વિધાતાનો સંકેત
માણસ જીવનમાં જે કરી બતાવવાની મહત્ત્વાકાંક્ષા સેવતો હોય એ સાકાર ન થાય અને તેને બદલે બીજું જ કાંઈ કરવાની ફરજ પાડતા સંજોગો આવી પડે ત્યારે માણસ નિરાશ થઈ જાય એવું સામાન્ય રીતે જોવા મળે છે. ઘણીવાર બદલાયેલા સંજોગોમાં માણસ ધારી સિદ્ધિ-સફળતા મેળવી શકતો નથી. આવા વખતે માણસ નસીબને દોષ દેતો થઈ જાય છે. પરંતુ મહત્ત્વાકાંક્ષા સિદ્ધ કરવા પરિશ્રમ કરતા લાખો લોકોમાં કોક વિરલો એવો નીકળી આવે છે જે વિધાતાએ ગોઠવેલી બાજી રમતાં રમતાં અખૂટ ધીરજ, ધગશ અને પુરુષાર્થ દ્વારા એવી ઝળહળતી સિદ્ધિ મેળવી લે છે જે જોઈને ખુદ વિધાતાની આંખો અચરજથી પહોળી થઈ જાય.
‘ચિત્રલેખા’ અને ‘જી’ના સ્થાપક-તંત્રી વજુ કોટક આ બીજા વર્ગના પુરુષાર્થીઓમાં આવે છે. રાષ્ટ્રશાયર મેઘાણીની યૌવનની વ્યાખ્યા ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, વણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ — વજુ કોટકનાં જીવન અને કારકિર્દીમાં અક્ષરશ : પુરવાર થતી જોવા મળે છે. રાજકોટમાં જન્મીને બાળપણ વિતાવી ભાવનગરમાં ઘડાઈને મુંબઈ આવેલા વજુ કોટક મૂળ તો ફિલ્મ સૃષ્ટિમાં કંઈક કરી બતાવવા થનગનતા હતા. એન. આર. આચાર્ય, મહેબૂબ ખાન અને રામચંદ્ર ઠાકુર જેવા ધુરંધર નિર્દેશકો સાથે કામ કરવાની તેમને તક પણ મળેલી. ફિલ્મ નિર્દેશક બનવાની પોતાની ઇચ્છા સાકાર થઈ રહી છે એવું વજુભાઈને લાગ્યું હશે ત્યાં જ વિધાતાએ વજુભાઈની બાજી પલટી નાખી.
કેમેરાની પાછળ રહીને નિર્દેશન કરવાને બદલે કલમ હાથમાં લઈને સામાન્ય વાચકને નજર સામે રાખીને લખવાની પરિસ્થિતિ સર્જાઈ. પલટાયેલા સંજોગોને કંઈક નવું કરી બતાવવાનો પડકાર ગણી વજુભાઈએ કલમકસબી તરીકે પણ આગવી કાબેલિયત પુરવાર કરી.
ફિલ્મોની પટકથા લખતાં લખતાં અને નિર્દેશન શીખતાં શીખતાં વજુભાઈએ પોતાની કલમ અન્ય સામગ્રી તરફ વાળી. તેમણે પત્રકારત્વનો અનાયાસે આરંભ કર્યો. એ જમાનામાં ગુજરાતી સામયિકો સંપૂર્ણપણે સાહિત્યિક હતાં અથવા પૂરેપૂરા ફિલ્મ મેગેઝિન હતાં. બચુભાઈ રાવતું ‘કુમાર’, ચાંપશીભાઈ ઉદ્દેશીનું ‘નવચેતન’, ગઝલ સમ્રાટ શયદાનું ‘બે ઘડી મોજ...’ આ બધાં સાહિત્યિક મેગેઝિનો હતાં. ‘ચિત્રપટ’, ‘વેણી’, ‘છાયા’ વગેરે ફિલ્મ મેગેઝિનો હતાં. નાટ્યકાર-પત્રકાર અદી મર્ઝબાનનું ‘કાતરિયું ગેપ’ તથા શનિનું ‘ચેતમછંદર’ હળવાં સામયિકો હતાં.
આ બધાં સામયિકોની વચ્ચે રહીને નવું સામયિક પ્રગટ કરતી વેળા આ બધાએ મેળવેલી વધતી ઓછી સફળતાની ફોર્મ્યુલાને અપનાવ્યા વિના આગળ વધવાનું વજુ કોટકનું સ્વપ્ન હતું. સામયિકના નામથી માંડીને તેમાં પ્રગટ થનારી સામગ્રી, બધું જ તત્કાલીન સામયિકો કરતાં તદ્દન અલગ રાખવાનો તેમનો સંકલ્પ હતો. એ સંકલ્પમાંથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિકનો જન્મ થયો. જરાય અતિશયોક્તિ વિના એમ કહી શકાય કે ‘ચિત્રલેખા’ સાથે ગુજરાતી પત્રકારત્વમાં નવા યુગનો સૂર્યોદય થયો. દેશ આઝાદ થવા સાથે કેળવણી, કલા, સમાજવ્યવસ્થા અને પ્રચાર માધ્યમો માટે વિકાસની નવી ક્ષિતિજો ઊઘડી રહી છે એનો બહુ વહેલો અણસાર વજુભાઈને આવી ગયેલો. આઝાદીની હવામાં ઊછરતી નવી પેઢીને શું વાંચવું ગમશે, વર્તમાન પેઢીનાં રસ-રુચિ કેવી રીતે ઘડવાં તથા વડીલો કેવાં સામયિકોને વિના વિરોધે ઘરમાં આવવા દેશે? આ બધા સવાલો વિશે સતત ચિંતન-મનન કરીને તેમણે ‘ચિત્રલેખા’નું ક્લેવર ઘડ્યું. એમાં સાંપ્રત રાજકારણ, પ્રાસંગિક લેખ, હળવો લેખ યા કટાક્ષકથા, વાર્તાઓ, કાર્ટૂનો તથા અલગ શૈલીમાં લખાતાં સિને અવલોકનો તો હતાં જ. પરંતુ બીજાં મેગેઝિનો કરતાં જુદો પડતો વિભાગ એટલે માહિતી લેખો. સૃષ્ટિમાંના કોઈ પણ વિષય પર માહિતી લેખ બનાવવો અને વિષયને અનુરૂપ ચિત્રો-તસવીરોથી એને સજાવવો એ આખો વિચાર જ ગુજરાતી પત્રકારત્વમાં વજુ કોટક લઈ આવ્યા.
પરંતુ આ તો સિક્કાની એક બાજુ થઈ. બીજી બાજુ પણ એટલી જ રસપ્રદ છે. ‘ચિત્રલેખા’માં પ્રગટ થતી દરેક સામગ્રી ખપ પૂરતું વાંચી-લખી શકતા સામાન્ય માણસને સમજાય એવી સરળતાથી રજૂ કરવાનો પણ તેમનો આગ્રહ રહેતો. સરળ લખવું એ કદાચ સૌથી મુશ્કેલ કામ છે. સરળ અને પાછું રોજબરોજની બોલચાલની ભાષામાં રજૂ કરવું એ એથીય મુશ્કેલ છે. વજુ કોટકે એ કરી બતાવ્યું. એમની ઝળહળતી સફળતાના પાયામાં આ સરળતા મહત્ત્વનો ફાળો આપી ગઈ. એ જ રીતે છપાતી માહિતી ખંડનાત્મક (નેગેટિવ) નહીં, રચનાત્મક (પોઝિટિવ) હોવી જોઈએ. કોઈનો ઇન્ટરવ્યૂ હોય તો એ વ્યક્તિની ખૂબીઓ પર વધુ ભાર મૂકવો એવી વજુભાઈની નીતિ હતી. ટીકા જરૂરી હોય તો એ પણ રચનાત્મક હોવી ઘટે એવું એ દૃઢપણે માનતા. ટૂંકમાં, સરળ ભાષામાં, પ્રવાહી શૈલીમાં, ચિત્રો-તસવીરોથી સજાવીને કંઈક નવી રચનાત્મક જાણકારી આપવાનો તેમનો દૃષ્ટિકોણ હતો. એ દૃષ્ટિકોણ આજ સુધી જળવાઈ રહ્યો છે. માનવરસનો ભાગ્યે જ એવો કોઈ વિષય હશે જેના પર ચિત્રલેખામાં માહિતી લેખ પ્રગટ ન થયો હોય. જરા જુદી રીતે કહેવું હોય તો નેશનલ જ્યોગ્રાફિકનું વિષય વૈવિધ્ય અને ઊંડાણ, રિડર્સ ડાયજેસ્ટ જેવી ગુણગ્રાહિતા અને સરળતા તથા લાઇફની ચિત્રાત્મકતા ત્રણેનો ચિત્રલેખામાં ત્રિવેણી સંગમ થયો. આજે અંગ્રેજી અને લગભગ બધી ભારતીય ભાષાઓમાં માહિતી લેખોનાં સંખ્યાબંધ મેગેઝિનો છે, પરંતુ ભારતીય પત્રકારત્વમાં એનો પાયો વજુ કોટકે નાખ્યો હતો.
પત્રકારત્વની જેમ ગુજરાતી નવલકથા ક્ષેત્રે પણ વજુ કોટકે નવો પરંતુ સફળ પ્રયોગ કર્યો. નવલકથાની કથનશૈલીમાં તેમણે એક ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું. વજુ કોટકે નવલકથા લખવી શરૂ કરી ત્યારે કનૈયાલાલ મુનશી, ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, ચુનીલાલ મડિયા, ગુણવંતરાય આચાર્ય અને યુગસર્જક રમણલાલ વસંતલાલ દેસાઈની સર્જનયાત્રા હજુ ચાલુ હતી. આ દરેક સર્જકની પોતાની આગવી વિશેષતા હતી, અનોખો વાચક વર્ગ હતો અને છતાં વજુ કોટકે નવલકથા લખવી શરૂ કરી એ સાથે દેશવિદેશના હજારો વાચકો તેમના પણ ચાહક બની રહ્યા. એનું કારણ એવું જણાય છે કે નવલકથા રજૂ કરવાની, વાર્તા કહેવાની તેમણે ખાસ શૈલી કેળવી. વજુભાઈની મોટા ભાગની નવલકથાઓ અગાઉ ફિલ્મ રૂપે રજૂ થઈ ગયેલી. એ ફિલ્મોની પોતે લખેલી પટકથા અને સંવાદોને પાછળથી તેમણે ફિલ્મનાં દૃશ્યોની જેમ નવલકથા સ્વરૂપે રજૂ કર્યાં. એટલે એ નવલકથાનો આકાર એવો બની રહ્યો કે વાચકને આખી કથા કલ્પનાચક્ષુ દ્વારા ચિત્ર રૂપે દેખાતી જાય. આ ચિત્રાત્મક કથનશૈલી, સરળ ભાષા અને સચોટ સંવાદોને કારણે વજુભાઈની નવલકથાઓ ખૂબ લોકપ્રિય થઈ. આજે આટલાં વર્ષો પછી અને સંખ્યાબંધ આવૃત્તિઓ છપાયા પછી પણ વજુ કોટકની નવલકથાઓની મોટી માગ છે એ તેમની કલમની લોકપ્રિયતાનો પુરાવો છે. કહેવાનો ભાવાર્થ એ કે ગુજરાતી નવલકથા ક્ષેત્રે પણ તેમણે કથનશૈલી બદલવામાં પાયાનું કામ કર્યું.