બાયો | સર્જકનો સહવાસ | ત્રિમૂર્તિ વજુ કોટક | વિધાતાનો સંકેત | કેમેરાના સથવારે | હું લેખક કેમ બન્યો? | સર્જન વૈવિધ્ય | સંસ્કાર ઘડતર | પત્રકારત્વની આગવી કેડી

વજુ કોટક (૧૯૧૫-૧૯૫૯) – એક પરિચય
વજુ કોટક અને ‘ચિત્રલેખા’

વજુ લખમશી કોટકનો જન્મ ગુજરાતના ભાવનગરમાં ૧૯૧૫ની ૩૦ જાન્યુઆરીએ થયો હતો. એમના જન્મના છઠ્ઠા દિવસે ભાગ્યની દેવી મનાતા ‘ચિત્રલેખા’એ વજુભાઈની ટચૂકડી હથેળીઓમાં ભાગ્યની રેખાઓ અંકિત કરી હતી. વજુભાઈનાં માતા-પિતાને પણ જાણ નહોતી કે ભવિષ્યમાં એમનો પુત્ર આ જ ‘ચિત્રલેખા’ નામે સાપ્તાહિકનું સર્જન કરશે, જે સામયિક ગુજરાતી પત્રકારત્વનો ચહેરો બદલી નાખશે.

આજે ‘ચિત્રલેખા’ ૬૭ વર્ષનું થયું છે. છ દાયકા વિતાવી ચૂકેલું, સમાચારો-લેખોથી સભર ગુજરાતી સાપ્તાહિક આજે દરેક ગુજરાતી ઘરમાં લોકપ્રિય થઈ ગયું છે. માત્ર ભારત જ નહીં, પણ દુનિયાભરમાં પ્રત્યેક ગુજરાતી પરિવારમાં ‘ચિત્રલેખા’ સામયિકે એક સ્વજન જેવું મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આજે જ્યારે અંગ્રેજી ભાષાના વ્યાપક ફેલાવા સામે પ્રાદેશિક ભાષાનાં પ્રકાશનોની હાલત કફોડી થઈ રહી છે ત્યારે ‘ચિત્રલેખા’ ૬૦ વર્ષોથી પોતાનું ગૌરવભર્યું સ્થાન જાળવી રાખવામાં સફળ થયું છે. આ બધું આભારી છે ‘ચિત્રલેખા’ના સ્થાપક વજુ કોટકની દીર્ઘદ્રષ્ટિ તથા સખત પરિશ્રમને.

વજુ કોટક દંતકથાસમા પત્રકાર અને લોકપ્રિય ઉપરાંત પ્રતિભાશાળી સ્વપ્નદ્રષ્ટા હતા. એમણે ૧૯૫૦ની ૨૨ એપ્રિલે ‘ચિત્રલેખા’ ગુજરાતી સાપ્તાહિકની સ્થાપના કરી હતી. ‘ચિત્રલેખા’ આજે જે સ્તરે પહોંચ્યું છે એ વજુભાઈની નિષ્ઠા તેમજ લાખો ગુજરાતી વાચકો તરફથી મળેલાં પ્રેમ અને લાગણીનું પરિણામ છે. અહીં એ વિશેષ ઉલ્લેખનીય રહેશે કે ‘ચિત્રલેખા’ આજે લગભગ ૨,૪૦,૦૦૦ ઘરો સુધી વાંચનસામગ્રી પહોંચાડે છે અને માટે જ એનો વાચકવર્ગ તથા લોકપ્રિયતા યથાવત્ છે.

દર શુક્રવારે ગુજરાતીઓને ‘ચિત્રલેખા’ના નવા અંકની આતુરતા રહેતી હોય છે. છેલ્લા ૬૦ વર્ષથી મુંબઈ તથા ગુજરાતમાં સૌથી બહોળો ફેલાવો ધરાવતું આ સામયિક ખૂબ સમૃદ્ધ એવા ગુજરાતી સમાજને દર શુક્રવારે સમાચારો, ઘટનાઓ, સાહિત્ય તથા સંસ્કૃતિ સહિત તમામ મોરચે માહિતગાર રાખે છે.

આપણે સૌ એ તો જાણીએ જ છીએ કે કોઈ અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચવાનું તો ઘણી વાર શક્ય બનતું હોય છે, પરંતુ કઠિન હોય છે એ ઊંચાઈ અને સ્થાન પર સતત ટકી રહેવાનું. ‘ચિત્રલેખા’ છેલ્લા છ દાયકાથી આ શિખર પર સતત બિરાજમાન રહ્યું છે.

વજુ કોટકને ફિલ્મક્ષેત્ર પ્રતિ ઘણો લગાવ હતો અને એમણે ફિલ્મ પટકથાલેખન, સંવાદ લેખન, ફિલ્મ સમીક્ષાઓ અને ફિલ્મ સામયિકના એડિટીંગ જેવી કામગીરીઓમાં પણ હાથ અજમાવ્યો હતો. તે છતાં અજંપો એમને ક્યારેય હંફાવી શક્યો નહોતો. કદાચ એટલા માટે જ કંઈક વધારે મોટું સાહસ કરવાનું એમના ભાગ્યમાં લખાયું હતું.

અને ત્યારે જ, ૧૯૫૦માં એમણે ‘ચિત્રલેખા’ નામે એક ક્રાંતિને જન્મ આપ્યો અને ત્યારે જ એમને થયું કે એમનું સપનું સાકાર થયું છે. એમને ખાતરી થઈ ગઈ હતી કે પોતે એમના જીવનપર્યંત આ સામયિકને ચાલુ રાખશે અને ભાગ્ય પણ એમને એ માટે સાથ આપશે જ. વજુ કોટક પત્રકાર ઉપરાંત લેખક પણ હતા. એમણે ૯ નવલકથા સહિત ૧૯ પુસ્તકો લખ્યા છે. ગુજરાતી માતૃભાષા માટે એમની લાગણી જ એકમાત્ર એમને માટે પ્રેરકબળ હતું. તેઓ કંઈક અનોખો ચમકારો કરવા ઈચ્છતા હતા અને એમાંથી ‘ચિત્રલેખા’ ગુજરાતીનો જન્મ થયો. ધારણા મુજબ, આ પ્રકાશનને અનેક અવરોધોનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ વજુ કોટકના દ્રઢનિર્ધાર અને નિષ્ઠાને કારણે તમામ અવરોધો દૂર થઈ ગયા હતા.

અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે મુંબઈમાં ફોર્ટ વિસ્તારમાં એક માર્ગને ‘વજુ કોટક માર્ગ’ નામ આપવામાં આવ્યું છે. આ જ વિસ્તારમાં ‘ચિત્રલેખા’ની રજિસ્ટર્ડ ઓફિસ આવેલી છે. એટલું જ નહીં, રાજકોટ અને ભાવનગર શહેરોમાં પણ એક માર્ગને મહાનગરપાલિકા સત્તાવાળાઓએ સદ્દગત વજુ કોટકનું નામ આપ્યું છે. રાજકોટમાં, ‘ચિત્રલેખા સર્કલ’ની સ્થાપના કરવામાં આવી છે.

વજુ કોટક દેખીતી રીતે જ સ્વયં એક સંસ્થા સમાન હતા. એમના વડપણ હેઠળ ‘ચિત્રલેખા’એ અનેક વિક્રમો સ્થાપ્યા છે, પછી એ પત્રકારત્વનું ક્ષેત્ર હોય, ધારાવાહિક નવલકથા હોય, નિયમિત હાસ્ય કટાર હોય (જે છેલ્લાં ૪૦ વર્ષથી અવિરત ચાલે છે) અથવા બીજી ઘણી વાંચનસામગ્રી હોય. ‘ચિત્રલેખા’ સાથે એવી અનેક ઘટનાઓ સંકળાયેલી છે જે પરિકથા જેવી લાગે અને એનું વર્ણન કરવા માટે પાનાંઓનાં પાનાંની જરૂર પડે.

અહીં પ્રાદેશિક પત્રકારત્વની પણ વાત કરવી છે. ‘ચિત્રલેખા’ જેવા પ્રાદેશિક પબ્લિકેશન્સ સમાચારો અને માહિતીને દેશના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચાડવા માટે બહોળી ભૂમિકા અદા કરે છે. આમ કરીને તે સામાજિક જવાબદારી અદા કરે છે. જ્યાં ખૂબ જરૂર છે એવા સેમી-અર્બન તથા ગ્રામીણ વિસ્તારોમાં લોકોનાં સશક્તિકરણમાં પણ આવાં પ્રકાશનો ચાવીરૂપ સાબિત થાય છે. આમ કરીને તેઓ એવા વિસ્તારોમાં રોજગારની તકોનું નિર્માણ કરવામાં પ્રશાસનને મદદરૂપ થાય છે.

ખૂબ જ દ્રઢ મનોબળ ધરાવતા એવા વજુ કોટકે ૧૯૫૯ની ૨૯ નવેંબરે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ એમનાં ટૂંકા જીવનકાળમાં એક એવા સામયિકનું સર્જન કરવામાં સફળ થયા હતા જે સામયિક અંતે સમગ્ર ગુજરાતી સમાજના જીવનનો એક અંતરંગ હિસ્સો બની ગયું છે. આને સંસ્થા કહેવું એ એકદમ સાચો શબ્દ છે. આજે આ સંસ્થાએ એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. એણે ૬૦ વર્ષ પૂરા કરી લીધા છે.

આજના ઈલેક્ટ્રોનિક અને ઈન્ટરનેટના યુગમાં, ‘ચિત્રલેખા’ વધુ ને વધુ સારું બની રહ્યું છે એ જોઈને ઘણા વ્યાપાર નિષ્ણાતો ચકિત થઈ ગયા છે. ફરીવાર અહીં કહેવું જરૂરી છે કે આ ઝળહળતી સફળતાનો યશ જાય છે વજુ કોટકને.