કેમેરાના સથવારે
1940–’41ની વાત છે. હિન્દી ફિલ્મોમાં સુવર્ણયુગની આરંભનો ગાળો હતો. દેશભરમાંથી ફિલ્મોમાં ભાગ્ય અજમાવવા ઘણાં યુવક-યુવતીઓ મુંબઈ આવતાં. કોઈ હીરો બનવા આવતું તો કોઈ નિર્દેશક બનવા. મુંબઈમાં માતબર ફિલ્મ કંપનીઓની ઑફિસો હતી. સોહરાબ મોદીની મિનર્વા મૂવીટોન, સરદાર ચંદુલાલની રણજિત, વિજય ભટ્ટની પ્રકાશ પિક્ચર્સ, વી. શાંતારામની રાજકમલ, ચીમનલાલ દેસાઈની અમર પિક્ચર્સ વગેરે. એવી જ એક ફિલ્મ કંપની નેશનલ સ્ટુડિયોમાં ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ સાહિત્યકાર રામચંદ્ર ઠાકુરના નિર્દેશનમાં ‘કસૌટી’ ફિલ્મ બની રહી હતી. એક દિવસ કંપનીના માલિકે કોઈ યુવાનને ઠાકુરસાહેબ પાસે ઇન્ટરવ્યૂ આપવા મોકલ્યો. ઇન્ટરવ્યૂમાં પાસ થાય તો એ યુવાન ઠાકુરસાહેબના સહાયક તરીકે જોડાવાનો હતો, પરંતુ પેલો યુવાન એવો તો પાણીદાર નીકળ્યો કે ઠાકુરસાહેબને ઘડીભર લાગ્યું : ઇન્ટરવ્યૂ હું આપી રહ્યો છું કે લઈ રહ્યો છું? આત્મવિશ્વાસથી છલકતી ચમકતી આંખો, વ્યાયામથી કસાયેલું શરીર, ટટાર સીનો અને ખુમારીથી ધબકતું વ્યક્તિત્વ. હોઠ પર રમતિયાળ મલકાટ તથા શિસ્તભર્યું વર્તન. આવનાર યુવાનથી ઠાકુરસાહેબ એવા તો પ્રભાવિત થઈ ગયા કે ફિલ્મ લાઈનમાં જોડાવા માટે જરૂરી હિન્દી-ઉર્દૂ ભાષાનું પૂરતું જ્ઞાન નહીં હોવા છતાં એને પોતાના સહાયક તરીકે રાખી લીધો.
એ યુવાન એટલે ચિત્રલેખા — જીના સ્થાપક વજુ કોટક. રામચંદ્ર ઠાકુરે પાછળથી લખ્યું છે કે પાંચ જ મિનિટમાં અજાણ્યાને પણ મિત્ર બનાવી દેવાની વજુભાઈમાં અદ્ભુત શક્તિ હતી. ‘કસૌટી’ ફિલ્મ પૂરી થતાં જ વજુભાઈએ નેશનલ સ્ટુડિયો છોડી દીધો પણ રામચંદ્ર ઠાકુર તેમના સાહેબ મટીને મિત્ર રામુભાઈ બની ગયા. ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશતી વેળા નિર્દેશક બનવાની મહત્ત્વાકાંક્ષા લઈને આવેલા વજુભાઈમાં કામની લગન એ સમયે પણ ખૂબ હતી. લેખનના સંસ્કારો તેમના ચિત્ત પર દૃઢ થયા હતા. રામચંદ્ર ઠાકુરે નોંધ્યું છે : ‘કોઈના લખાણની કોપી કરવા કરતાં સ્વયંભૂ લખવાની તેને હંમેશાં ઉત્કંઠા રહેતી.’
વજુભાઈએ નેશનલ કંપની છોડી એ અરસામાં ચીમનભાઈ દેસાઈએ અમર પિક્ચર્સની સ્થાપના કરેલી. ચીમનભાઈના મનમાં રમતા એક સાવ નાનકડા પ્રસંગને પડકાર ગણી લઈ વજુ કોટકે બે અઢી કલાક ચાલે એવી પટકથા લખી આપી. એના પરથી ‘ખિલૌના’ ફિલ્મ બની. આ ફિલ્મને સારો આવકાર મળતાં રાતોરાત વજુભાઈ ફિલ્મ ઉદ્યોગમાં સફળ કથાલેખક તરીકે જાણીતા થઈ ગયા. આચાર્ય આર્ટ પ્રોડક્શન્સના સ્થાપક નિર્દેશક એન. આર. આચાર્યે નોંધ્યું છે તેમ ‘વાર્તાના કોઈ પ્રસંગમાં અમે ગૂંચવાઈ જઈએ ત્યારે કોટક એવું સૂચન કરતા કે અમારો માર્ગ સરળ બની જતો... નાના એવા પ્રસંગમાંથી કથાનો ઘાટ ઘડવાની એમની શક્તિ આશ્ચર્યમુગ્ધ કરે તેવી હતી.’ એ જ કારણે બીજી ફિલ્મ કંપનીઓ દ્વારા વજુભાઈ પાસે સારી વાર્તાની માગણી થવા લાગી, પરંતુ એ સમયે વજુભાઈને લેખનમાં રસ નહોતો. તેમને તો દિગ્દર્શક બનવાની તાલાવેલી હતી.
થોડો સમય રણજિત સ્ટુડિયોમાં કામ કર્યા બાદ વજુભાઈ નવી જ શરૂ થયેલી જનક પિક્ચર્સમાં જોડાયા. આ સંસ્થા માટે નિર્દેશક બી. મિત્રા અશોકકુમારને લઈને ‘અંગુઠી’ ફિલ્મ બનાવતા હતા. વજુભાઈ તેમના સહાયક નિર્દેશક હતા એટલે સતત કલાકારો સાથે રહેવાનું બનતું. દરમિયાન અશોકકુમાર સાથે દોસ્તી થઈ ગઈ. અશોકકુમાર સાથેની એ દોસ્તીનો રંગ એવો તો પાકો હતો કે 1950ના દાયકામાં વજુભાઈએ ફિલ્મ મેગેઝિન ‘જી’ શરૂ કર્યું તેનો પ્રથમ અંક આ સદાબહાર અભિનેતાને અર્પણ કરેલો.
નિર્દેશન ક્ષેત્રે આગળ વધવાની તક વજુભાઈને મળી એન. આર. આચાર્યની સંસ્થા આચાર્ય આર્ટમાં. આ સંસ્થા માટે વજુભાઈએ કેટલીક ફિલ્મોની પટકથા પણ લખેલી. કવિવર રવીન્દ્રનાથ ટાગોરના શાંતિ નિકેતન આશ્રમમાં શિક્ષકો પાસે ફરજિયાત બ્રહ્મચર્ય પળાવવામાં આવતું. આટલા અમથા સમાચારને આધારે વજુભાઈએ નિર્દોષ રમૂજો ધરાવતી પટકથા લખી જેના પરથી નિર્દેશક મહેશ કૌલે ‘પરિસ્તાન’ ફિલ્મ બનાવી. આચાર્યના કહેવા મુજબ ‘ત્યાર પછીનાં આટલાં વર્ષ દરમિયાન ફિલ્મોમાં વજુ કોટક જેવો સૂક્ષ્મ અને કટાક્ષયુક્ત હાસ્યરસ મેં કોઈ ફિલ્મમાં જોયો નથી.’ હકીકતમાં રમૂજવૃત્તિ વજુભાઈની રગેરગમાં વણાયેલી હતી.
આચાર્યના જ બેનર માટે ત્યાર બાદ વજુભાઈએ પરિવર્તનની કથા લખી. મુંબઈના ગીચ દરિદ્ર લતાઓ અને ઝૂંપડપટ્ટીમાં રહેતાં બાળકો જાણ્યે-અજાણ્યે કેવા અપરાધખોરી તરફ વળી જાય છે તેની કથા ‘પરિવર્તન’માં હતી. ફિલ્મના હીરો હતા મોતીલાલ અને હીરોઈન અંજલિદેવી, પરંતુ કેદાર શર્માના સહાયક તરીકે કામ કરતા રાજ કપૂરમાં અભિનયના ચમકાર વજુભાઈ જોઈ શક્યા અને તેમણે નિર્દેશક આચાર્યને ભલામણ કરી કે પરિવર્તનમાં એક રોલ રાજ કપૂરને આપો. આમ નિર્દેશક આચાર્યના કહેવા મુજબ ‘રાજ કપૂરને અભિનેતા બનાવવામાં વજુ કોટક નિમિત્ત બન્યા.’ આ ફિલ્મની વાર્તાથી રાજ કપૂર એવા પ્રભાવિત થયા કે પાછળથી આર. કે. ના નેજા હેઠળ તેણે બનાવેલી યાદગાર ફિલ્મ ‘આવારા’માં વજુભાઈએ લખેલી પરિવર્તનની કથાનું પ્રતિબિંબ પડ્યું.
પરિવર્તન ફિલ્મને લીધે વજુભાઈ અભિનેતા મોતીલાલના સંપર્કમાં આવ્યા. ખુદ મોતીલાલના શબ્દોમાં કહીએ તો ‘પહેલેથી જ મને કોટક જોડે મજા આવી કારણ કે તેમને વાર્તા કહેતાં સરસ આવડતું. પહેલી જ મુલાકાતમાં સામા માણસને મિત્ર બનાવવાની કુદરતી બક્ષિસ વજુમાં હતી. સેટ પરની એમની સાથેની ક્ષણો સદાય રસમય બની રહેતી. વજુની હાજરી કંટાળાને તરત જ હાંકી કાઢવાની શક્તિ ધરાવતી.’
નિર્દેશક બનવા આવેલા વજુભાઈને સંજોગોએ લખતા કરી દીધા, એની પાછળ સૌ કોઈને સહાયરૂપ બનવાનો તેમનો સ્વભાવ હતો. નાનું-મોટું કામ કરવાની તેમને નાનપ નહોતી. હકીકતમાં જે કામ હાથમાં લે એ શ્રેષ્ઠ રીતે પૂરું કરવાની તેમની લાક્ષણિકતા હતી. પરિવર્તન ફિલ્મના મુજરા-ગીતનું ચિત્રીકરણ કરતી વખતે નિર્દેશકના ધ્યાનમાં આવ્યું કે સારંગીવાળો હાજર નથી. હવે શું કરવું? તરત સંકટ સમયની સાંકળ જેવા સહાયક નિર્દેશક (વજુ કોટક) સારંગીવાળાના ‘ગૅસ્ટ રૉલ’ માટે હાજર થઈ ગયા. આવી કર્મનિષ્ઠા તેમણે બે ત્રણ ફિલ્મોમાં દેખાડેલી.
જે મહત્ત્વાકાંક્ષા સેવીને વજુ કોટક મુંબઈ આવ્યા તે નિર્દેશનની તક પણ તેમને મળી ખરી. 1946માં રજૂ થયેલી ફિલ્મ ‘શતરંજ’માં વજુભાઈ નિર્દેશક હતા. એના કલાકારો હતા કૃષ્ણકાન્ત અને લીલા ચીટણીસ. એ પછી તેમણે ફિલ્મ ‘ગોરખ ધંધા’નું નિર્દેશન પણ કર્યું. એકાદ દાયકાની ફિલ્મ કારકિર્દીમાં કસૌટીમાં સહાયક નિર્દેશન અને શતરંજ, ગોરખ ધંધામાં નિર્દેશન કરવા ઉપરાંત ખિલૌના, પરીસ્તાન, પરિવર્તન, ભલાઈ, મંગળફેરા, નણંદભોજાઈ અને લગ્નમંડપ ફિલ્મોનાં પટકથા–સંવાદો પણ વજુભાઈએ લખ્યા. ત્યાર બાદ સંજોગોના તકાજાને વશ થઈ વજુભાઈ લેખક-પત્રકાર થયા જેની પશ્ચાદ્ ભૂમિકા તેમણે પોતે જ ‘હું લેખક કેમ બન્યો?’ એ શીર્ષક હેઠળ પોતાની નવલકથા ‘રમકડાં વહુ’ની પ્રસ્તાવના રૂપે લખી છે.