અથવા સ્ત્રીને અસંતોષ કરાવે. પૂર્વ અગ્નિમાં ફ્રિજ છે જે નારીને વિચારો વધારે આપે. બ્રહ્મમાં દીવાલ પગનો દુખાવો આપે.  આ ઉપરાંત બ્રહ્મમાં તિજોરી છે જે નૈઋત્ય તરફ ખુલે છે. જેમાં ધનનો સંચય તો ન થાય પરંતુ ધનને લગતી ચિંતા કરાવે.પશ્ચિમ વાયવ્યમાં અરીસો આવે તે યોગ્ય ન ગણાય. નૈઋત્યમાં તિજોરી સારી ગણાય. પરંતુ નૈઋત્યમાં દક્ષિણ તરફ હોય તો તે વધારે યોગ્ય ગણાય. આ જગ્યાએ કબાટ આવેલો છે. તેના બદલે તિજોરી રાખવી જરૂરી છે. ઘરમાં બારીઓ નથી તેથી નકારાત્મક વાતાવરણ રહે. કુદરતી પ્રકાશ જો યોગ્ય રીતે મળતો હોય તો તે હકારાત્મક ઊર્જામાં વધારો કરે છે.

દરેક ઘરમાં કેટલીક સારી બાબતો હોય છે અને કેટલીક નકારાત્મક બાબતો હોય છે. અને ક્યારેક સારી બાબતોની ઊર્જા નકારાત્મક બાબતોની ઊર્જાને ઓછી કરી દે છે. તેથી જ ઘર અથવા મકાનનો સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી જ તેની અસરોને સમજી શકાય. આ જ ઘરમાં હકારાત્મક ઊર્જા પ્રાપ્ત કરવા માટે સર્વપ્રથમ તો સૂચન પછીના નકશા પ્રમાણેની રચના કરવી જરૂરી છે. ત્યાર બાદ ઈશાનમાં બીજા પાંચ તુલસી, ઉત્તરમાં બે હજારી, અગ્નિમાં બે ફૂલ દાડમ વાવવા જરૂરી છે. આ ઉપરાંત ઘરના એક લાઈનમાં આવતા ત્રણ દરવાજામાં વચ્ચેના દરવાજા પર પરદો નાખી દેવો જરૂરી છે. દર ગુરુવારે ઘરનો ઉંબરો પૂજી અને આસોપાલવનું તોરણ લગાવવાથી સારું રહે.

બને ત્યાં સુધી નૈઋત્યમાં દક્ષિણ તરફ આવેલી તિજોરીમાં પૈસા રાખવા. ઘરમાં ગૂગળ, અંબરનો ધૂપ સવારે અને સાંજે ફેરવવો. આ ઉપરાંત તિજોરીમાં પહેલી વખત પૈસા ગુરુવારે રાખવા. તિજોરી પર વજન રાખવું નહીં. સવારે વહેલા ઉઠવું અને વડીલોને સન્માન આપવું. સૂર્યને જળ ચડાવવું. શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ચોખા, સરસવ, પાણીથી અભિષેક કરીને બીલીપત્ર ચડાવી દેવા. આ ઘરમાં રહેનાર વ્યક્તિએ કોઈના પર આંધળો વિશ્વાસ કરવો નહીં. ધંધામાં પાર્ટનરશીપ પણ વિચારીને કરવી. બેસતા મહિને કીડિયારું પૂરવું.

માણસ જ્યાં સુધી સ્વને નથી સમજતો ત્યાં સુધી તે ભાગ્યાં કરે છે. જયારે તે સ્વને સમજી જાય છે ત્યારે તેને પોતાની સાચી જરૂરિયાતની સમજ આવે છે અને તેને સાચા સુખનું જ્ઞાન મળે છે. સાચા સુખના નિયમો આપે છે વાસ્તુ શાસ્ત્ર.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]