સમકાલીનોની દૃષ્ટિએ કોટક..
અડધી સદીની મારી શિક્ષક તરીકેની કારકિર્દીમાં ગણ્યાગાંઠ્યા જે પ્રાણવાન વિદ્યાર્થીઓનો પ્રેમ સંપાદન કરવાનું હું સદ્ભાગ્ય મેળવી શક્યો છું તેવા વિદ્યાર્થીઓ પૈકીના એક ભાઈ વજુ કોટક હતા.
સત્ય અને ન્યાય માટે તેના અંતરમાં ભારે ઝંખના રહેતી. અન્યાયની સામે પ્રતિકાર કરતી વખતે તેમણે કદી પરિણામનો વિચાર કર્યો નથી. સત્યને પક્ષે વળગી રહેવા માટે કોઈ પણ જોખમ તેને માટે મોટું ન હતું. સત્ય અને ન્યાય માટેની તેની ભાવનાએ જ એના આ ટૂંકા જીવનમાં જ્વલંત યશ અપાવ્યો.
- કેળવણીકાર હરભાઈ ત્રિવેદી
1930માં ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ શરૂ કર્યો ત્યારે વજુ જેવો બળવાખોર કેમ ઝાલ્યો રહે? તે લડતમાં સામેલ થવા થનગનતો હતો. મારી રજા માગી. મેં કહ્યું, ‘હું કેમ રજા આપું! તું તો મારી પાસે પારકી થાપણ છે. તારા પિતા રજા આપે તો જા.’ હું જાણતો હતો કે તેના પિતા પણ રજા નહીં આપે. તે હજી કાચી વયનો હતો. તે રજા લેવા રાજકોટ ગયો. પિતાએ રજા ન આપી ત્યારે વગર રજાએ ગાંધીના સાબરમતી આશ્રમમાં પહોંચી ગયો. કાકા કાલેલકરે તેની નાની વય જોતાં લડતમાં મોકલવાને બદલે આશ્રમમાં રોકી રાખ્યો. પણ વજુ કંઈ એ માન્ય રાખે? ત્યાંથી ભાગીને તે વીરમગામ નાનાભાઈ ભટ્ટની છાવણીમાં પહોંચ્યો. એને શું કામ સોંપવું? સત્યાગ્રહમાં તો લાઠીનો માર ખાવાનો હતો, જેલમાં જવાનું હતું. પણ વાનરવેડાના શોખીન વજુને યોગ્ય કામ મળી ગયું. તેને વાનરસેનાનો સરદાર બનાવવામાં આવ્યો.
- કેશુભાઈ ચંદારાણા
કોટકની કલમ વ્રજમાં વાગતી વાંસલડી જેવી હતી. જેમ વાંસળીની પાછળ પાછળ વ્રજ જતું તેમ કોટકનો વાચક વર્ગ કોટક જ્યાં જ્યાં જાય ત્યાં પાછળ જાય. એક આજન્મ પત્રકાર તરીકે વજુભાઈમાં મૌલિકતા હતી. કોઈની નકલ કરવી કે હરીફાઈ કરવી એ એમના સ્વભાવમાં ન હતું. પત્રોના ફેલાવા માટે કોઈને વાત કરવી કે લાચારી ભોગવવી એવો વિચાર વજુભાઈની ખુમારી કદી સહન કરી શકતી નહોતી.
-વિજયગુપ્ત મૌર્ય
રૂપેરી દુનિયા જ એવી છે કે ભાતભાતના લોકોના સંપર્કમાં આવવું પડે. એમાંય લેખકો અને કલાકારો સાથે બેસવાનું થાય ત્યારે તો, જાતજાતની આતશબાજી ફૂટે. ઘણા કલાકારો અને ઘણા લેખકોના પરિચયમાં હું આવ્યો છું. તેમના શબ્દ પરિવારમાં મને રસ છે. આમાં હું વજુભાઈને ખાસ યાદ કરું છું, કારણ કે વજુભાઈ ગંભીરમાં ગંભીર કથા પાથરતા હોય ત્યારે પણ તક મળે તો, વિનોદ ઝબકાવવો ચૂકતા નહીં. સાગરનાં મોજાં માટે ફીણ જેમ સ્વાભાવિક છે, એમ વજુભાઈ ગંભીર વિષયના સાગર પરથી આવાં હાસ્ય ફૂલડાં ચમકાવતા. અને તે પણ સાવ સ્વાભાવિક રીતે... કથા ‘વેચવા’ માટેનો એમને કોઈ ઉચાટ રહેતો નહીં. એમની કલમમાં એમને વિશ્વાસ હતો.
વજુભાઈની રમૂજને સંભારૂં છું ને એક હસમુખો સાહિત્યકાર મન ઉપર વીંઝણો ઢોળતો અનુભવાય છે. વજુભાઈ આ બાબતમાં એક અને અજોડ હતા.
-વિજય ભટ્ટ (પ્રકાશ પિક્ચર્સ)
ચિત્રલેખા કાર્યાલયમાંથી હું તેમ જ વજુભાઈ મારી ફોટોગ્રાફીની સામગ્રી સહિત જ્યુપિટર સ્ટુડિયો ભણી ઊપડ્યા. સ્ટુડિયોમાં સમાજનું શૂટિંગ ચાલતું હતું. અભિનેતા અશોકકુમાર, દિગ્દર્શક વસંત જોગલેકર, જ્ઞાન મુકરજી હાજર હતા. વજુભાઈને જોતાં જ અશોકકુમારે હાથ લંબાવીને આવકાર્યા. અને કહ્યું, ‘કહાં હો તુમ? દિખાઈ નહીં પડતે.’ ત્યારે વજુભાઈએ કહ્યું, ‘અખબાર ચલાતે હૈં.’ મારી પાસેનાં ચિત્રલેખા, લાઈટ, બીજ, પ્રકાશનો અશોકકુમારે જોયાં, અને કહેવા લાગ્યા, ‘ભૈયા, શાદી બનાયા યા નહીં? લડકી કહાંસે લાયા? કુછ હૈ યા નહીં?’ ત્યારે વજુભાઈએ કહ્યું કે ‘ભાવનગરસે, અભી તો સિર્ફ પ્રેસિડન્ટ ઔર પ્રાઇ મિનિસ્ટર હૈ.’ ત્યારે અશોકકુમાર ખડખડાટ હસી પડ્યા હતા અને કહેવા લાગ્યા અરે, ‘હમ ભી કામ ધંધા કરતે હૈ, કુછ મિલતે ભી રહો. તાકી હમારી પુરાની દોસ્તી કી યાદ આતી રહે!’
- પૂનમ શેઠ (ફોેટોગ્રાફર)
‘નાની મોટી અનેક પ્રવૃત્તિઓને વેગ આપવામાં, ઊગતા પત્રકારોને આગળ લાવવામાં અને ચિત્રઉદ્યોગને માર્ગદર્શન આપવામાં તેમનો ફાળો નોંધનીય હતો.’
-રતિલાલ શાહ
ચારિય અને સજ્જનતાની ઊણપના આ જમાનામાં વજુ કોટક જેવો એક મહારથી ઓછો થાય એ એમના કુટુંબની જ નહીં, સારાય સમાજની ખોટ ગણાય.
- ગુણવંતરાય આચાર્ય
વજુભાઈ કોટકના લેખો અમે ‘અખંડ આનંદ’માં લીધા હતા. તેના જેવો માર્મિક અને કુશળ કટાક્ષ, ગુજરાતી સાહિત્યમાં કોઈ પણ લેખકે લખ્યો હોય, એવું મારા જાણવામાં નથી.
‘ગગનદૂત’ના લેખોમાં જે વિષય ચર્ચતા તેવું લખાણ પણ ગુજરાતી સામયિકોમાં મારા જોવામાં આવ્યું નથી. આ વિષયની ચર્ચામાંથી અમારે ઓળખ અને દોસ્તી થયેલી.
સૌથી નવા વિચારો અને વિજ્ઞાનની શોધોની જાણ સાથે, આપણા પૂર્વજોની અસાધારણ સિદ્ધિ જેને વિષે અહીંતહીં એંધાણ મળે છે એ બન્ને વાતને સાથે રાખીને ‘ગગનદૂત’ની વિચારસરણી આગળ વધતી.
- મનુ સુબેદાર (સખાવતી અને સમાજસેવક)
વજુભાઈ એમ કહેતાં મને નહીં આવડે, કારણ કે વજુ મારો ભાઈ હતો. પહેલાં એ મારો મિત્ર બન્યો, પછી પત્રકાર બન્યો અને પછી જાણે સગોભાઈ બની ગયો. ચડતીના દિવસોમાં જ નહીં, પડતીના દિવસોમાં પણ મળવા આવીને ખબર પૂછતો અને ફરી ક્યારેક આપણી ચડતી જોવાની ઝંખનારો ભાઈ હતો.
-સરદાર ચંદુલાલ શાહ (રણજિત સ્ટુડિયો)
કલમ તો અનેક લેખકો ચલાવે છે પણ એમની કલમમાં તો સ્વતંત્ર જ્ઞાન માટેનો ઉમળકો, સતત ચિંતન, સતત જાગરણ અને સતત અભ્યાસ હતા... જેમના અજંપાથી વાચકોને જંપ વળતો એ વજુભાઈ હતા.
- જિતુભાઈ મહેતા
એમની કલમની નિર્ભયતા અને નિર્દોષતા પર હું ખુશ હતો. એમની કલમ દ્વારા એ જીવન જીવી ગયા.
-ચીમનલાલ વા. શાહ (પ્રજાતંત્રના તંત્રી)
માલમૂડી વગરના, એકલહથ્થા, સાહસિક અને સાચાબોલા આ લેખકે સરકારની મહેરબાની કે સરકારી જાહેરખબરોની જરા પણ પરવા કર્યા વિના નીડરતાથી જે લખ્યું તે માનને પાત્ર છે. તેમની કલમમાં હાસ્યરસ અને કટાક્ષ ભારોભાર હતાં.
-રામુ પરમાનંદ ઠક્કર
વજુભાઈ એટલે આનંદ અને ઉલ્લાસનું જીવતું જાગતું સ્વરૂપ! પ્રખ્યાત ફિલસૂફ મોન્ટેઇને એક વખત કહેલું કે શાણપણની અતિ પ્રબળ નિશાની હોય તો તે માણસનો સતત આનંદી રહેતો સ્વભાવ! વજુભાઈની રમૂજ અને રંગીન સ્વભાવ આ કથનની મને સતત યાદ આપતા.
નવલકથાના પહેલા દૃશ્યથી માંડી અંત સુધી તેમણે આવી એક જ બેઠકમાં ચર્ચા કરી, આખું માળખું બેસાડી નાખ્યાના દાખલા પણ ઘણા છે. લેખોના લેખો અને વાર્તાની વાર્તાઓ તેઓએ આવી ચર્ચા દરમિયાન સર્જી હોવાનું પણ બન્યું છે.
વજુભાઈને હંમેશા ‘હું’ કરતાં ‘આપણે’ શબ્દ-પ્રયોગ વધારે પસંદ હતો. એ રીતે તેઓ બધાને પોતાની સિદ્ધિઓમાં ભાગીદાર બનાવી આત્મીયતા સાધતા.
- હરીશ બૂચ
‘વજુભાઈ! તમારે હવે એવી નવલકથા આપવી જોઈએ કે વિવેચકો પણ ઝૂમી ઊઠે.’
ત્યારે હસીને એ કહે :
‘સાચું કહું, હું કદી વિવેચકોનો ખ્યાલ કરતો નથી. મારા આરાધ્યદેવ છે મારા વાચકો. જે દિવસે વાચકો મને જાકારો આપશે તે દિવસે હું લખવાનું બંધ કરી દઈશ.’
‘હું જનતાનો લેખક છું. મારે એ લોકોને હળવું, પથ્ય અને તંદુરસ્ત વાચન આપવું જોઈએ. એ દૃષ્ટિએ જ હું મારાં પત્રો ચલાવું છું.’
એ જનતાની નાડ બરાબર પારખી જતા. એથી એમના પત્રો ચપોચપ ઊપડી જતાં. તેમના જેવો સિનેજગતનો કોઈ લોકપ્રિય પત્રકાર કે લેખક મેં જોયો નથી. એ પુરુષાર્થી પત્રકાર હતા.
-પીતાંબર પટેલ
વજુભાઈએ જ્યાં જ્યાં પગ મૂક્યો ત્યાં ત્યાં એની સુવાસ પ્રસરી હોય એવો અનુભવ એની સાથે સમાગમમાં આવેલ દરેક જણના હૃદયમાં વસી રહ્યો છે.
- મસ્તરામ પંડ્યા (ભાવનગર)
વિષય ગંભીર હોય કે હળવો, એ વિષય પાથરવાની એમની પાસે સૂઝ હતી. એમનો કટાક્ષ ગજબનાક હતો. એમની આ કલમયાત્રા માણ્યા પછી મને થયું કે આ મુસાફરને એની મંઝિલ મળી ગઈ હતી. એમની શૈલીનો હું આશક બન્યો.
-ફિલ્મસ્ટાર મોતીલાલ
નિખાલસ અને સાચી વસ્તુને હસતાં હસતાં કહી દેનારો એ માનવી એક આનંદી જીવડો હતો.
- કલાનિર્દેશક કનુ દેસાઈ
જીવનમાં કદી તેણે પૈસાનો લોભ કર્યો નથી. સ્નેહની કરકસર કરી નથી. હંમેશાં બીજાને કંઈક આપીને સંતોષ અનુભવ્યો છે. પોતા પાસે ન હોય તો બીજા પાસેથી લઈ આવીને પણ તેઓ મિત્રની જરૂરિયાત પૂરી પાડતા.
-વૃજલાલ રાડિયા
નવલકથા સાહિત્યમાં તેમણે ક્રાન્તિ સર્જી હતી. પોતાની નવલકથાઓમાં તેમણે નીચલા થરનાં પાત્રોને પણ નાયકપદ આપી જાણ્યું છે. એમની કલમ આમજનતાના હૃદય સુધી પહોંચી જતી.
-બદરી કાચવાલા
છેલ્લાં ત્રણેક વર્ષ દરમિયાન વિશ્વરહસ્યના જ્ઞાનની આપ-લે કરવામાં અમને એમના જ્ઞાનનો સાચો પરિચય થયો.
- રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ
પત્રકારિત્વમાં વજુભાઈ એટલા રત રહેતા કે ઑફિસમાં પત્રકાર, ઘરમાં પત્રકાર અને બહાર પણ પત્રકાર. એટલું જ નહીં પણ તેમણે પોતાનાં પત્ની-બાળકોમાં પણ એ સંસ્કાર રેડ્યા. કોઈ પણ જાતના યશની આશા રાખ્યા વગર સ્વકાર્યમાં મસ્ત રહીને એ પોતાની રીતે જીવતા.
- ચતુર્ભુજ દોશી
ભગીરથે હિમાલયમાંથી ગંગાને ઉતારી વહેતી કરી, પરંતુ સાહિત્યની ગંગા હજુ મહાદેવની જટામાં જ અટવાઈ રહી છે. એને લોકો માટે વહેતી કરવાનો ભગીરથ પુરુષાર્થ કરવાની આપણા સૌની ફરજ છે. આવું સાહિત્ય લોકો સુધી પહોંચાડવામાં ભાઈ વજુનો ફાળો નોંધનીય છે.
-કવિશ્રી કરસનદાસ માણેક
ગુજરાતની નવી કલમ (યુવાન લેખકો) પ્રત્યેની તેમની સહૃદયતા અનોખી હતી. નવો લેખક કેવું લખે છે એ જાણવા એ સદાય તૈયાર રહેતા અને એની કલમને ચિત્રલેખાનાં પાનાં પર અવારનવાર રજૂ કરતા. ખીલતાં ફૂલ દ્વારા એ ઊછરતી પેઢીનો ગુચ્છ ગુજરાત સમક્ષ રજૂ કરવાની હિંમત પણ સૌ પ્રથમ તો વજુભાઈએ જ કરી.
-જશવંત મહેતા
વજુ કોટકે જા-ખ ન સ્વીકારવાની જાહેરાત સાથે બીજ શરૂ કર્યું હતું. જાહેરખબર સ્વીકાર્યા વિના ખાનગી માલિકીનાં વર્તમાનપત્રોમાં એ જમાનામાં આ પગલું અજોડ હતું.
- રતિભાઈ શેઠ (જન્મભૂમિ)
ચિત્રો અને ફોટોગ્રાફીમાં વજુભાઈની દિલચસ્પી તે કાળમાં પણ સ્પષ્ટ હતી. સ્કાઉટના જેવી તત્પરતાથી એ વડીલોના ફરમાનો અદા કરવામાં એક આદર્શ વિદ્યાર્થી હતો.
-કલાગુરુ રવિશંકર રાવળ
વજુભાઈએ એકવાર મને કહ્યું હતું, ‘પ્રવીણ, તમારો ભાગ્યોદય 44-45 મેં વર્ષે થશે.’
મેં પૂછ્યું, ‘અને તમારો?’
તેમણે જવાબ ન દીધો ત્યારે મેં ફરી કહ્યું, ‘તમે તમારા વિશે તો કંઈ કહો.’
‘કંઈ નવાજૂની થશે. એ જ અરસામાં.’ તેમણે કહ્યું અને ઉમેર્યું. ‘તમારું ચુમ્માલીસમું વર્ષ બહુ સારું જશે.’
જે વરસમાં મારે વિદ્યાર્થી અવસ્થાનો દિલોજાન દોસ્ત ગુમાવવો પડે એ વર્ષ બહુ સરસ વીત્યું કેમ કહી શકાય?
વિધાતા જ્યારે વજુભાઈના વિધિલેખ લખવા આવી ત્યારે દેવી સરસ્વતી પણ સાથે આવ્યાં હતાં અને ત્યારે એમણે વજુભાઈને પોતાની ગોદમાં રમાડ્યો હતો. સરસ્વતીએ વિધાતાને પૂછ્યું, ‘કેટલાં?’
‘પિસ્તાળીસ.’ વિધાતાએ ઉત્તર આપ્યો.
આ જવાબ સાંભળીને સરસ્વતીએ તરત જ બાળકને છાતીસરસો ચાંપી લલાટે સાત ચૂમીઓ ભરી. ત્યારે વિધાતાએ સાશ્ચર્ય પૂછ્યું, ‘આમ કેમ?’
સરસ્વતીએ કહ્યું, ‘તું તો કંજૂસ છે, પણ મેં તો ન ખૂટે એટલું ભાથું બંધાવી દીધું છે.’
- ડાન્સ ડાયરેક્ટર પ્રવીણકુમાર