મસાલેદાર બટેટા કાતરી

બટેટાની વાનગીની નિતનવી વેરાયટી બનાવો તો પણ ઓછી પડે એટલી તેમાં વિવિધતા છે. બટેટાની મસાલેદાર કાતરી પણ જરા હટકે છે!

  • સામગ્રીઃ
  • બટેટા 7-8
  • લસણની કળી 8-10
  • લીલાં મરચાં 3-4
  • ચપટી હીંગ
  • કાંદો 1
  • જીરુ 1 ટી.સ્પૂન
  • આખા લાલ મરચાં 2
  • હળદર પાઉડર ¼ ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • કાળાં મરી પાઉડર ½ ટી.સ્પૂન
  • ધાણાજીરુ પાઉડર 1 ટી.સ્પૂન
  • આમચૂર પાઉડર 1 ટી.સ્પૂન
  • ગરમ મસાલો 1 ટી.સ્પૂન
  • કસૂરી મેથી 1 ટી.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 1 ટે.સ્પૂન

રીતઃ બટેટાને છોલીને ધોઈને ગોળાકારમાં સુધારી લો. ભજીયા માટે સુધારીએ તેવા પણ થોડા જાડા.

એક ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરુ તતડાવી લાલ મરચાંના બે ટુકડા કરીને વઘારમાં નાખો. ત્યારબાદ લસણ તેમજ મરચાં ઝીણાં સમારીને તેમાં સાંતડીને ઝીણો સમારેલો કાંદો નાખી ગોલ્ડન બ્રાઉન રંગનો સાંતડો. ત્યારબાદ તેમાં ગોળ સમારેલાં બટેટાની કાતરી ઉમેરી 5-6 મિનિટ સુધી સાંતડી લીધા બાદ તેમાં મીઠું તેમજ હળદર મેળવીને ઢાંકણ ઢાંકી દો. ગેસની ધીમી આંચે 10-12 મિનિટ સુધી આ કાતરી ચઢવા દો.

ત્યારબાદ તેમાં મરચાં પાઉડર, ધાણાજીરુ, ગરમ મસાલો, આમચૂર પાઉડર, કસૂરી મેથી મેળવીને ગેસની મધ્યમ આંચે 2 મિનિટ સાંતડો. બટેટા ચઢી જાય એટલે તેમાં કોથમીર ભભરાવી દો. આ ગરમાગરમ કાતરી દાલ-રાઈસ સાથે પીરસો.