પિઝા પરાઠાં

મમ્મી માટે તો આ બનાવવાના ઘણાં બધાં ફાયદા છે!!  જેમ કે, ઘરખર્ચમાં બચત થઈ જાય એટલે કે હોટેલના મોંઘા બિલથી બચાવે, ઘરમાં સહેલાઈથી બની જાય.  હેલ્ધી તો ખરૂં અને વળી, બાળકો થઈ જાય એકદમ ખુશ!!

સામગ્રીઃ 2 કપ ઘઉંનો લોટ, ¼ ટી.સ્પૂન મીઠું, 2 ટે.સ્પૂન તેલ, લોટ બાંધવા પાણી

પિઝા સ્ટફિંગ માટેઃ 1 કપ પિઝા સોસ, 2 કાંદા ઝીણાં સમારેલાં, 1 સિમલા મરચું ઝીણાં ચોરસ ટુકડામાં સમારેલું,  2 ટે.સ્પૂન બાફેલાં અમેરિકન મકાઈનાં દાણાં, 1½ કપ મોઝરેલા ચીઝ, 5 જલાપેનો મરચાં ઝીણાં સમારેલાં, 4-5 લસણની કળી બારીક સુધારેલી, 2 ટી.સ્પૂન મિક્સ હર્બ્સ, 1 ટી.સ્પૂન ચિલી ફ્લેક્સ્, બટર (માખણ) પિઝા શેકવા માટે

રીતઃ લોટમાં 2 ટે.સ્પૂન તેલ તેમજ ¼ ટી.સ્પૂન મીઠું તેમજ જરૂરી પાણી ઉમેરીને લોટ બાંધી લો અને 15 મિનિટ ઢાંકીને મૂકી રાખો.

એક ફ્રાઈ પૅનમાં 2 ટે.સ્પૂન માખણ ગરમ કરો. સુધારેલો કાંદો તેમાં 2 મિનિટ માટે સાંતડો. ત્યારબાદ તેમાં સુધારેલાં લસણ, સિમલા, મકાઈનાં દાણાં તેમજ જલાપેનો મરચાં ઉમેરો તેમજ સ્વાદ મુજબ મીઠું ઉમેરીને4-5 મિનિટ સાંતડીને નીચે ઉતારી લો. મિશ્રણને ઠંડું થવા દો.

ગેસ ઉપર નોન-સ્ટીક ગરમ થવા મૂકો. હવે લોટમાંથી બે મોટા લૂવા લો અને એમાંથી બે જાડી રોટલી વણો, જેમાં એક રોટલી એક ઈંચ નાની વણો. મોટી વણેલી રોટલી લો, એની ઉપર એક ચમચી વડે પિઝા સોસ ચોપડો. ત્યારબાદ તેની ઉપર 2 ટે.સ્પૂન કાંદા-મરચાંનું મિશ્રણ ફેલાવીને મૂકો અને ઉપર ½ ટી.સ્પૂન જેટલું મિક્સ હર્બ્સ તેમજ ચિલી ફ્લેક્સ્ ભભરાવો. એની ઉપર ચીઝ ખમણીને ભભરાવો અને બીજી વણેલી રોટલી ઉપર ઢાંકી દો. બંન્ને રોટલીના છેડાઓ વાળીને fork વડે પ્રેસ કરીને જોડી દો.

આ રોટલીને નોન-સ્ટીક તવા ઉપર બટર નાખીને શેકી લો. કિનારા સારી રીતે શેકવા. સરખી રીતે શેકાય જાય એટલે નીચે ઉતારીને પિઝા કટર વડે પિઝા પરાઠાંના પીસ કરી લો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]