સરકારની RTO આવક 4,100 કરોડ, દૈનિક 50,000થી વધુ લોકોને RTOનું કામ પડે છે

ગાંધીનગર- ગુજરાત વિધાનસભામાં વાહન વ્યવહારપ્રધાન આર સી ફળદુએ રાજ્યની આરટીઓમાં મળતી સેવા અને તેનાથી થતી આવકને જાહેર કરતાં જણાવ્યું કે નાગરિકોનું જીવન ધોરણ ઉચુ આવવાથી વાહનોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. ત્યારે નાગરિકોને વાહન વ્યવહારની સેવાઓ સત્વરે મળી રહે તે માટે ટેકનોલોજીના ઉપયોગ થકી આ સેવાઓ વધુ સરળ બનાવાઇ છે.

તેમણે કહ્યું કે આર.ટી.ઓ કચેરીમાં દૈનિક ૫૦ હજારથી વધુ લોકો વિવિધ સેવાઓ માટે મુલાકાત લે છે.  જેમાં વાહન સંબંધિત-૪૮ તથા લાયસન્સ સંબંધિત ૩૨ મળી કુલ -૮૦ સેવાઓ આર.ટી.ઓ કચેરી દ્વારા પૂરી પાડવામાં આવે છે જેમાં વાહન નોંધણી, પસંદગીના નંબરો, ટેમ્પરરી પરમીટ, સ્પેશીયલ પરમીટ ટેકસ વસુલાત/ વાંધા પ્રમાણપત્રની સેવાઓ પૂરી પડાય છે રાજય સરકારની વાહન વ્યવહારની આવક આજે રૂા. ૪૧૦૦ કરોડ સુધી પહોચી છે. ટૂક સમયમાં હાયપોથીફીકેશન કરેલની ૬ સેવા પણ ઓનલાઇન કરાશે.

તેમણે કહ્યુ કે સમગ્ર દેશમાં લાયસન્સ સેવાની ગુણવત્તા સુધારવા ઓટોમેટેડ ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેક બનાવ્યાં છે રાજયમાં ૨૨ કચેરીમાં આવા ટ્રેક કાર્યરત છે અને નવી ૧૪ કચેરીમાં આવા નવા ટ્રેકોનું નિર્માણ કરાશે. આર.સી.બુક પણ દરેક જિલ્લામાં વિતરણને બદલે અમદાવાથી કરાય છે જેથી મોનીટરીંગના કારણે એક વર્ષમાં ૪૩ લાખ આર.સી.બૂક ઘરે સુધી પહોંચાડાય છે. રાજયના વાહનો પર કર માટે સરકારે વર્ષે ૨૧૮૫૩.૧૩ લાખની જોગવાઇ કરી છે.

નાગરિકોને પરિવહન  સેવાઓ પૂરી પાડવા માટે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ૧૨૮ ડેપો તથા ૨૨૬ બસ સ્ટેશન દ્વારા ૮૩૦૯ બસો થકી દૈનિક ૩૩ લાખ કિ.મી.નું સંચાલન કરીને ૯૯ ટકા ગ્રામ્ય વિસ્તારને આવરી લેવાયા છે. નિગમની જરૂર મુજબ બસોની બોડી ઇન હાઉસ તૈયાર કરાય છે.  એક માસમાં ૧૭૦ બસો તૈયાર કરાય છે. અત્યાર સુધીમાં ૧૬૫૦ બસો તૈયાર કરીને સંચાલનમાં મૂકી દેવાઇ છે. વિદ્યાર્થીઓ,  વિકલાંગો, કેન્સર, થેલેસીમીયા, અંધજનો, સ્વતંત્ર સેનાનીઓ, પત્રકારોને રાહત દરે પરિવહન સેવાઓ પૂરી પાડવામાં આવે છે.

ગરીબ મધ્યમ વર્ગના મુસાફરો માટે લગ્ન પ્રસંગે સસ્તા દરે એસ.ટી.બસ સુવિધા આપવામાં આવે છે. જેમાં ૪૬૫૬ પરિવારોને લાભાન્વિત કરાય છે.ઓછા દરે ઝડપી સેવાઓ પુરી પાડવા ૨૩૫ નવીન મેટ્રો લીંક સર્વિસનું વિસ્તરણ કરી જિલ્લા અને તાલુકાઓને જોડતી ૪૧૨ લીંક સર્વિસનું સંચાલન કરાય છે. જન ભાગીદારીથકી આધુનિક ૭ બસ સ્ટેશનોનું નિર્માણ કરાયુ છે. ૧૪ બસ સ્ટેશનના કામો પ્રગતિ હેઠળ છે. છેલ્લા ચાર વર્ષમાં રૂા.૩૮૩.૭૨ કરોડના ખર્ચે ૭૯ બસ સ્ટેશનો બનાવીને જનતા માટે ખુલ્લાં મૂક્યાં છે.  પ્રદૂષણ  નિયંત્રણ માટે અમદાવાદ- ગાંધીનગર બન્ને શહેરો વચ્ચે ૫૫ ઇલેકટ્રીક બસો તથા વિવિધ  જિલ્લામાં પોઇન્ટ ૩ સર્વિસ તરીકે ૨૫૦ સી.એન.જી. બસો સંચાલનમાં મૂકાશે.

ફળદુએ કહયુ કે, મુસાફરોને ઓન લાઇન બુકીંગ  થકી ઘરે બેઠા રિઝર્વેશન માટે ઈ-બુકીંગ ફેન્ચાયસી બુકીંગ સહિત કાઉન્ટર બુકીંગની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે. જેના દ્વારા નિગમને રૂા. ૧૬૧ કરોડની આવક થઇ છે.  ઉપરાંત ઓન લાઇન બુકીંગમાં ૪૨૪૭ ટ્રીપોમાં મુસાફરી કરી ૬૦ દિવસ અગાઉ  રીઝર્વેશન કરાવી શકે છે. રોજના ૧.૬૭ લાખ મુસાફર પાસ  ૫.૫૧ લાખ વિદ્યાર્થીઓને  રાહત દરના પાસ  નવા ગ્રામીણ વિસ્તારની ૪.૧૨ લાખ વિદ્યાર્થીઓને મફત મુસાફરી પાસનો લાભ આપવામાં આવી રહયો છે. તેમ માન. વાહન વ્યવહાર મંત્રીશ્રીએ ઉમેર્યુ છે.

  • વાહન સંબંધિત- લાયસન્સ સંબંધિત ૮૦ સેવાઓ ઓનલાઇન કરાઇ ઓટોમેટેડ ડ્રાઇવીંગ ટેસ્ટની સુવિધા ૨૨ કચેરીમાં ઉપલબ્ધ : નવી ૧૪ કચેરીમાં શરૂ કરાશે
  • માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ૩૩ લાખ દૈનિક કિમી દ્વારા ૯૯ ટકા ગામોને આવરી લેવાયા: નિગમ દ્વારા ઇન હાઉસ બોડી બિલ્ડીંગનો નવતર અભિગમ
  • જનભાગીદારીના ધોરણે સાત બસ સ્ટેશન નિર્માણ : નવા ૧૪ બનાવાશેઃ ૯ કામો પ્રગતિમાં
  • પ્રદૂષણ નિયંત્રણ માટે ૨૫૦ સી.એન.જી બસ સંચાલનમાં મુકાશે: અમદાવાદ
  • ગાંધીનગરમાં ૫૫ ઇલેકટ્રીક બસ શરૂ કરાશે.
  • ગરીબ-મધ્યમ વર્ગને લગ્ન પ્રસંગે સસ્તા દરે એસ.ટી. સુવિધા ૪૬૫૬ પરિવારોને લાભ અપાયો