પત્રકારત્વની આગવી કેડી
બહુમુખી પ્રતિભા ધરાવતા વજુ કોટકમાં પત્રકારત્વનો આરંભ ખરેખર તો બહુ વહેલો થઈ ચૂક્યો હતો. કૉલેજમાં અભ્યાસ કરતાં કરતાં કૉલેજ મેગેઝિન ઉપરાંત સુરતના લોકવાણી નામના પ્રકાશનમાં પોતાની તેજીલી કલમ દ્વારા યુરોપના રાજકીય નેતાઓનાં જીવનચરિત્રો લખતા. કલમ પર હાથ બેસી ગયો એ પછી તેમણે જગવિખ્યાત નર્તકી ઈસાડોરા ડંકનની આત્મકથાનો ગુજરાતીમાં તરજુમો કર્યો, પરંતુ પત્રકારત્વમાં તેમનો પ્રવેશ અનાયાસે થઈ ગયો એ વિશે આપણે ‘હું લેખક કેમ બન્યો’ એ પ્રકરણમાં વાંચ્યું. ‘ચિત્રપટ’ નામના સિનેસાપ્તાહિક દ્વારા વજુભાઈ પત્રકાર બન્યા. ‘ચિત્રપટ’માં સૈદ્ધાંતિક મતભેદ થતાં ‘છાયા’માં લખતા થયા અને અંતે બનેવી વૃજલાલ રાડિયાના અભિપ્રાયને સ્વીકારીને ‘ચિત્રલેખા’ શરૂ કર્યું એ સમયે તેમનામાં સંસ્કારોનું બળ અને ઊંચે આવવાની તલપ હતી.
તંત્રી થયા ત્યારે તેમણે વાતવાતમાં મિત્રોને કહેલું : ‘વાચકોને દગો ન દેવો એ મારો નિશ્ચય હતો. મારી વાર્તા ‘જુવાન હૈયાં’ પૂરી કરવા માટે જ હું છાયામાં ગયેલો.’ એટલે કે શરૂથી જ વજુ કોટક વાચકોને વફાદાર હતા. રૂઢિના ચીલામાં ચાલવાનું તેમને પસંદ નહોતું. વિચારો અને લેખનમાં મૌલિકતા હતી. કંઈક કરી બતાવવાની ધગશ હતી એટલે સતત કંઈક નવું અને આગવું લખ્યા કરતા. એક ઉમદા પત્રકાર ઉપરાંત સહૃદય માનવી હતા એટલે ચિત્રલેખાને સામાન્ય માણસના સુખદુ :ખનો સથવારો બનાવવાનો તેમનો સંકલ્પ હતો.
વજુભાઈના સાક્ષી સહકારીઓએ નોંધ્યું છે તેમ ‘ચિત્રલેખા’, ‘બીજ’ (હાલ અપ્રકાશિત) અને ‘જી’ ત્રણેમાં એ સમયે તો વજુભાઈની કલમ વન મેન શૉની જેમ ચાલતી. માત્ર ચિત્રલેખાની વાત કરીએ તો પ્રભાતનાં પુષ્પોથી શરૂ કરીને છેક છેલ્લા પાના સુધી તમામ વિભાગો-સ્તંભો અને કૉલમોમાં વજુભાઈની કલમના ચમકારા દેખાતા. એક ફોટોગ્રાફની નીચે પ્રસંગને અનુરૂપ તથા ફોટોગ્રાફમાં વ્યક્ત થયેલી કેમેરાકલાને અનુરૂપ કેપ્શન લખવામાં તેઓ કલાકો કડાકૂટ કર્યા કરતા. આજે 1991માં જુદાં જુદાં અખબારોમાં જુદાં જુદાં નામે રજૂ થતી શહેરમાં ફરતાં ફરતાં કૉલમ સૌ પ્રથમ વજુ કોટકે શરૂ કરી હતી. આ કૉલમમાં કરસનકાકા નામે કાલ્પનિક પાત્ર હતું જે સમકાલીન સમસ્યાઓ અને રોજબરોજના બનાવોની ચર્ચા કરતું. આ પાત્રની ગુજરાતી કુટુંબો પર એટલી બધી ઊંડી અસર હતી કે 1972થી મુંબઈમાં પહેલીવાર ટેલિવિઝન શરૂ થયું ત્યારે એ પ્રસંગો ટીવી પર રજૂ થયેલા ‘આવો, મારી સાથે’ કાર્યક્રમમાં આ કરસનકાકાનું પાત્ર છે.
કહેવાનું તાત્પર્ય એ કે પૃથ્વી પરના માનવરસના કોઈ પણ વિષય પર વજુભાઈ આસાનીથી કલમ ચલાવતા. વિદ્યાર્થી અવસ્થામાં કરેલું અખૂટ વાચન, તીવ્ર અવલોકનશક્તિ અને સામાન્ય માણસને રસ પડે એવું લખવાની સહજ શૈલી-આ ત્રિવેણી સંગમને લીધે એ તમામ વિષયો પર એકસરખી કુશળતાથી લખી શકતા.
પત્રકારત્વમાં રહીને વજુભાઈએ અશક્ય લાગે એવો જે પ્રયોગ સફળતાથી કરી બતાવ્યો એ ગુજરાતી ડાયજેસ્ટ બીજનો. દેશવિદેશમાં પ્રગટ થતાં તમામ છાપાં-મેગેઝિનો દરેક વ્યક્તિ ખરીદી શકે નહીં. એટલે ભમરો જેમ પુષ્પમાંથી આસવના ઘૂંટ ભરી લે તેમ દરેક છાપા-મેગેઝિનની ઉત્તમોત્તમ કૃતિઓનું સંકલન ગુજરાતીમાં કરીને વજુભાઈ એને બીજમાં રજૂ કરતા. વાસ્તવમાં ચિત્રલેખાને મળેલી સફળતા જોઈને એમને ખ્યાલ આવ્યો કે ગુજરાતી વાચકોમાં ધીરગંભીર તેમ જ હળવા, માહિતીપૂર્ણ તથા મનોરંજક શિષ્ટ સાહિત્યની ભૂખ વધતી જાય છે. લોકોને યોગ્ય સમયે સારું સાહિત્ય ન મળે તો એ હલકા સાહિત્ય ભણી વળી જાય છે. એટલે તેમણે ‘બીજ’ શરૂ કર્યું. ‘બીજ’ની સફળતા જેવી તેવી સિદ્ધિ ન ગણાય, કારણ કે ‘બીજ’માં શરૂથી જ વજુભાઈ એક પણ જાહેરખબર લેતા નહોતા.
એક પણ જાહેરખબર વિના કોઈ ડાયજેસ્ટ સામયિક ગુજરાતીમાં સફળ થાય એ વિરલ સિદ્ધિ ગણાય. ગુજરાતી પત્રકારત્વમાં આવું સાહસ અન્યત્ર થયાનું ખ્યાલમાં નથી.
એ પછી તો તેમણે અંગ્રેજીમાં એ પ્રયોગ ફિલ્મ માસિકમાં લાઈટના નામે કર્યો. પાછળથી લાઈટ બંધ કરીને ફિલ્મ માસિક ગુજરાતી ‘જી’ શરૂ કર્યું. આ વજુભાઈએ પોતાની જાતને જ કરેલો પડકાર હતો. જી નામનું નવું ફિલ્મ માસિક શરૂ કરવાનો અર્થ એટલો જ કે ચિત્રલેખા સંપૂર્ણપણે શિષ્ટ સાહિત્ય પીરસતું મેગેઝિન બની રહ્યું. એક તરફ વજુભાઈએ ચિત્રલેખાના વાચકોને સંતોષવાના તો બીજી તરફ ‘જી’ના. અહીં પણ એક મુદ્દો મહત્ત્વનો છે : જી ફિલ્મ સામયિક હોવા છતાં એમાં ગોસીપ, ગપ્પાં, કોઈની અંગત વાતો કે કૂથલીથી દૂર રહ્યું છે. ફિલ્મ સામયિકોમાં પણ વજુભાઈએ નવો ચીલો ચાતર્યો. ચિત્રલેખાની જેમ એમાં પણ શિષ્ટ સાહિત્ય પીરસ્યું અને છતાં જીને ધંધાદારી દૃષ્ટિએ સફળતાથી ચલાવી બતાવ્યું.
હકીકતમાં વજુભાઈ પાસે તેજસ્વી અને ચોટદાર કલમ હતી. શબ્દો અને શૈલીના એ સ્વામી હતા. પોતાનાં સામયિકોના વિકાસ પાછળ તેમણે પોતાનો પરસેવો જ નહીં, પોતાનું લોહી પણ આપ્યું. સામયિકોને વિકસાવવાના અતિ પરિશ્રમને કારણે જ તેમનું જીવનપુષ્પ અકાળે કરમાઈ ગયું. તેમની કલમ ઘણાં ક્ષેત્રોમાં ઘૂમી વળતી પણ તેનાથી કદી કોઈની નિંદા, દ્વેષ કે વેરના એક પણ શબ્દ કદી લખાયો નથી. વાચકોને રીઝવવા કદી હલકા શૃંગારમાં કે અશ્લીલતામાં આ કલમ અભડાઈ નહીં.
અને પોતાના માનસંતાન સમા આ સામયિકોની તેમને કેટલી બધી ચિંતા હતી! તેમની વિદાય પછી પણ લગભગ ચાર મહિના સુધી સામયિકો પ્રગટ થતાં રહે એટલી બધી સામગ્રી વજુભાઈ લખીને તૈયાર રાખી ગયા હોવાનું તેમના અનુગામી તંત્રી મધુરી કોટકે નોંધ્યું છે.
માત્ર લેખક તરીકે નહીં, તસવીરકાર તરીકે, ચિત્રકાર તરીકે અને કાર્ટૂનિસ્ટને નીત નવા વિચારો પૂરા પાડીને કાર્ટૂન બનાવડાવનાર દૃષ્ટા તરીકે પણ કોટક નોખી માટીના માનવી હતા. જ્યાં જ્યાં ગુજરાતી લોકો વસ્યા છે એ અતિ વિશાળ વાચક સમુદાયના હૈયામાં વજુ કોટક પોતાની કલમ વડે ચિરંજીવ તેમ જ માનભર્યું સ્થાન મેળવી ગયા. તેમણે તન-મન-ધનથી જે સામયિકોનાં બી વાવેલાં એ આજે ઘેઘૂર કબીરવડ જેવાં ફૂલીફાલીને દુનિયાભરના ખૂણેખૂણે પહોંચી ગયા છે.