સર્જકનો સહવાસ - મધુરી કોટક
સુંદર પ્રભાતે પક્ષીઓનો મધુર કલરવ ગુંજી રહ્યો છે. ફળિયામાં કૂકડા-કૂકડીઓ જાણે સંતાકૂકડી રમે છે અને બહુ જ નાનકડાં તેમનાં બચ્ચાં તેઓની વચ્ચે વચ્ચે દોડાદોડ કરતાં અટવાય છે. પરોઢિયે ચાર વાગે મીઠી નીંદરમાં બંસરીના સૂર સંભળાય છે. જાગી જવાને બદલે બંધ આંખે પડી રહીને એ મધુર સૂર માણવાનું મન થાય છે. પણ અચાનક સૂર બંધ થતાં એ બંસરીનો જ સ્પર્શ મારી પીઠ પર થાય છે અને હું સફાળી પડખું ફેરવીને જોઉં છું તો હોઠ પર શરારતી મુસ્કાન સાથે કોટક મને કહે છે, ‘મધુ, ઊઠ હવે, નહીંતર આ બંસરી બે રીતે વાગી શકે છે!’
સવારના ‘મોર્નિંગ વૉક’ માટે જવાનો અમારો નિત્યક્રમ. ચા પીતાં પીતાં આખા દિવસનો કાર્યક્રમ ઘડવાનો. વધુ તો તેમના કયા લેખની પહેલા જરૂર છે, દિવસ દરમિયાન કોને મળવાનું છે, કોણ કોણ મળવા આવવાનું છે, એવો આખા દિવસનો પ્લાન બનાવી લેવા જરૂરી રહેતો. કારણ એ લખવા બેસે એ દરમિયાન બીજા કોઈ વિષયની વાતચીત પર ચર્ચા નહીં કરવાની એવું નક્કી કરેલું.
મોર્નિંગ વૉકની જેમ સાંજે પણ બાળકોને લઈ અચૂક દરિયા કિનારે જવાનું. કેમેરા પણ સાથે હોય તેથી થોડી ફોટોગ્રાફી પણ મને શીખવા મળી જાય. મૌલિક, બિપીન અને રોનક રેતીમાં રમવામાં મશગૂલ થઈ જતાં અને અમે કુદરતમાં ખોવાઈ જતાં ત્યારે પણ કોટકને નવલકથામાં મૂકવાની ઉપમાઓ સ્ફૂરતી. એ બોલ્યે જાય અને હું મુગ્ધ બની સાંભળતી જાઉં. મને સાંભળવામાં ખૂબ આનંદ આવતો.
સાંજ પડી ગઈ છે. દરિયાનાં મોજાંનું ધીમું ધીમું ગુંજન સંભળાય છે. અસ્ત થતા સૂર્યને એકીટસે નિહાળું છું ત્યાં કોટક પૂછે છે, ‘મધુ, તને શું વિચાર આવે છે આ સંધ્યાના રંગ જોઈને?’
મોટા ભાગના લોકો ‘સૂર્યાસ્ત થયો એટલે ઘેર જવાનો સમય થયો’ એવું વિચારે તેવો મારો પણ પ્રતિભાવ હોત છતાં એમના રણકાથી મને જાણે પ્રેરણા મળી હોય તેમ મેં કહી દીધું, ‘સૂરજ તેના કિરણો દ્વારા ધરતીને સપ્તરંગી ચૂંદડી ઓઢાડી કપાળમાં પોતે ચાંદલાની જગ્યાએ સુંદર રીતે ગોઠવાઈને જાણે ધરતીને સુહાગ અર્પી રહ્યો છે!’
‘સરસ!’ કોટકે કહ્યું. બીજી રીતે વિચારીએ તો સૂરજ જતાં જતાં પ્રેમના પ્રતીક રૂપે ધરતીને ચુંબન કરી ચાલ્યો જાય છે. પણ તેના હોઠની લાલી મૂકતો જાય છે જેને આપણે કહીએ છીએ.
‘વાહ, શું સુંદર સંધ્યા ખીલી છે!’
કુદરત સાથે કોટકનું સ્વરૂપ એટલું સુંદર ખીલે કે આપણને લાગે જાણે નિજાનંદની મસ્તીમાં કોઈ અલૌકિક દુનિયામાં એ સફર ન ખેડી રહ્યા હોય!
મુંબઈના ઉપનગર માટુંગાના રામરાવ સદનના ભોંયતળિયે પાંચ નંબરની અમારી નાનકડી રૂમના 6 × 10 ના ઓટલા ઉપર પાર્ટિશન કરાવી કોટકની ‘લખવાની રૂમ’ બનાવી હતી. દરવાજાની એક સાઈડ પર એમનું ટેબલ અને સામી તરફ બેઠક. બુદ્ધની મૂર્તિ હંમેશાં એમના ટેબલ પર બિરાજમાન રહેતી. બાજુમાં અગરબત્તી અને મોગરાના ફૂલના પમરાટ સાથે તેમનું લેખનકાર્ય શરૂ થતું.
કોટક નવલકથા લખવા બેસે એટલે કલાક દોઢ કલાકે તેમના ટેબલ પાસે હું ચાનો કપ લઈને ટેબલ પાછળ ઊભી રહું. એકવાર મેં જોયું તો કોટકે પોતાની લખવાની ધૂનમાં સિગારેટને બદલે મોઢામાં દીવાસળી મૂકી છે અને બીજી કાંડી પેટાવી એ કાંડીને સળગાવવા જતા હતા એટલે મારાથી ‘અરે અરે, કોટક!’ બોલતાં ચાનો કપ જરા જોરથી ટેબલ પર મુકાઈ ગયો. અવાજ થતાં એમને લખવામાં વિક્ષેપ પડ્યો. છતાં મરકતા મરકતા કોટક બોલ્યા : ‘મધુ, તેં મારા બધાં સગાંવહાલાં (નવલકથાનાં પાત્રો)ને ભગાડી મૂક્યાં. પણ વાંધો નહીં, પ્રકરણ પૂરું થવાની તૈયારીમાં જ છે. ચાલ બેસ, જો કેવું લખાઈ રહ્યું છે સાંભળ.’ અને એ એમની આગવી સ્ટાઈલથી પ્રકરણ વાંચી સંભળાવે પછી પ્રતિભાવ પણ માગે ત્યારે હું આનંદના આવેશથી સ્તબ્ધ બની જતી. જો કે મને પણ કોટક લખતા જાય અને હું ટુકડે ટુકડે વાંચતી જઉં એવું વ્યસન થઈ ગયેલું. એ ચેપ્ટર પૂરું લખી લે પછી મને વાંચવા મળે ત્યાં સુધી ધીરજ જ ન રહેતી... અને એવી જ હાલત વાચકોની હતી.
કોઈ ઘટનાના એક કણમાંથી નવલકથાનું વટવૃક્ષ ઊભું કરી દેવાનું મુશ્કેલ કાર્ય એમની કલમ સહજપણે કરી શકતી. કલકત્તાથી એક ચંદારાણાભાઈએ 2 × 2 ઇંચની છાપાની કાપલી મોકલીને લખ્યું હતું કે આ સત્ય ઘટનાને આધારે આપ નવલકથા ન લખી શકો? અને ‘ડૉક્ટર રોશનલાલ’ નવલકથાનો જન્મ થયો.
એકવાર અમે શહેરમાં એમ જ ફરવા નીકળેલાં ત્યારે એક ભિખારીના કિસ્સા પરથી ‘માનવતાનો મહેરામણ’ નવલકથા સર્જાણી.
શરૂઆતની નવલકથાનાં નામ કેવી રીતે પડ્યાં તે વાત પણ રસપ્રદ છે.
પ્રકાશક એન. એમ. ઠક્કર કોટકની સૌથી પહેલી નવલકથા ‘રમકડાં વહુ’ તૈયાર કરી રહ્યા હતા. પુસ્તકના શરૂનાં પાનાંમાં લખવા માટે પૂછ્યું : ‘વજુભાઈ તમારા આગામી પુસ્તકોનાં નામ લખાવો.’
આ સાંભળીને કોટકને ખૂબ હસવું આવ્યું. જવાબ આપ્યો : ‘નંદલાલભાઈ, ભવિષ્યની વાત અત્યારથી જ કરવી તે યોગ્ય નથી. પુસ્તકો પ્રગટ કરવાનો મોહ રાખ્યો હોત તો મેં ઘણાં વર્ષો પહેલાં આ કાર્ય શરૂ કરી દીધું હોત. મને એમાં રસ નથી. એવું મેં કદી વિચાર્યું જ નથી.’
છતાં નંદલાલભાઈએ આગ્રહ રાખ્યો કે આ એક પ્રણાલી છે અને આપણે લીસ્ટ લખીએ તો સારું. ‘બોલો, અત્યાર સુધીમાં તમે શું શું લખ્યું છે?’
‘મેં હજુ કંઈ લખ્યું જ નથી. રમત કરતાં કરતાં આ ‘રમકડાં વહુ’ લખી અને તમે પુસ્તક બનાવ્યું.’
‘કેમ તમે પ્રભાતનાં પુષ્પો, કરસનકાકા, ટૂંકી વાર્તાઓ અને હાસ્યલેખો નિયમિત લખો છો ને?’
‘તેથી શું થઈ ગયું! એ તો બધું છૂટક છૂટક. એના તે વળી પુસ્તકો થતાં હશે?’
‘હા જરૂર થાય...’
‘હું લખવા નથી માગતો. તમારે જેટલાં નામ લખી નાખવા હોય તેટલાં લખી નાખો પણ એ પ્રમાણે પુસ્તકો પ્રગટ થશે કે કેમ તે હું કહી શકતો નથી.’
...અને નંદલાલભાઈ ઠક્કરે કોટકની સર્જનશક્તિ પર વિશ્વાસ રાખીને જેકેટમાં અંદર છાપી નાખ્યું : હવે પછી લેખકના પ્રગટ થનારાં પુસ્તકો : ‘પ્રભાતનાં પુષ્પો’, ‘કરસનકાકા’ (શહેરમાં ફરતાં ફરતાં), ‘બુદ્ધિના બ્રહ્મચારી’, ‘જુવાન હૈયાં’ અને ‘ઘરની શોભા’.
કોટકની હયાતીમાં ‘રમકડાં વહુ’, ‘જુવાન હૈયાં’, અને ‘ઘરની શોભા’ પ્રગટ થઈ ચૂકી હતી. ‘આંસુનાં તોરણ’ બાઈન્ડિંગ થઈને બંડલો પડ્યાં હતાં. કારણ, જેકેટ તૈયાર થઈ રહ્યું હતું. પુસ્તકાંના જેકેટ એલ. એમ. પોમલ તૈયાર કરે એવો કોટકનો આગ્રહ રહેતો.
ત્યાર પછીની નવલકથા સળંગ છાપવાની હોવાથી તેનાં પુસ્તકો એક પછી એક પ્રગટ થયાં. એમનાં છૂટક છૂટક લેખો પુસ્તકરૂપે પ્રગટ કરવાનું કામ ઘણી મહેનત અને સમય માગી લે એવું હતું.
હું અને હરકિસનભાઈ પ્રાસંગિક લખાણ સિવાયના લેખોનું સંકલન કરવા માંડ્યાં. ત્યારે ‘ધોંડુ-પાંડુ’, ‘શહેરમાં ફરતાં ફરતાં’, ‘ચંદરવો’, ‘ગલગોટા’ પુસ્તકો તૈયાર કર્યાં. અને છેવટે ‘પ્રભાતનાં પુષ્પો’નો સંગ્રહ 1966માં પ્રગટ થયો. શરૂઆતમાં અશક્ય લાગતું કામ કોટકની પ્રેરણાથી શક્ય બન્યું હશે!