સર્જન વૈવિધ્ય
‘અમારા કમ્પાઉન્ડમાં એક મોટો પપૈયો છે. તેની નીચે ચીકુનો એક છોડ છે. બાજુમાં ખુલ્લા આકાશ નીચે ચીકુનો એક બીજો છોડ છે. આ બીજો છોડ ખૂબ ઊંચો વધી ગયો. પણ પપૈયાની છત્રછાયા નીચેનો છોડ વધી શકે નહીં. આથી તેણે પેલા વધી ગયેલા અને ફૂલીફાલી રહેલા છોડને કહ્યું : ‘અલ્યા, આપણે બેઉ ભાઈ છીએ. છતાં તું આટલો મોટો થઈને ફૂલવા-ફાલવા લાગ્યો ત્યારે હું કેમ વિકાસ પામી શકતો નથી?’ પેલા ફૂલીફાલી રહેલા ચીકુએ કહ્યું, ‘તેનું કારણ એ છે કે તું કોઈની છત્રછાયા નીચે પડી રહ્યો છે. ત્યારે હું સ્વતંત્ર રીતે ખુલ્લા આકાશ નીચે આપબળે મારો વિકાસ સાધું છું.’
ભાવનગરની સામળદાસ કૉલેજના સામયિકમાં 1931–32ની સાલમાં એક વિદ્યાર્થીએ લખેલો આ પ્રસંગ છે. માંડ પંદર-સોળ વર્ષની તેની ઉંમર હશે. પરંતુ આટલી નાની વયે એના લખાણમાં રહેલી પ્રૌઢી (મેચ્યોરિટી) અને વિચારોનું ઊંડાણ જોવા જેવા છે. મુંબઈ આવેલા યુવાન વજુ કોટકને ભલે ફિલ્મ દિગ્દર્શક બનવાની ઇચ્છા હશે, તેના મનના કોઈ અગોચર ખૂણામાં લેખકની જન્મજાત પ્રતિભા છુપાયેલી નજરે પડે છે. નાનપણથી જ લેખનકલા પર તેણે હાથ અજમાવવો શરૂ કરી દીધો હતો. તેના લેખનમાં સ્વયંભૂ બળવાખોર વૃત્તિ અને સહજ કટાક્ષ નજરે પડે છે. કાચી વયે તેણે લખેલી એક વાર્તામાં પણ આ ગુણો દેખાઈ આવે છે. આ વાર્તામાં એક સ્વાર્થી શેઠાણીની લોભવૃત્તિ પર કટાક્ષ કર્યો હતો. આ શેઠાણી જાતજાતની વાનગીઓ બનાવતી હતી. એક ભૂખી ભિખારણ શેઠાણી પાસે માગવા આવી ત્યારે શેઠાણીએ તેને તગેડી મૂકી. એ જોઈ એક કાગડો ભિખારણને ઉદ્દેશીને બોલ્યો : આવા માણસો પાસેથી માગ્યે ન મળે. પણ, જો આમ મળે એમ કહીને કાગડો ઊડ્યો અને ઝાપટ મારીને વાનગી ચાંચમાં ઉપાડી ગયો.
આ ટચૂકડી વાર્તામાં લેખકનું વ્યક્તિત્વ કેવું આબાદ રીતે ઊપસ્યું છે! એક તરફ બાળપણના વાનરવેડાવાળો વજુ આમાં ડોકિયું કરતો દેખાય છે તો બીજી તરફ ઉપદેશનો ભાર ન લાગે એવી સરળ ભાષામાં બોધપાઠ આપતો ચીકુના દૃષ્ટાંતવાળો લેખક પણ પ્રગટ થાય છે. ઉપરાંત લોભ અને સંગ્રહવૃત્તિ સામે અવાજ ઉઠાવતા બળવાખોર યુવાનની છબી પણ આ લખાણમાં ઊપસે છે.
કિશોરાવસ્થા પાર કરીને યૌવનને ઉંબરે પહોંચવા અગાઉ તો વજુ કોટકની કલમે નવાં નવાં શિખરો સર કરવા માંડેલાં. પોતાના જીવનનાં (ખરેખર તો બાળપણનાં) કાજળકંકુમાંથી વજુભાઈએ સત્તરમે વરસે કુંવારી કલમનાં પહેલાં છાંટણાં કાગળ પર ઉતાર્યા. કોઈના પ્રત્યે ખોટી દુશ્મનાવટ કે ખોટી મમતા દેખાડ્યા વિના નિર્દોષ બાળકો તદ્દન નિર્ભેળ મનોરંજન ખાતર જ જે તોફાનો કરે એ તમામ અટકચાળાં ‘બાળપણના વાનરવેડા’ પુસ્તકમાં પ્રગટ થયાં. જો કે વિધિની વિચિત્રતા એ કે વજુભાઈએ સત્તરમા વરસે લખેલાં આ બાળપણનાં સંભારણાં છેક તેમના નિધન પછી એટલે કે 1960 પછી પ્રગટ થયાં. એનું એક કારણ કદાચ એ કે આ સંભારણાં છપાવવા કે બીજાને વંચાવવાના ઉદ્દેશથી લખાયાં નહોતાં. વાસ્તવમાં આ સંભારણાં દ્વારા પોતાના બાળપણને સદા જીવંત રાખવાનો તેમનો હેતુ હશે. એક અંગ્રેજ સમીક્ષકે કહ્યું છે ને ‘દરેક મહાપુરુષમાં એક તોફાની બાળક લપાઈ બેઠો હોય છે.’
કલ્પનાનો મુક્ત વિહાર કરવાની વજુભાઈને કેટલી બધી મજા પડતી હશે એનો એવો જ સચોટ દાખલો 1937માં લખાયેલી કૃતિ મારી પ્રણયકથા છે. આ કૃતિ પણ એમની વિદાય પછી પ્રગટ થયેલા વજુ કોટક સ્મૃતિ અંકમાં પહેલીવાર પ્રગટ થઈ છે. આ કૃતિ ટૂંકી વાર્તા રૂપે લખાયેલી. એમાં હળવે હળવે રહસ્યનાં પડ ઊઘડતાં જતાં હતાં. છતાં વાચક કલ્પી શકતો નથી કે લેખકની પ્રિયતમા કોણ છે? ધીમે ધીમે ઉત્તેજના અને રોમાંચ વધતા જાય છે અને વાચક આ પ્રણયગોષ્ઠિમાં અનાયાસે જકડાતો જાય છે. છેક છેલ્લી લીટીમાં પોતાની પ્રિયતમાનો સાચુકલો પરિચય લેખક છતો કરે છે. આ પ્રણયકથા ખરેખર તો વાચકના કુતૂહલને સતત વધારતી જતી એક રહસ્યકથા છે. લખાણમાં શૃંગાર-રસ છે છતાં છીછરાપણું કે વિકૃતિ નથી.
વજુભાઈના મિત્રોને સતત લાગ્યું છે કે તેમનાં લખાણોમાં ગજબનો સુરીલો સંવાદ છે. તેનું કારણ વજુભાઈના અંતરમાંથી આપોઆપ ઊગી નીકળેલું સંગીત છે. બાળવયના વજુને દાદાએ વાપરવા માટે બે આના આપેલા. તેણે એ બે આનાનો પાવો લીધો. એ પાવા પર સ્વપુરુષાર્થથી સારેગમના સૂર બેસાડ્યા. ધીમે ધીમે એના પર રાગરાગિણી અને લોકપ્રિય ગીતો વગાડતા થયા. પછી તો વાંસળી અને વજુભાઈ વચ્ચે મહોબ્બત જાગી. વાંસળી પર એવો કાબૂ જમાવ્યો કે સંપર્કમાં આવ્યા એ સૌ કોઈ પર વજુભાઈની વાંસળીએ ઘેરી છાપ પાડી : પછી કવિ સ્વપ્નસ્થ હોય, નિર્દેશક રામુભાઈ હોય, ઉદ્યોગપતિ મગનલાલ સવાણી હોય યા ફિલ્મ અભિનેતા મોતીલાલ હોય.
આમ એક તરફ કૃષ્ણને વહાલી બંસી અને બીજી તરફ ગાંધીજીને પ્રિય એવી વિચારશુદ્ધિ તથા સરળતા. વજુ કોટકમાં રહેલા લેખકનું કલેવર આ ગુણો દ્વારા બંધાય છે.
વજુ કોટક જેવો શુભદૃષ્ટા લેખક કાદવમાં ખીલતા કમળને બિરદાવે. આમ લેખનકળાના આરંભકાળથી જ તેમનો દૃષ્ટિકોણ સત્યં શિવં સુંદરંનો રહ્યો છે. એમની ભીતર વહેતો અખૂટ હાસ્યનો ઝરો, અદમ્ય ઉત્સાહનો ધોધ અને નિર્દોષ બાળકનો તરવરાટ એમનાં લખાણોમાં જોવા મળે છે. એ જ કારણે ટીકા કરવામાં પણ ક્યાંય ડંખ, કડવાશ, દ્વેષ યા પ્રહાર આવતા નથી.
લખવાની તેમની પદ્ધતિ કેવી છે? વનરાજ સિંહ ગાઢ જંગલમાં થોડાં પગલાં ચાલીને પાછું વળીને જુએ તેવી! જેને આપણે સિંહાવલોકન કહીએ છીએ. તેનો એક જ દાખલો બસ છે. 1930ના ઑક્ટોબર-નવેમ્બરની આસપાસ પોતે લખેલી વાર્તાના છેડે વજુભાઈની સહી સાથે એક વાક્યની ટકોર વાંચવા મળે છે : આ વાર્તા બરાબર નથી. ફરી લખવી છે : વજુ. એક લેખકની જાગૃતિનો આથી નક્કર પુરાવો બીજો કયો મળી શકે? લીટીવાળી નોટબુકમાં પેન્સિલથી મોતીના દાણા જેવા અક્ષરે વજુભાઈ લખતા. 60 વરસ પહેલાના એમના લખાણની હસ્તપ્રત જોઈએ ત્યારે ક્યાંય છેકછાકા યા ડાઘડૂઘ જોવા મળતા નથી. જેટલી ઝડપે મગજમાં વિચાર પ્રગટે છે, કદાચ એટલી જ ઝડપે કલમ દ્વારા કાગળ પર અક્ષરદેહે અવતરે છે.
અને વજુ કોટકની લેખનપ્રવૃત્તિની વાત કરીએ ત્યારે વિષયવૈવિધ્ય જોઈને અધધધ થઈ જવાય. ફિલ્મોની પટકથાઓ, નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, નાટકો, રેડિયો નાટકો, કટાક્ષ કથાઓ, ચિંતનસભર પ્રભાતનાં પુષ્પો, પુરાણ અને વિજ્ઞાનનો સંબંધ જોડતા વૈજ્ઞાનિક લેખો, જ્યોતિષ વિષયક લેખો, રાજકીય સમીક્ષાઓ અને ગણ્યા ગણાય નહીં એટલા તો માહિતી લેખો. પોતે તો લખતા પણ મિત્ર લેખકો મૂંઝાયા હોય તો તેને પણ કથા આગળ વધારવામાં સચોટ સૂચનો કરતા. કોઈ લેખક મુશ્કેલીમાં હોય તો એને ઉપકારનો ભાર ન લાગે એ રીતે લખવાની તક ઊભી કરી આપીને સહાય કરતા.