જેટલીના પાંચમાં બજેટમાં ન મળ્યા આ 5 પરંપરાગત શબ્દો!

નવી દિલ્હી- નાણાંપ્રધાન અરુણ જેટલીએ સંસદમાં તેનું પાંચમું બજેટ રજૂ કર્યું હતું. એક કહેવત છે કે, ‘વરને કોણ વખાણે? વરની મા’ એ કહેવતને સાર્થક કરતાં આ બજેટને વડાપ્રધાન મોદીએ ગરીબ, ખેડૂત, દલિત અને આદિવાસીઓ માટે કલ્યાણકારી અને વિકાસલક્ષી બજેટ ગણાવ્યું છે. જોકે જેટલીએ રજૂ કરેલા બજેટમાં તેના કેટલાંક એવા શબ્દો સાંભળવા ન મળ્યાં જે અગાઉના બજેટમાં સાંભળવા મળતાં રહ્યાં છે.બ્લેકમની

વર્ષ 2014ની લોકસભા ચૂંટણી પહેલાં વિદેશોમાં જમા બ્લેકમનીને નરેન્દ્ર મોદીએ મોટો મુદ્દો બનાવ્યો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદી બ્લેકમની પરત લાવવા અંગે સતત વાયદા કરતા રહ્યાં હતાં. કેન્દ્રમાં તેમની સરકાર બન્યા બાદ પ્રથમ બજેટમાં બ્લેકમનીનો મુદ્દો કેન્દ્ર સ્થાને રહ્યો હતો. જોકે વર્ષ 2018ના બજેટમાં જેટલીએ બ્લેકમની સામેની લડાઈથી દેશને ફાયદો થશે તેમ જણાવ્યું પણ એ અંગે કોઈ વિશેષ ફોકસ કર્યું નહતું.

નવી ટ્રેન

મહત્વનું છે કે, અત્યાર સુધીના બજેટમાં નવી ટ્રેનને લઈને વિશેષ જાહેરાતો કરવામાં આવતી રહી છે. માનવ રહિત રેલવે ક્રોસિંગ દુર કરવા, નવી રેલવે લાઈન, સ્ટેશનો આધુનિક કરવા જેવી અનેક જાહેરાતો બજેટમાં કરવામાં આવતી રહી છે. પરંતુ આ વખતના બજેટમાં નવી ટ્રેન અંગે નાણાંપ્રધાને કોઈ ખાસ જાહેરાત કરી નહતી.

રોકાણ

જેટલીના અગાઉના બજેટમાં સેક્શન 80-Cનો પણ ઉલ્લેખ થતો રહ્યો છે. મહત્વનું છે કે, મોદી સરકાર પહેલા પણ અન્ય સરકારના બજેટમાં સેક્શન 80-Cને લઈને જાહેરાતો કરવામાં આવતી રહી છે. પરંતુ વર્તમાન બજેટમાં 80-C પર કોઈ ફોકસ કરવામાં આવ્યું નથી. ઉપરાંત ઈન્કમ ટેક્સના માળખામાં પણ સરકારે કોઈ જ બદવાલ કર્યો નથી.

ટેક્સ ચોરી

ટેક્સ ચોરીને લઈને મોદી સરકારના આ પહેલાના બજેટ ઘણા ચર્ચામાં રહ્યાં છે. પરંતુ વર્તમાન બજેટમાં ટેક્સ ચોરી સામે કેવા પગલાં લેવાશે તેનો ઉલ્લેખ સુદ્ધાં જોવા નથી મળ્યો. જોકે નાણાંપ્રધાને ટેક્સ કલેક્શનમાં થયેલા વધારાના વખાણ કર્યાં હતાં.

સસ્તું-મોંઘું

શું સસ્તું થશે અને શું મોંઘું થશે તેને લઈને દરેક બજેટમાં નાણાંપ્રધાન દ્વારા ફોકસ કરવામાં આવતું રહ્યું છે. પરંતુ આ બજેટમાં કસ્ટમ ડ્યૂટી વધવાને કારણે મોંઘી થનારી બે-ચાર વસ્તુઓનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અગાઉના બજેટમાં રોજબરોજના જીવન સાથે જોડાયેલી વસ્તુઓના સસ્તા અથવા મોંઘા થવાની જાહેરાત કરવામાં આવતી રહી છે. જેની સામાન્ય જનતા આતુરતા પૂર્વક રાહ જોતી રહી છે. પરંતુ વર્તમાન બજેટમાં જનતાને શું સસ્તં થશે અને શું મોંઘુ થશે તેની પરંપરાગત વિગતો જાણવા મળી નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]