ઈન્સ્ટન્ટ તડકા રવા ઈડલી

ઘરે મહેમાન આવ્યા હોય તો પણ તમે સાઉથ ઈન્ડિયન હોટેલનો સ્વાદ ઘરે પીરસી શકો છો. તે પણ ઈન્સ્ટન્ટ! તો બનાવી જુઓ ઘરે એકવાર ટેસ્ટી ઈન્સ્ટન્ટ તડકા રવા ઈડલી!

સામગ્રીઃ

 • 1 કપ શેકેલો રવો
 • 1 કપ દહીં
 • મીઠું સ્વાદ મુજબ
 • ¼ કપ ધોઈને સમારેલી કોથમીર
 • વઘાર કરવા માટે 1 ટે.સ્પૂન તેલ
 • 1 ટી.સ્પૂન રાઈ
 • ½ ટે.સ્પૂન ચણા દાળ
 • ½ ટે.સ્પૂન અળદ દાળ
 • ચપટી હીંગ
 • 10-12 કળીપત્તાના પાન
 • 1 ઈંચ આદુ ખમણેલું
 • 2 સૂકા લાલ મરચાં
 • ½ ટી.સ્પૂન ખાવાનો સોડા (અથવા ઈનો પાવડર)
 • 2 લીલાં મરચાં ઝીણાં સમારેલાં
 • ½ કપ લીલા વટાણા
 • 1 ગાજર ઝીણું સમારેલું

રીતઃ શેકેલો રવો અને દહીં પાણી નાખ્યા વગર મિક્સ કરી લો. 10 મિનિટ માટે એક બાજુ ઢાંકીને મૂકી દો. 10 મિનિટ બાદ રવાનું મિશ્રણ ફૂલી જાય એટલે એમાં જરૂરી પાણી ઉમેરીને ખીરૂ તૈયાર કરી લો.

 

એક ફ્રાઈ પૅનમાં તેલ ગરમ થાય એટલે રાઈનો વઘાર કરો. રાઈ ફૂટે એટલે ચપટી હીંગ ઉમેરો, ખમણેલું આદુ નાખીને તેમાં ચણા તેમજ અળદની દાળ ઉમેરો. 2 મિનિટ સાંતળીને કળીપત્તાના પાન, સુધારેલાં લીલાં મરચાં તેમજ સૂકા લાલ મરચાં બે ટુકડામાં કટ કરીને નાખી દો. 1 મિનિટ સાંતળીને ઉતારી લો.

આ વઘાર તેમજ વેજીટેબલ્સ ઈડલીના ખીરામાં ઉમેરીને મિક્સ કરી દો અને પાંચ મિનિટ માટે રહેવા દો.

હવે ઈડલીના કૂકરમાં પાણી ઉમેરીને ગેસ પર ગરમ કરવા મૂકો. ઈડલીના ખીરામાં ½ ટી.સ્પૂન ખાવાનો સોડા મિક્સ કરી દો. ઈડલીના સાંચામાં તેલ ચોપડીને ખીરૂં ઉમેરીને સ્ટેન્ડને કૂકરમાં ગોઠવી દો. કૂકર ઢાંકીને 10-15 મિનિટ ગરમ થવા દો. ત્યારબાદ એક ચપ્પૂ લઈ ઈડલીમાં નાખીને બહાર કાઢો. જો ચપ્પૂમાં મિશ્રણ ચોંટેલું ના હોય, ચોખ્ખું હોય તો સમજવું ઈડલી તૈયાર થઈ ગઈ છે.

ઈડલીને કોથમીર-મરચાંની ચટણી સાથે પિરસો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]