અક્ષરધામ હુમલાનો મુખ્ય આરોપી આતંકી ઝડપાયો, અનંતનાગથી ATS લાવી ગુજરાત

ગાંધીનગર- વર્ષ ૨૦૦૨માં અક્ષરધામ ગાંધીનગર પર થયેલ આતંકવાદી હુમલાના મુખ્ય કાવત્રાંખોરને ગુજરાત એ.ટી.એસ. દ્વારા જમ્મુ કશ્મીરના અનંતનાગ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેને આજે સાંજે ગુજરાત લવાશે અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે. રાજ્યના જાંબાઝ એટીએસ અધિકારીઓને મુખ્યપ્રધાન બીરદાવી અભિનંદન પાઠવ્યાં છે. અને ભવિષ્યમાં પણ આવી કામગીરી કરે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે આતંકવાદને નાથવા માટે રાજ્ય સરકારે ઝીરો ટોલરન્સ નીતિ અખત્યાર કરી છે. ત્યારે રાજ્યમાં આતંકવાદ હુમલા ન થાય તે માટે પણ સરકાર સતર્ક છે. રાજ્ય સરકારની દ્રઢ રાજકીય ઇચ્છા શક્તિના પરિણામે સીમાથી ઘુસવાનો પ્રયાસ થઇ શકતા નથી એટલે જ આતંકી હુમલા રોકવામાં સફળતા મળી છે.

જાડેજાએ આ સંદર્ભે જણાવ્યું કે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતેના અક્ષરધામ ખાતે વર્ષ ૨૦૦૨માં આતંકીઓએ હુમલો કર્યો હતો અને મંદિરમાં પ્રવેશીને ભાવિક ભક્તોને બાનમાં લીધા હતા.  આ આતંકી હુમલામાં સામેલ તમામ લોકોને સજા મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે પણ પુરેપુરો સહયોગ આપીને રસ દાખવ્યો છે જેના પરીણામે આ સફળતા મળી છે. આ સમગ્ર કામગીરી માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ સતત મોનીટરીંગ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ૨૪.૦૯.૨૦૦૨ ના રોજ સાંજના આશરે ૦૪:૩૦ વાગે, એ.કે.-47 રાયફલ અને હેન્ડ ગ્રેનેડ વિગેરે સાથે બે ઇસમો ગાંધીનગર, ગુજરાત ખાતે આવેલ પ્રખ્યાત અક્ષરધામ સ્વામીનારાયણ મંદિરમાં ઘુસી જઇ દર્શનાર્થીઓ તથા રાઇડ્સમાં બેસેલ બાળકો ઉપર અંધાધૂંધ ગોળીબાર કરેલ અને હેન્ડ ગ્રેનેડ નાખવાનું ચાલુ કરી દીધું હતું. જે સંદર્ભે નેશનલ સીક્યુરીટી ગાર્ડ (એન.એસ.જી) કમાન્ડોને નવી દિલ્હી થી બોલાવાયા હતા. અને એન.એસ.જી દ્વારા કરવામાં આવેલ ઓપરેશનમાં થયેલ ઇજાઓના કારણે બન્ને વ્યક્તિઓના મોત થયા હતા. આ હુમલામાં, એન.એસ.જી કમાન્ડો, સ્ટેટ કમાન્ડો ફોર્સના જવાન અને ત્રણ એસ.આર.પી.ના જવાનો સહિત કુલ૩૩ વ્યક્તિઓએ પણ જાન ગુમાવ્યા હતા. આ હુમલામાં ૨૩ પોલીસ જવાનો સહિત લગભગ ૮૬ જેટલા વ્યક્તિઓ ગંભીરરૂપે ઇજાગ્રસ્ત થયા હતા.

યાસીન બટ્ટ કશ્મીરના અનંતનાગ ખાતે મંઝૂર, કામીલ અને ઝૂબેર સહિતના LeT આતંકવાદીઓ સાથે મળીને ગુજરાતમાં આતંકી હુમલાનું કાવતરૂ રચી LeT આતંકવાદીઓ દ્વારા અક્ષરધામ મંદિર પર હુમલો કરાવ્યો હતો. યાસીન બટ્ટ જમ્મુ અને કાશ્મીર પાસીંગ એમ્બેસેડર કારમાં કેવિટી (ગુપ્ત ખાનુ) બનાવડાવેલ અને તેમાં એ.કે.- 47 તથા અન્ય હથિયારોનો જથ્થો તેમાં મૂકી આ એમ્બેસેડરને ચાંદખાન મારફતે બરેલી, ઉત્તર પ્રદેશ ખાતે પહોંચાડેલ અને અન્ય આતંકવાદીઓ સાથે ચાંદખાનની મુલાકાત કરાવેલ. ત્યારબાદ ચાંદખાન અને શકીલ ટ્રેન મારફતે AK-47 અને અન્ય હથિયારો સાથે અમદાવાદ આવેલ. અમદાવાદમાં અન્ય LeT આતંકવાદીઓ સાથે મળીને તેઓએ અક્ષરધામ હુમલાને અંજામ આપેલ. વર્ષ 2003 માં ચાંદખાન પકડાઈ જતાં યાસીન ભાટ તેને પોતાની અક્ષરધામ હુમલામાં કોઈપણ પ્રકારની સંડોવણી વિષેનો ઉલ્લેખ ન કરવા જણાવ્યું હતું અને જો તે એમ કરશે તો તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ આરોપી હુમલા પછી પી.ઓ.કે. (પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર)માં નાસી ગયેલ હતો. ગુજરાત એ.ટી.એસ. આ આરોપીની શોધ-ખોળમાં હતી, અને આ દરમ્યાન જાણકારી મળતા કે આ આરોપી અનંતનાગમાં આવેલ છે. જેથી, એ.ટી.એસ. અને એસ.ઓ.જી.-અમદાવાદની સયુંક્ત ટીમ અનંતનાગ રવાના થયેલ, અને અનંતનાગ પોલીસની મદદ વડે આરોપીની અટકાયત કરવામાં આવેલ છે. LeT(લશ્કર-એ-તોયબા) નો આ આતંકી મોહમ્મદ યાસીન ગુલામ મોહિઉદ્દીન ભાટ હાલ અનંતનાગ ખાતે લાકડાના વેરહાઉસમાં કામ કરતો હતો.આરોપીને અનંતનાગની નામદાર કોર્ટમાં રજુ કરી દિવસ ૬ ની ટ્રાંઝીટ રીમાન્ડ મેળવી આવતીકાલે હવાઈ માર્ગે ગુજરાત લાવવામાં આવશે.

આ કેસમાં નામદાર સેસન્સ કોર્ટ દ્વારા અમુક આરોપીઓને ફાંસીની સજા ફટકારી હતી. જે નામ. ગુજરાત હાઇકોર્ટે કાયમ રાખી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]