સંસ્કાર ઘડતર
બાર તેર વરસનો તરવરિયો એક કિશોર ભાવનગરના કેળવણીકારને ત્યાં જઈ પહોંચ્યો. સફાઈદાર ભાષામાં છતાં પૂરતા વિનયવિવેકથી પોતાનો પરિચય અને સાથે લાવેલી ભલામણ ચિઠ્ઠી પેલા મુરબ્બીને આપી. ચમકદાર અને લક્ષ્યને આરપાર જોઈ લેતી આંખો, તેજસ્વી મુખાકૃતિ, બોલવા-ચાલવાની ઢબછબ, ધમધમતી ચાલ તેમ જ હાથમાં બંસી! આખું વ્યક્તિત્વ વિશિષ્ટ! પહેલી જ મુલાકાતમાં પારકાને પોતાના કરી લેવાની શક્તિ એટલે વજુ કોટક.
મધ્યમવર્ગી પરિવારમાં જન્મેલા વજુ કોટકે પોતાનું વ્યક્તિત્વ, વિચારો, લેખનશૈલી, કારકિર્દી અને જીવનશૈલી બધું જ આપબળે ઊભું કર્યું હતું. સંગીતની સાધના પણ આપમેળે કરેલી. શાળાના અભ્યાસ કરતાં પ્રકૃતિ ખોળે રમવામાં એને વધુ મજા પડતી. તનનો અને મનનો વિકાસ વજુએ જાતમહેનતથી સાધ્યો હતો.
ગાંધીજીના સ્વાતંય સંગ્રામના એક બહાદુર સિપાહી સરદાર પૃથ્વીસિંહ એ દિવસોમાં ભાવનગરમાં છૂપા વેશે રહેતા. ઊગતી પ્રજાને ખડતલ બનાવવા એ વ્યાયામશાળા ચલાવતા. વજુ કોટક એ વ્યાયામશાળામાં તેમ જ અખાડામાં જતા. સખત પરિશ્રમ તથા વ્યાયામ કરીને તેમણે શરીરને કસાયેલું બનાવ્યું. નિર્ભયતા પણ એવી જ. માત્ર શરીર સ્નાયુબદ્ધ હોય, પરંતુ વ્યક્તિ પોતે સ્વભાવે ભીરુ હોય તો કશું વળે નહીં. વજુભાઈ ડરપોક નહોતા. કસોટીના પ્રસંગોએ તેમની નિર્ભયતા પુરવાર થઈ છે. માત્ર કસોટી કરવાના ઉદ્દેશથી વજુભાઈ પર હુમલો કરનારા મિત્રો-મુરબ્બીઓ ડઘાઈ જાય એવી ધીરજ તથા સ્વસ્થતાથી હુમલાખોરને તેમણે પછાડ્યો છે. એ જ રીતે હાઇસ્કૂલમાં પ્રિન્સિપાલના અન્યાયી હુકમો સામે આંદોલન ચલાવવામાં પણ એ મોખરે રહે છે. દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવનાથી માતાપિતાની પરવાનગી વિના ઘર છોડીને રાષ્ટ્રપિતા ગાંધીજી પાસે નાસી છૂટવામાં પણ નિર્ભયતા તેમ જ સાહસવૃત્તિ જ નજરે પડે છે.
ભાવનગરમાં બાળવયના વજુને જોનારા મિત્રો-સ્નેહી-સ્વજનોને વજુ કોટકનું એક વ્યક્તિચિત્ર ખૂબ યાદ રહી ગયું છે. કોઈ ચાંદની રાતે તખ્તેશ્વરની ટેકરી ચડીને મહાદેવના મંદિરમાં બેસી બંસી પર કોઈ મનોહર સુરાવલિ છેડતો વજુ! વજુ કોટકની વાંસળી સાંભળનારા સૌ કોઈ એક વાત કહ્યા વિના રહી શકતા નથી અને તે એ કે ‘ભગવાને એની ફૂંકમાં ગજબની મીઠાશ ભરી હતી.’ ક્યારેક કોઈ સરખી ઉંમરના મિત્ર સાથે ભાવનગરની સાંકડી ગલીઓમાં મોડી રાત્રે ચાલતાં ચાલતાં એ બંસી છેડતા. કલમની જેમ બંસીનો સાથ તેમણે જીવનભર જાળવી રાખ્યો. ચિત્રલેખાનું કાર્યાલય હોય કે કોઈ ફિલ્મનો સેટ હોય, મિત્રોની મિજબાની હોય યા ટ્રેનનો પ્રવાસ બંસી તો સાથે ને સાથે જ.
અન્ય એક મિત્રે નોંધ્યું છે તેમ વજુ કોટકની વાચનભૂખ જબરદસ્ત હતી. જ્યારે જુઓ ત્યારે કાંઈ ને કાંઈ વાંચતા હોય. વાચનની ઝડપ પણ કેવી! કલાકો સુધી એક બેઠકમાં એક પુસ્તક પૂરું વાંચી લીધા પછી એ પુસ્તકને ભૂલી જાય એ વજુ કોટક નહીં. દોસ્તો-મિત્રોને એ પુસ્તક વાંચવાની ભલામણ કરે. પોતાની નોંધપોથીમાં એ પુસ્તકની ખૂબી-ખામી ટપકાવી લે. ક્યારેક કોઈ પુસ્તક આખે આખું યાદ રાખી લે. સ્કૂલની વાર્ષિક પરીક્ષામાં પેલા પુસ્તકમાંના પોતાને ગમતા વિચારો લખી નાખે. એકવાર ઇતિહાસના પેપરમાં પંડિત સુંદરલાલજીના ‘પરાધીન ભારત’ પુસ્તકની વાતો લખી આવ્યા. વાસ્તવમાં બ્રિટિશ સરકારે આ પુસ્તક પર પ્રતિબંધ લાદીને એ જપ્ત કરી લીધેલું. સ્વાભાવિક રીતે જ વજુ કોટકે સરકારે ભણાવેલા ઇતિહાસની જગ્યાએ પંડિત સુંદરલાલજીના રાષ્ટ્રીય ઇતિહાસને રજૂ કરેલો.
કોટકના વ્યક્તિત્વનું એક વિરલ પાસુ તેની પરગજુ વૃત્તિ છે. પોતાની અગવડ કરતાં પારકાની મુશ્કેલી જોઈને તેમનું હૈયું દ્રવી ઊઠતું. અરે, સાવ અજાણ્યા માણસની આપત્તિ પણ એ સહન કરી શકતા નહીં. ઘેરથી તૈયાર થઈને નીકળ્યા હોય ને રસ્તામાં કોઈ ટાઢે ધ્રૂજતો ગરીબ માણસ દેખાય તો પોતે પહેરેલા ખમીશ કે કોટ એને પહેરાવીને ચાલતી પકડે. ઘેર પાછા આવે અને સ્વજનો પૂછે કે કોટ ક્યાં ગયો? ત્યારે જવાબ મળે કે મારગમાં એક ગરીબ મળ્યો, એને મારા કરતાં વધુ જરૂર હતી એટલે આપી દીધો. કપડાં તો કપડાં, કાંડા ઘડિયાળ કે ફાઉન્ટન પેન પણ કેટલાય મિત્રો-સ્નેહીઓને આપી દેતા. કોઈ મિત્ર તેમની કાંડા ઘડિયાળ કે ફાઉન્ટન પેનના વખાણ કરે કે તરત ‘તમને ગમે છે? તો લઈ જાઓ’ કહીને આપી દેતા. ચિત્રલેખા સાપ્તાહિક શરૂ કર્યા પછી તો આવું અવારનવાર બનતું. શહેરમાં ફરવા નીકળ્યા હોય, અચાનક આર્થિક મુશ્કેલીનો ભોગ બનેલો કોઈ લેખક મળી જાય તો ‘હું તમને કેટલાય દિવસથી ગોતતો’તો. સારું થયું. તમે મળી ગયા. આ લો... એક વાર્તા મોકલી આપો’ કહીને એડવાન્સમાં લેખ-વાર્તાનો પુરસ્કાર ચૂકવી દેતા. આમ, પત્રકાર કે તંત્રી થયા પછી પણ વજુ કોટકમાં એક લાગણીશીલ ઇન્સાનનું હૈયું ધબકતું હતું.
એકવાર ચિત્રલેખાના સહકાર્યકર પર કોઈનો ફોન આપ્યો. ફોન પૂરો થયા પછી પેલા સાથીના ચહેરા પર થોડી હતાશા ફરી વળી એ વજુ કોટકની ચકોર નજરે પકડી પાડ્યું. વાતવાતમાં જાણી લીધું કે એક આશાસ્પદ વિદ્યાર્થીની કારકિર્દી નાણાકીય સમસ્યાને કારણે રોળાઈ જતી હતી. પોતે તો એ વિદ્યાર્થીને દીઠેય ઓળખતા નહોતા. છતાં કોટકે એ વિદ્યાર્થીની કૉલેજની ફી તરત મોકલી આપી.
અને આ બધી વિશેષતા કરતાં અદકેરો ગુણ સતત હસતા રહેવાનો છે. હૈયામાં ભલે કોઈ કામ પૂરું કરવાની ચિંતા હોય, વજુ કોટકનો ચહેરો તો સદાય હસતો જ રહેતો. કવિ સ્વપ્નસ્થ જેવા મિત્રો તો આ જ કારણે વજુ કોટકને ખુશાલચંદ કહેતા. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ હસતા રહેવાની વિશેષતાને કારણે જ તેઓ સદા સફળતાને વરતા. તેમનો આ ખુશમિજાજ તેમનાં લખાણોમાં અચૂક ડોકાયા કરે છે.