વજુ કોટક અને ચિત્રલેખા | વજુ કોટક ફિલ્મ | સર્જકનો સહવાસ | ત્રિમૂર્તિ વજુ કોટક | વિધાતાનો સંકેત | કેમેરાના સથવારે | સર્જન વૈવિધ્ય | સંસ્કાર ઘડતર | પત્રકારત્વની આગવી કેડી

હું લેખક કેમ બન્યો?

લખવાનો શોખ તો બહુ નાની ઉંમરથી જ જાગ્યો હતો. પણ લેખક થવાનો શોખ તો કદી જાગ્યો ન હતો. તો પછી આ ‘રમકડાં વહુ’ નવલકથા કેવી રીતે પ્રગટ થઈ?

ફિલ્મના ક્ષેત્રમાં દિગ્દર્શનની કળા શીખી લેવાનો મેં નિશ્ચય કર્યો હતો. સાગર મૂવીટોનની સ્થાપના કરીને, ફિલ્મ ઉદ્યોગમાં જેમણે શરૂઆતમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે એવા ચીમનભાઈ દેસાઈના પરિચયમાં હું આવ્યો. એમના પુત્ર મધુકર દેસાઈ જેઓ મારા મિત્ર, તેણે 1938માં આ પરિચય કરાવ્યો. આ વખતે ચીમનભાઈ દેસાઈ નેશનલ સ્ટુડિયો (હાલમાં સેન્ટ્રલ સ્ટુડિયો) જેવી જબ્બર સંસ્થાના મુખ્ય સંચાલક હતા. મને ચીમનભાઈએ પૂછ્યું : ‘મધુકર એમ કહે છે કે તમે ખૂબ સુંદર લખો છો. તો પછી જો તમને સ્ટુડિયોમાં લેવામાં આવે તો વાર્તા લખશો?’

મેં કહ્યું : ‘જી, મારે લેખક તરીકે કામકાજ નથી કરવું. લેખન મારો એક અંગત શોખ છે. મારી ઇચ્છા તો દિગ્દર્શન શીખવાની છે. આવી કંઈ વ્યવસ્થા કરી આપો તો મહેરબાની.’

અને મધુકરના આગ્રહથી તેમ જ ભલામણથી મને એ વખતે ફિલ્મ ઉદ્યોગના વિદ્વાન દિગ્દર્શક રામચંદ્ર ઠાકુર (એમ. એ.)ના હાથ નીચે મદદનીશ દિગ્દર્શક તરીકે મૂકવામાં આવ્યો. ઠાકુર એ વખતે ‘કસૌટી’ નામનું ચિત્ર ઉતારતા હતા અને એ દરમિયાન જ મારી કસોટી થવા લાગી. ઠાકુર એક અતિ ભલા સજ્જન છે. અને ભલા માણસના હાથ નીચે કામ કરવું હોય તો ફરજ બજાવવામાં ખૂબ જ સાવચેત રહેવું પડે છે અને આગળ વધવાની ઇચ્છા રાખનારે વધુ મહેનત કરવી પડે છે.

ચિત્રકથાનું બંધારણ કેવું હોવું જોઈએ. દૃશ્યો કે સંવાદો કેમ બાંધવાં અને કેમ ગોઠવવાં એ બધું મને રામચંદ્ર ઠાકુર પાસેથી જાણવા મળ્યું, કારણ કે દિગ્દર્શનની કળા સાથે આ બધું સારી રીતે સંકળાયેલું છે. દિગ્દર્શક ભલે લેખક ન હોય પણ પટકથાના સિદ્ધાંતો તો એણે જાણવા જ પડે છે.

પણ સંજોગ એવા બન્યા કે આઠેક મહિના પછી ચીમનભાઈ દેસાઈએ નેશનલ સ્ટુડિયોનું સુકાન છોડ્યું અને ફરી પોતાની સ્વતંત્ર કંપની સ્થાપવાનો નિર્ણય કર્યો. અમર પિક્ચર્સ નામની સંસ્થા તેમણે શરૂ કરી. અને તેઓ એવી કથાની શોધમાં હતા કે જેને લીધે શરૂઆતથી જ કંપનીનું નામ સ્થિર થઈ જાય અને લોકપ્રિય બને. એમના મગજમાં એક નાનકડો પ્રસંગ ઘૂમ્યા કરતો હતો. આ પ્રસંગ એ હતો કે ‘એક ગરીબ છોકરીએ મકાન ખાલી કરવું પડે છે, તેનો સામાન ફેંકાઈ રહ્યો છે અને નીચે રસ્તા ઉપર ચાલ્યા જતા કોઈ યુવાનના માથા ઉપર પડે છે. યુવાન ઉપર આવે છે. પહેલે માળે સીડીમાં જ ભાડું ઉઘરાવનાર મહેતાજી મળે છે. યુવાનને ખબર પડે છે કે કોઈ ગરીબ છોકરીનું મકાન ખાલી થઈ રહ્યું છે. યુવાન આ વાત સાંભળીને દુ :ખ અનુભવે છે અને છોકરી કોણ છે તે જાણ્યા કે જોયા વગર ભાડું આપીને ચાલતો થાય છે.’

ચિત્રની વાર્તા લખનાર ઘણા લોકોને દેસાઈ આ પ્રસંગ કહેતા અને તેના ઉપરથી આખી કથા લખી આપવાની સૂચના આપતા. આટલા એક જ પ્રસંગ ઉપરથી આખી સળંગ કથા ઊભી કરવી એ તો અઘરું કામ હતું. ઘણાએ પ્રયત્નો કર્યા પણ ચીમનભાઈને સંતોષ થયો નહીં.

એવામાં એમના પુત્ર અને મારા મિત્ર મધુકરે મને કહ્યું, ‘બાપુજી હમણાં મૂંઝાયેલા રહે છે. એમના મગજમાં જે પ્રસંગ છે એના ઉપરથી જ એમને વાર્તા લખાવવી છે અને કોઈ સંતોષ આપી શકાતું નથી. કથા એવી રચાવી જોઈએ કે અમારી નવી કંપનીને શરૂઆતથી જ યશ મળે.’ અને પછી મધુકરે આ પ્રસંગ મારી સમક્ષ વર્ણવ્યો અને મને પાણી ચડાવતાં કહ્યું : ‘નવરાશના વખતમાં તમે ખૂબ લખો છો એ તો હું જાણું છું, પણ આ પ્રસંગ ઉપરથી તમે કથા બનાવી દો તો તમે ખરા.’

મેં કહ્યું, ‘ખરા થવા માટે કામકાજ નથી કરવું, પણ હું શોખને ખાતર તો જરૂર પ્રયત્ન કરીશ. અલબત્ત, આટલી વાત ઉપરથી બે કે અઢી-કલાક સુધી ચાલે એવી રસભરી કથાની કાયા ઘડવી એ અઘરું કામ છે.’

‘અઘરું કે સહેલું એ હું ન સમજું. તમારે માથાકૂટ કરવી જ પડશે.’

અને ખરેખર માથાકૂટ થઈ પડી. એક યુવતીનું મકાન ખાલી થાય, સામાન નીચે પડે અને કોઈ યુવક ભાડું આપી જાય... કોઈ કુંભાર ચાકડો ફેરવ્યા કરે તેમ હું કલ્પનાનો ચાકડો ફેરવવા માંડ્યો. પણ કોડિયા જેટલી માટીમાંથી ઘડો કેવી રીતે પેદા કરવો અને વધુ માટી ક્યાંથી લાવવી? કલ્પનાની કોઈ ભેખડ નહોતી મળતી કે જેમાંથી કલમ પાવડો બનીને માટી ખેંચી લાવે.

કથાની માળા બનાવવા માટે એક જ મણકો હતો અને દોરામાં એક જ મણકો પરોવી દેવાથી કંઈ માળા બને ખરી? સતત આઠ દિવસ સુધી મગજના નીંભાડામાંથી અનેક જાતના વિચારોના ધુમાડા નીકળતા રહ્યા. લખી લખીને ફાડવા માંડ્યું, છેવટે કંઈક માળખું તૈયાર થયું અને કોણ જાણે કેમ, પણ કથાની ગૂંથણી બધાને ગમી ગઈ. પછી આ કથા ઉપરથી ‘ખિલૌના’ નામનું ચિત્ર તૈયાર થયું. 1941માં આ ચિત્ર રજૂ થયું અને ચારે બાજુ વાર્તાની પ્રશંસા થયેલી.

પછી તો બીજી કંપનીઓ તરફથી વાર્તા લખવા માટે આમંત્રણો આવવા લાગ્યાં. પણ લેખન એ કંઈ મારો વ્યવસાય ન હતો. મારું ધ્યેય તો જુદું હતું અને એ ક્ષેત્રમાં હું મહેનત કર્યા કરતો હતો.

થોડા સમય પછી હું રણજિત ફિલ્મ કંપનીમાં જોડાયો પણ ત્યાં લાંબું ચાલ્યું નહીં. એટલે નવી સ્થપાયેલી જનક પિક્ચર્સ નામની સંસ્થામાં જોડાયો. અહીં ‘અંગુઠી’ નામનું ચિત્ર ઊતર્યું અને એમાં અશોકકુમારે કામ કરેલું. અશોકકુમાર સાથે મૈત્રીનો સંબંધ બંધાયો અને તેમણે મને કહ્યું : ‘જો તું ચિત્રકથા લખવાનું ચાલુ રાખે તો હું તને ફિલ્મીસ્તાનના કથા વિભાગમાં કામ આપું.’ અશોકકુમાર ફિલ્મીસ્તાન સાથે સંકળાયેલા હતા પણ વાર્તા લખવાનો આગ્રહ મને ગમ્યો નહીં. કારણ કે કથા-લેખક તરીકે આગળ આવવાની મારી ઇચ્છા ન હતી.

આ વાતચીત ચાલતી હતી તેવામાં હું એન. આર. આચાર્યના પરિચયમાં આવ્યો. તેમણે આચાર્ય પ્રોડક્શન નામની પોતાની સ્વતંત્ર સંસ્થા શરૂ કરી હતી. એન. આર. આચાર્ય ફિલ્મ ઉદ્યોગની એક સૌજન્યમૂર્તિ ગણી શકાય અને બોમ્બે ટોકિઝમાં તેઓ હતા ત્યારે ‘બંધન’, ‘કંગન’ અને ‘નયા સંસાર’ આ ત્રણ ચિત્રોનું દિગ્દર્શન કરેલું અને આ ચિત્રોની અદ્ભુત સફળતાને કારણે બોમ્બે ટોકિઝ ટોચ ઉપર પહોંચી ગઈ હતી. એમના નામ પ્રત્યે આકર્ષણ હતું અને તેમણે મને એમના મદદનીશ દિગ્દર્શક તરીકે સ્વીકાર્યો. મારે એટલું જ જોઈતું હતું, કારણ કે લેખક તરીકેની કારકિર્દીથી તો હું દૂર જ રહેવા માગતો હતો.

પણ જીવનમાં ઘણીવાર એવું બને છે કે જેની ઇચ્છા ન હોય તે સામે દોડીને આવતું હોય છે. અહીં ‘પરીસ્તાન’ નામનું એક ચિત્ર બન્યું અને ચિત્રની વસ્તુ તથા ગૂંથણી જોઈને ગુજરાતના મહાન નવલકથાકાર શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ ખુશ થઈ ગયા હતા. મુંબઈમાં અમે જ્યારે એકબીજાને મળ્યા ત્યારે તેમણે આગ્રહ કર્યો હતો કે મારે નવલકથાઓ લખવી.

અહીં આચાર્ય આર્ટ પ્રોડક્શનમાં હું એક નવી વ્યક્તિના પરિચયમાં આવ્યો કે જેણે ચાલાકીથી મને લેખનના ક્ષેત્રમાં વાળવાનો પ્રયત્ન કર્યો. એમનું નામ દત્તાત્રેય કુલકર્ણી. તેઓ આ વખતે કંપનીના જાહેરખબર વિભાગના વડા અધિકારી હતા અને સાથે સાથે સિને-જગતના ચિત્રપટ નામના લોકપ્રિય સાપ્તાહિકની વ્યવસ્થા પણ કરતા હતા. એક વખત હું નવરો બેઠો હતો અને ગપાટાં મારતો હતો ત્યારે તેમણે કહ્યું : ‘તમને ખબર છે કે હું ચિત્રપટ નામના એક લોકપ્રિય અઠવાડિકની વ્યવસ્થા પણ સંભાળી રહ્યો છું. એ અંગે હું તમને ખાસ વાત કરવા માગું છું. હમણાં તમને ટાઈમ છે તો પછી એકાદ સારો લેખ ચિત્રપટ માટે લખી કાઢો.’

‘લેખ લખવાનું તે મારું કામ છે? શું તમારે છાપું બંધ કરાવવું છે?’

‘તમે મશ્કરી ન કરો, મારે ખાતર પણ તમારે કંઈ લખવું જ પડશે. બસ એક લેખ લખી નાખો.’

કુલકર્ણીએ એવો આગ્રહ કર્યો કે હું કબૂલ થયો. પણ એ ખ્યાલ ક્યાંથી આવે કે કુલકર્ણીના આગ્રહને કારણે મારા ગ્રહો પણ ફરી રહ્યા હતા! મને થયું કે જો સમય છે તો પછી શા માટે ન લખવું? ચિત્ર ઉતારતી વખતે સેટ પર ઘણા રમૂજી પ્રસંગો બને છે.

આવા પ્રસંગો યાદ કરીને એક લેખ લખીને મેં એમને સોંપી દીધો.

થોડા દિવસો પછી ફરી કુલકર્ણીએ મને કહ્યું : ‘તમારો લેખ વાચકોને બહુ જ ગમ્યો છે.’

‘પણ લેખક તરીકે મેં મારું નામ એમાં લખ્યું જ ન હતું.’

‘કબૂલ છે. પણ લેખ ગમ્યો છે એ હકીકત છે. હમણાં તો આપણા બીજા ચિત્રની તૈયારીઓ ચાલે છે અને તમને સમય પણ મળે છે તો પછી બીજો એકાદ લેખ લખી નાખો.’

‘અરે પણ મારે લેખક નથી થવું.’

‘તમે તમારું નામ નહીં લખતા. પણ જે રમૂજી પ્રસંગો લખ્યા છે એવા બીજા થોડા લખી આપો. સેટ ઉપરની હળવી વાતો વાચકોને બહુ ગમે છે.’

‘ભલે ત્યારે આજે સાંજે કંઈ આપીશ.’

આવી રીતે બીજો લેખ અપાયો. કુલકર્ણીના આગ્રહને કારણે મારા ગ્રહોએ ચાલબાજી શરૂ કરી દીધેલી અને પછી એવું બન્યું કે થોડા વખત પછી અમારી કંપનીના ગ્રહ બહુ ધીમી ગતિએ ચાલવા માંડ્યા. પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી કે કંપની ચાલુ પણ કામકાજ બંધ! પગારપત્રકમાં નામ ખરું પણ પગાર બંધ! કામકાજ ચાલુ થશે ત્યારે બધા મહિનાનો પગાર સાથે મળશે એવી આશામાં અમે સૌ હાજરી પુરાવીને ચાલ્યા જતા. સ્ટુડિયોનો હોટેલવાળો અમારું ખાતું ચાલુ રાખતો એટલે અમે અહીં ચોપડે ઉધાર ચા પીતા. કોઈ ઉધાર આપે એટલે ખર્ચ વધારે થતા રહે એ સ્વાભાવિક છે. અને ઉધાર ચીજવસ્તુઓ મળતી હોય તો ઉદારતા પણ ટકી રહે છે!

સ્ટુડિયોની બહાર એક ઝાડ નીચે પાનવાળો બેસતો હતો અને ઉધાર આપવામાં આ માણસ પણ એટલો જ ઉદાર હતો. આ દિવસો દરમિયાન અમે પાન ખાઈને મોઢું લાલ રાખતા હતા. કુલકર્ણીએ તો સ્ટુડિયોમાં આવવાનું બંધ કરી દીધેલું. કોઈને નોટિસ આપવામાં આવી ન હતી. અને અમે બધા હાજરી પુરાવતા હતા એટલે અમે સૌ તો એમ જ માનતા હતા કે નોકરી ચાલુ છે અને પગાર ચોપડે જમા થઈ રહ્યો છે. શેઠ પાસે પૈસા આવશે કે એકીસાથે મોટી રકમ હાથમાં આવશે એવી શ્રદ્ધા હતી.

પણ ઉધાર આપનારાઓ શ્રદ્ધા ટકાવી ન શક્યા. એક દિવસ પાનવાળાએ મને નમ્રતાથી કહ્યું : ‘સાહેબ! દેશમાં જવું છે. મારી બૈરીને છોકરો આવ્યો છે એટલે પૈસાની જરૂર છે!’

આ સાંભળીને મને નવાઈ લાગી, કારણ કે હું જાણતો હતો કે છેલ્લાં બે વર્ષથી આ પાનવાળો દેશમાં ગયો જ નહોતો! મેં કહ્યું : ‘તું અહીં, બૈરી દેશમાં અને દીકરો ક્યાંથી આવ્યો? અત્યારે તું જે પાન ચાવે છે એમાં કઈ જાતની તમાકુ નાખી છે? આ તમાકુ તો નથી ચડીને?’

‘ના સાહેબ, મારો ભાઈ દેશમાં છે.’

‘તો એમ કહેને કે તારા ભાઈની બૈરીને દીકરો આવ્યો છે.’

‘એટલે અમારામાં એમ જ કહેવાય કે મારી બૈરીને દીકરો આવ્યો છે.’

‘તારું મગજ ચસકી ગયું છે અને અત્યારે તને પૈસા આપવા એ જોખમ ભરેલું છે.’

‘ના એવું કંઈ જ નથી. તમે નથી સમજતા.’

‘શું સમજવાનું છે?’

‘અમારા બે ભાઈઓ વચ્ચે એક બૈરી છે. હું દેશમાં જઈશ એટલે મારો ભાઈ અહીં બે વર્ષ રહેવા આવશે અને ધંધો ચાલુ રાખશે.’

‘બે ભાઈ વચ્ચે એક સ્ત્રી? તું મહાભારતના જમાનાની વાત કરે છે.’

‘અમારે ત્યાં ભૈયા લોકોમાં કેટલીક જગ્યાએ એવો રિવાજ છે.’

આ વાત જાણીને મને ઘણી જ નવાઈ લાગી. અને તેણે જ્યારે બિલનો આંકડો કહ્યો ત્યારે તો મારી નવાઈનો પાર ન રહ્યો. હું બોલી ઊઠ્યો : ‘35 રૂપિયા! શું હું 35 રૂપિયાના પાન ચાવી ગયો? તારી બૈરીને છોકરો આવ્યો છે એની ખુશાલીમાં બિલના પૈસા ડબલ તો નથી કરી નાખ્યાને?’

‘ના, એવું નથી કર્યું પણ તમે બધાને પાન ખવરાવો એટલે આટલું બિલ આવે તે સ્વાભાવિક છે.’

હું ચૂપ થઈ ગયો. બે દિવસનો વાયદો આપ્યો અને તે ચાલ્યો ગયો. 35 રૂપિયાનાં પાન! મારું માથું ફરવા લાગ્યું અને મને થયું કે ચાનો એકાદ કપ પીવાની જરૂર છે. ઑફિસમાં હું એકલો જ બેઠો હતો. અને બારીમાંથી પેલા હોટેલવાળાને બૂમ પાડી એકાદ કપ જરાક કડક ચા મોકલે. પણ ખુદ હોટેલનો માલિક ચા લઈ આવ્યો એટલે મેં નવાઈ પામતા પૂછ્યું : ‘કેમ છોકરાંઓ ક્યાં ગયા? તમે પોતે ચા લઈ આવ્યા?’

તેણે કહ્યું : ‘મને થયું કે આજે તમે એકલા છો એટલે વાત કરી લઉં. જરા પૈસાની જરૂર છે એટલે...’

‘બસ, સમજી ગયો. વધુ બોલવાની જરૂર નથી. કેટલું બિલ થયું છે?’

અને તેણે આંકડો કહ્યો તે લખવા જેવો નથી. પણ મને થયું કે સામે પડેલા કડક ચાના કપથી હવે માથું હળવું થાય એમ નથી. મેં એને કહ્યું : ‘હિસાબ ચોખ્ખો કરી નાખીશું, તમે જાઓ અને એકાદ બે ગોળી એસ્પ્રોની મોકલી આપજો.’

ઘણીવાર એવું બને છે કે દર્દ બીજું હોય છે અને દવા આપણે કોઈ જુદા જ દર્દની કરીએ છીએ. પેટને કારણે માથું દુ :ખતું હોય તો આપણે પેટના દર્દની દવા નથી લેતા પણ માથાનું દર્દ ઓછું કરવા માટે દવા લઈએ છીએ! અત્યારે પણ આવું જ બન્યું. અચાનક આર્થિક ચિંતાનો બોજો આવી પડ્યો. એને લીધે માથું ભમવા લાગ્યું અને તે કોઈ ચા કે એસ્પ્રોથી ઊતરે ખરું? માથું વધુ ભમવા લાગ્યું. જો ખિસ્સામાં પૈસા હોત અને આ લોકોને ચૂકવી આપ્યા હોત તો આવું કંઈ જ ન બનત, પણ જે ખાવાથી આર્થિક ચિંતા ટળી જાય એવી કોઈ દવાની ગોળી હજુ સુધી તો કોઈએ શોધી નથી!

મને થયું કે મારી નૌકાનો સઢ હવા વિના પડી ગયો છે. નૌકા આગળ વધી શકતી નથી. અને માત્ર હલેસાં મારીને કદી સાગર પાર કરી શકતો નથી.

સ્ટુડિયોના મેદાનમાંથી હું બહાર નીકળ્યો કે એક નિર્માતાએ મને જોઈને મોટર ઊભી રાખી. તેમણે મને કહ્યું : ‘એક અચ્છા લેખક તરીકે તમારું નામ આપણા ઉદ્યોગમાં આજે સાબિત થઈ ચૂક્યું છે. મારે તમારું ખાસ કામ છે.’

‘બોલો. શું કામ છે? સિનાર્યો કે સંવાદ લખવાના છે?’

હું જાણતો હતો આ માણસે એક વાર્તા લખેલી છે અને તેથી જ મેં એને આવો પ્રશ્ન પૂછ્યો. તેણે કહ્યું : ‘સિનાર્યો અને સંવાદ તો હું જ લખવાનો છું પણ વાર્તાની ગૂંથણીમાં મને સંતોષ થતો નથી. મેં જે લખ્યું છે એના ઉપર તમે સંસ્કાર કરી અને વાર્તાની પકડને અમુક પ્રસંગો મૂકીને મજબૂત બનાવી દો.’

‘કબૂલ છે. શું મહેનતાણું આપશો?’

‘તમે લખવાનું શરૂ કરો અને મને પસંદ પડશે તો પછી પૈસા મળશે જ.’

‘અને ના પસંદ પડે તો?’

‘તો પછી પૈસા આપવાનો સવાલ જ ક્યાં રહે છે?’

મેં જવાબ આપ્યો : ‘અચ્છા લેખક તરીકે તમે મારો સ્વીકાર કરો છો?’

‘હા, એ તો સૌ કોઈ જાણે છે અને તેથી જ તો હું તમને કામ આપવા માગું છું.’

મેં કહ્યું, ‘તમે કોઈ જાણીતા ડૉક્ટરને ઘેર બોલાવો અને પછી એને કહો કે દર્દી સારો થશે તો જ પૈસા આપવામાં આવશે તો એ વાત શું એ કબૂલ કરશે? નહીં કરે. દર્દી સારો થાય કે ન થાય, પણ તમારે એની મહેનતના પૈસા આપવા જ જોઈએ. તમે મને તમારી માંદી વાર્તાને મજબૂત કરી દેવાનું કહો છો. હું મહેનત કરું ને તમને ન ગમે તો તમે મહેનતના પૈસા ન આપો એ કેમ ચાલે? તમે નક્કી કરો કે જો વાર્તા ગમે તો આટલા પૈસા આપવા અને ન ગમે તો મહેનતના પૈસા આપવા. આવું કંઈક નક્કી કર્યા પછી આપણે આગળ વધીએ.’

પણ નિર્માતાને આ વાત ગમે તેવી નહોતી અને તેથી આગળ વધવા જેવું હતું જ નહીં. તેમણે મોટર ચાલુ કરી એટલે હું સમજી ગયો કે મારે પણ પગ ચાલુ કરવા જોઈએ. હું આગળ વધ્યો અને રસ્તામાં કુલકર્ણી મળ્યા. તેમણે મને પૂછ્યું : ‘ક્યાં ગયા હતા?’

‘સ્ટુડિયોમાંથી ચાલ્યો આવું છું.’

‘તમે રોજ સ્ટુડિયોમાં જાઓ છો? ત્યાં કંઈ કામ તો ચાલતું નથી. જઈને શું કરો છો?’

‘હાજરી પુરાવું છું.’

તેઓ જરા હસી પડ્યા કારણ કે તેમણે સ્ટુડિયોમાં આવવાનું બંધ કરી દીધું હતું અને ચિત્રપટની ઑફિસમાં રીતસર મેનેજર તરીકે કામ કરવું શરૂ કરી દીધું હતું. મેં પૂછ્યું, ‘કેમ હસી પડ્યા?’

‘તમે સ્ટુડિયોમાં જાઓ છો તેથી!’

‘જવું જ જોઈએ, કારણ કે આપણા શેઠે હજુ સુધી આપણને કામમાંથી છૂટા થવાની નોટિસ નથી આપી.’

‘અરે આપણા આચાર્યસાહેબ એટલા બધા ભલા માણસ છે કે તે કદી કોઈ માણસને નોટિસ નહીં આપે. ચિત્ર શરૂ કરશે એટલે આપણને બોલાવી લેશે.’

‘મેં તો કોઈ બીજી કંપનીમાં કામ કરવાનું નક્કી કર્યું છે.’

‘ક્યાં નક્કી કર્યું?’

‘હજી કોઈ કંપની નક્કી કરી નથી. પણ આવતી કાલથી પ્રયત્ન શરૂ કરવાનો છું.’

‘બીજે જવાની જરૂર નથી. હું ચોક્કસ જાણું છું કે આપણા સાહેબ થોડા વખતમાં જ ચિત્ર શરૂ કરશે.’

‘રાહ જોવામાં તો ડબલ નુકસાન થયું. પગાર મળે નહીં અને ચા-પાણીના બિલ ચડી ગયાં. કમાણી ન હોય ત્યારે બિલના આંકડા બહુ મોટા લાગે છે!’

કુલકર્ણી ખૂબ હસ્યા અને કહ્યું : ‘ચાલો આપણે બાજુની હોટેલમાં જઈએ. તમે ચા લેશોને?’

‘મારે ચા નથી પીવી. મેં ચા છોડી દીધી છે.’

‘ક્યારથી?’

‘બસ, અર્ધો કલાક થયો.’

‘શા માટે છોડી દીધી?’

‘બિલની રકમ જોઈને.’

‘કેટલું બિલ આવ્યું?’

‘ચા છોડી દેવાનું મન થાય એટલું.’

તેઓ ખડખડાટ હસી પડ્યા અને કહ્યું : ‘જીવનમાં ઊથલપાથલ આવ્યા જ કરે છે અને તેથી તમારે નિરાશ થવાની જરૂર નથી.’

‘ઊથલપાથલ નથી એટલે જ નિરાશ થયો છું.’

હોટેલમાં બેઠાં બેઠાં થોડી વાત કરી ત્યાં ચા આવી. યુદ્ધની વાતો જેમ સાંભળવી ગમે છે તેમ સ્ટુડિયોની વાતો પણ એટલી જ રસિક છે. વાતોમાં એટલો બધો રસ જાગ્યો કે હું ચા પી ગયો તો પણ ખબર પડી નહીં. પછી કુલકર્ણીએ મને પૂછ્યું : ‘તમે ચા છોડી દીધી હતી ને?’ મેં જવાબ આપ્યો : ‘છોડી દીધી છે એટલે એનો અર્થ એમ કે મારે ચા પીવી નહીં!’

‘પણ તમે તો ચા પી ગયા?’

‘કબૂલ છે, પણ વ્રત એવું છે કે હું પોતે કદી એમ નહીં કહું કે મારે ચા પીવી છે. પણ કોઈ પીવડાવે તો ના ન પાડવી. સિગારેટની બાબતમાં પણ એવું વ્રત રાખ્યું છે. ખિસ્સામાં રાખવી નહીં પણ કોઈ ધરે તો ના પાડવી નહીં.’

કુલકર્ણીએ તરત જ સિગારેટ કાઢી અને પછી સ્મિત કરતાં કહ્યું : ‘આવું વિચિત્ર વ્રત કેટલો વખત ટકી રહેશે?’

‘ખિસ્સામાં માત્ર હવા ભરેલી હશે ત્યાં સુધી.’

થોડીવાર વિચાર કર્યા પછી તેમણે મને કહ્યું : ‘ચિત્રપટમાં તમે જે થોડા લેખ લખ્યા છે એનો પુરસ્કાર તમારે ખાતે જમે પડ્યો છે. ચાલો લઈ જાઓ.’

આ સમાચારથી મને આનંદ થયો. મેં કહ્યું : ‘પણ મેં પુરસ્કારની આશાથી લખ્યું ન હતું. તમારા આગ્રહ અને દોસ્તીને કારણે મેં લખેલું.’

‘હા, પણ દોસ્તીને કારણે વારંવાર લખાવી ન શકાય. એક મિત્ર તરીકે તમારી પાસે સમય છે તો પછી અઠવાડિયામાં એકાદ-બે લેખ લખતા રહો.’

‘પણ મારે લેખક નથી થવું.’

‘હું ક્યાં કહું છું કે લેખક બનો. સ્ટુડિયોમાં કામકાજ શરૂ થાય કે લખવાનું બંધ કરજો.’

આ દલીલ ગળે ઊતરી ગઈ. પણ એ વખતે હું કલ્પના ન કરી શક્યો કે મારી નૌકા શાહીના સરોવરમાં દાખલ થઈ રહી છે અને કલમના હલેસાં ચાલુ રાખવાં પડશે.

ચિત્રપટમાં લખવાનું શરૂ કર્યું, અઠવાડિયામાં એકાદ-બે લેખ લખવા એ કોઈ મોટી વાત ન હતી. આ દિવસો દરમિયાન હું મુંબઈના અગ્રગણ્ય સોલિસિટર મોતીચંદ ગિરધર કાપડિયાને ત્યાં રહેતો હતો. કારણ કે એમના પુત્ર રસિક કાપડિયા મારા મિત્ર હતા અને છે. મોતીચંદભાઈ એક વિરલ વ્યક્તિ હતા. ખોટાનું સાચું કરવા માટે બુદ્ધિ લડાવવી પડશે એમ લાગે તો તેઓ એવા કેસ કદી હાથમાં લેતા નહીં. હું એમને ઘણીવાર કહેતો. ‘સોલિસિટરે કે વકીલે ગમે તે કેસ હાથમાં લેવો જોઈએ.’

તેઓ જવાબ આપતા. ‘જે સાચા હશે તે આપણી પાસે આવશે અને ખોટા બીજે જશે. ધંધામાં નુકસાન થવાનો કોઈ સંભવ જ નથી. સારો અને સાચો માલ રાખનારાઓનો ધંધો ન ચાલ્યો હોય એવું કદી બન્યું છે ખરું?’

આ મહાન આત્મા મોતીચંદભાઈએ ખિલૌના, ભલાઈ, પરીસ્તાન વગેરે મારાં લખેલાં ચિત્રો જોયાં હતાં અને કહ્યું હતું કે ‘ચલચિત્રો એ ચલચિત્રો જ છે, એ ચાલ્યા જાય છે પણ તમે જે કથા લખો છો એના ઉપરથી નવલકથા બનાવતા રહો તો પુસ્તક વંચાતા રહેશે.’

આ દિવસો દરમિયાન રસિક કાપડિયાએ કોઈ નવી ઇન્ડીપેન ખરીદ કરી અને મને કહ્યું : ‘જુઓ જોઈએ. આ પેન કેવી લાગે છે? શાહીનો પ્રવાહ બરાબર આવે છે કે નહીં? પેન મૂકીને તેઓ ચાલ્યા ગયા અને પેન કેવી છે એ જોવા માટે મેં લખવા માંડ્યું. શાહીનો પ્રવાહ જોવા જતાં હું જુદા જ પ્રવાહમાં તણાઈ ગયો. ખ્યાલ ન રહ્યો કે નવલકથા લખવી શરૂ થઈ ચૂકી છે અને તે ‘રમકડાં વહુ’ તરીકે ભવિષ્યમાં પ્રગટ થશે.’

ખિલૌનાની વાર્તા તો મને યાદ હતી એટલે એના આધારે મેં કથા લખવી શરૂ કરી. ત્રણેક કલાક પછી રસિકલાલ આવ્યા અને મેં કહ્યું, ‘ઓહ, બહુ સમય ચાલ્યો ગયો! લો, આ તમારી પેન, ઘણી સરસ છે.’

બે દિવસ પછી મારા યુવાન મિત્ર ડૉક્ટર વિનોદ દોશી ટેબલ ઉપર પડેલી મારી નોટબુક વાંચતા હતા. હું આવ્યો ત્યારે તેમણે કહ્યું : ‘વાહ, નવલકથા લખવી શરૂ કરી છે ને શું? મજા પડે તેવી શરૂઆત છે. એમાં સહેજ ખિલૌનાની છાયા દેખાય છે.’

મને થયું કે તે મારી મશ્કરી કરે છે. મેં જવાબ આપ્યો, ‘દોસ્ત, બનાવટ કરવી છોડી દે. આ તો રસિકે લીધેલી પેન કેવી છે તે જોવા માટે લખેલું છે.’

પણ તેમણે ગંભીર બનીને કહ્યું : ‘મશ્કરી નથી કરતો. હમણાં સ્ટુડિયોમાં ચિત્ર ચાલતું નથી તો પછી લખી નાખો. બહુ મજા પડે તેવી વાર્તા થશે.’

એમની વાત ગળે ઊતરી અને મેં લખવા માંડ્યું. ડૉક્ટર રોજ સાંજે ઘેર આવતા અને લખાણ વાંચી જતા. મારા કરતાં તો એમનામાં અનેકગણો ઉત્સાહ હતો. મને કહેતા કે જલદી લખાણ પૂરું કરો. મેં થોડા વખતમાં જ નવલકથા પૂરી કરી નાખી અને ડૉક્ટરે કહ્યું : ‘આ નવલકથાની રચના જુદા પ્રકારની છે. પટકથાના સિદ્ધાંત ઉપર થયું છે અને જાણે આપણે ચિત્ર જોતાં હોઈએ એવું લાગે છે. આ કથાની ગૂંથણી નવી જ ભાત પાડશે.’

પછી તો આ હસ્તલિખિત નવલકથા મિત્રમંડળમાં ચારે બાજુ ફરવા લાગી અને રસથી વંચાવા લાગી. ‘આ નવલકથા છાપવી જોઈએ’ એવો સૌથી પ્રથમ આગ્રહ રસિક કાપડિયાએ કર્યો ત્યારે મેં જવાબ આપ્યો : ‘આ નવલકથા પ્રસિદ્ધ કરવાના હેતુથી નથી લખાઈ અને મારે નવલકથાના લેખક તરીકે નામ પણ નથી જોઈતું.’

આ હસ્તલિખિત પુસ્તક ઘણાના હાથમાં ફરતું રહ્યું પણ આવરદા મોટી એટલે ક્યાંય ખોવાયું નહીં! થોડા વખત પછી એવા સંજોગો આવ્યા કે મારે ચિત્રપટનું તંત્રીપદ સ્વીકારવું પડ્યું. કુલકર્ણીએ કહેલું કે ‘નામ ભલે તમારું રહ્યું. કાર્યાલયમાં આઠ કલાક હાજરી આપવાની જરૂર નથી. તમારે તો થોડું વધારે લખવાનું રહેશે. સ્ટુડિયોનું કામ શરૂ થાય એટલે આ કામ પડતું મૂકજો.’

સ્ટુડિયોનું કામ શરૂ થયું નહીં અને અહીં લખવાનું કામ વધી ગયું! એક દિવસ કાર્યાલયમાં બેઠો હતો ત્યાં એક મિત્ર આ નવલકથાની હસ્તપ્રત પાછી આપવા આવ્યો. કુલકર્ણીએ મને પૂછ્યું ‘આ શું છે?’

‘કંઈ નહીં, જરા રમત છે. નવલકથા લખી છે.’

‘ક્યારે લખી નાખી?’

‘ઘણો વખત થઈ ગયો. અને હવે ફાટી જવાની અણી ઉપર છે.’

કુલકર્ણીએ પુસ્તક લીધું અને વાંચવા લઈ ગયા. બે દિવસ પછી કહ્યું : ‘આ નવલકથા ચિત્રપટમાં શરૂ કરીએ. આટલું સરસ લખ્યું છે તો બોલતા કેમ નથી?’

‘બોલવા માટે ક્યાં લખ્યું છે?’

ચિત્રપટમાં નવલકથા શરૂ થઈ. નવલકથાનું નામ ‘રમકડાં વહુ’ પણ કુલકર્ણીએ જ શોધી કાઢ્યું. વાચકોને આ કથા ખૂબ ગમવા લાગી અને લોકપ્રિય ચિત્રપટ વધુ લોકપ્રિય થવા લાગ્યું.

નવલકથા ક્ષેત્રમાં મેં કેવી રીતે પ્રવેશ કર્યો એનો આ રમકડા જેવો ઇતિહાસ છે.

પોતાની ફિલ્મ કારકિર્દી દરમિયાન વજુ કોટકે કસોટી ફિલ્મના નિર્માણમાં સહાયક-નિર્દેશક તરીકે કામ કર્યું. શતરંજ અને ગોરખધંધા નામના ચિત્રોનું દિગ્દર્શન કર્યું. ખિલૌના, પરીસ્તાન, પરિવર્તન, ભલાઈ, મંગળફેરા, નણંદ-ભોજાઈ, અને લગ્ન મંડપ નામની ફિલ્મોના સંવાદ, પટકથા વાર્તા વગેરે લખ્યાં. પણ છેવટે સંજોગોના તકાદાને વશ થઈને ચિત્રપટ સામયિકના તંત્રી થયા. એવા જ કોઈ સંજોગોએ સૈદ્ધાંતિક મતભેદના કારણે વજુ કોટકે ચિત્રપટ છોડ્યું અને એ ચિત્રલેખાના જન્મનું નિમિત્ત બન્યું!

(‘રમકડાં વહુ’ની પ્રસ્તાવના)