‘સ્વાતિ, હું આજે તારી સામે એક કબૂલાત કરવા માંગુ છું.’ વિપુલે અમદાવાદના પરિમલ ગાર્ડનમાં વૃક્ષના છાયામાં તેના ખભા પર માથું ઢાળીને બેઠેલી સ્વાતિના વાળમાં હાથ ફેરવતા કહ્યું.
‘શું કહેવું છું? તને કોઈ બીજી છોકરી ગમી ગઈ છે એમ?’ સ્વાતિ જરાય ગંભીર નહોતી. વિપુલ સાથે તેનો સંબંધ દિવસે દિવસે ગાઢ બની રહ્યો હતો અને તેઓ બંને નજીક આવતા જતા હતા.
‘જયારે પાર્થિવે આપણી ઓળખાણ કરાવી ત્યારે હું તારા વિષે જરાય સિરિયસ નહોતો.’ વિપુલ થોડીવાર મૌન રહ્યો અને પછી સ્વાતિએ હુંકાર કરતા આગળ બોલ્યો, ‘એક્ચુલી પાર્થિવે મને કહ્યું કે તું મારા વિષે વાત કરતી હતી તો મને થયું કે ચાલ ટ્રાઈ કરીએ. થોડા ફન માટે, કઈ લાબું વિચાર્યું નહોતું.’
‘હા, મેં જયારે પાર્થિવ સાથે ક્રિકેટના મેદાનમાં તને જોયો ત્યારે જ તને પસંદ કરી બેઠેલી. મેં જ પાર્થિવને આપણી ઓળખાણ કરાવવા કહેલું. શરૂઆતમાં તો તેની અનિચ્છા હોય તેવું લાગેલું પણ પછી મારા આગ્રહથી તેણે આપણને મળાવ્યા.’ સ્વાતિનો અવાજ ભાવભીનો થઇ આવ્યો.
‘અને ત્યારથી આપણે નજીક આવતા ગયા.’ સ્વાતિનો કોમળ હાથ પકડતા વિપુલ બોલ્યો.
‘અને હવે તો હું તારાથી જરાય દૂર રહેવા નથી ઇચ્છતી. મને ખબર જ નહોતી કે તું પણ મને આટલો પ્રેમ કરીશ.’ સ્વાતિએ પોતાનું માથું ઊંચક્યું અને વિપુલ સામે જોયું.
‘મેં પણ નહોતું વિચાર્યું. ખરેખર તો શરૂઆતમાં ઘણા સમય સુધી તને હું ટાઈમપાસ માટે જ મળતો હતો. જસ્ટ ફોર ફન, યુ નૉ.’ વિપુલ બોલ્યો.
‘ડોન્ટ સે ઈટ. એવું ન બોલ. હું તો હંમેશા તને પસંદ કરતી હતી.’ સ્વાતિએ વિપુલના ગાલ પર ચૂંટિયો ભરતાં કહ્યું.
‘પણ તને તો પાર્થિવ પસંદ કરતો હતો. એટલે જ તો તેણે આપણું ઇન્ટ્રોડક્શન કરાવવામાં વાર લગાડી. તને યાદ છે ને તારા કહેવા છતાંય તેણે કેટલો સમય લીધેલો.’ વિપુલે જૂની વાતો યાદ કરતા કહ્યું.
‘શું? પાર્થિવ મને પસંદ કરતો હતો? તેણે તો મને ક્યારેય નહોતું કહ્યું.’ સ્વાતિ માટે આ વાત નવી હતી. તેણે ક્યારેય સપનામાંયે નહોતું વિચાર્યું કે પાર્થિવ તેને પસંદ કરતો હશે.
‘જે હોય તે. પણ હવે તો આપણે એકબીજાની સાથે છીએને. તે તો ક્યારેય પાર્થિવ વિષે વિચાર્યું જ નહોતું ને એટલે હવે આપણે શા માટે તે વાતોને યાદ કરવી. ચાલ આજે ડિનર માટે હાઇવે પર જઈએ.’ વિપુલે સૂચન કર્યું.
‘ના, ડિનર આજે નહિ. પાર્થિવે મને ક્યારેય કહ્યું કેમ નહિ? એકવાર તેણે બોલવું તો જોઈતું હતું. અમે તો છ વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ અને સારા મિત્રો પણ છીએ.’ સ્વાતિ હજુ પણ એ આંચકામાંથી બહાર આવી નહોતી કે તેનો આટલો નજીકનો મિત્ર પાર્થિવ મનોમન તેને ચાહતો હતો.
‘એ થોડો વધારે સીધો છે એટલે આપણા પાર્થિવ ભાઈને એમ કે જયારે કોલેજની પરીક્ષાનું પરિણામ આવે તે દિવસે જ તને પ્રપોઝ કરે જેથી તારા અભ્યાસ પર રોમાન્સની અસર ન થાય. પણ જો ને તારા અભ્યાસ અંગે એટલું વિચારવા જતા બિચારાનો તેનો ચાન્સ જ જતો રહ્યો.’ આ બોલતા વિપુલ મશ્કરીયું હસ્યો. સ્વાતિને તે ન ગમ્યું.
‘વિપુલ, હું જાઉં છું ઘરે. મને તો કઈ સમજાતું નથી પાર્થિવ આવું કેમ કરી શકે. હું પછી વાત કરીશ તારી સાથે.’ સ્વાતિએ કહ્યું અને તે ગાર્ડનમાંથી પોતાની સ્કૂટી તરફ ઝડપથી ચાલી ગઈ. વિપુલ પણ તેની પાછળ પાછળ ચાલી નીકળ્યો.
સ્વાતિ પોતાના ઘરે જઈને પાર્થિવ અંગે વિચારવા લાગી. વિપુલ હેન્ડસમ હતો અને તેને ચાહવા લાગેલો. કોલેજમાં સૌ તેને પસંદ કરતા. પાર્થિવ પણ દેખાવડો હતો પણ થોડો સીધો અને સરળ એટલે સિરિયસ રહે. ભણવામાં ખુબ હોશિયાર અને કોઈની સાથે નાહકનો સમય ન બગાડે. જ્યારથી તે વિપુલને મળી હતી ત્યારથી તેના જીવનમાં રોમાન્સ આવ્યો હતો અને મોજમજા કરવામાં, હરવાફરવામાં જે આનંદ મળે તે વિપુલ સાથે તેને અઢળક મળતો હતો.
સ્વાતિ આ વિચારોમાં મશગુલ હતી ત્યાં તેના પપ્પા ઘરમાં આવ્યા. ‘બેટા, શું મૂંઝવણમાં છે?’ તેમણે સ્વાતિને ઊંડા વિચારોમાં પડેલી જોતા પૂછ્યું.
પિતા સાથે પ્રત્યક્ષ આ બાબતને તે ચર્ચવા નહોતી માંગતી એટલે તેણે પોતાની એક ફ્રેન્ડનું નામ લઈને પૂછ્યું.
‘મૂંઝવણ એ છે કે મારી એક ફ્રેન્ડને બે છોકરા ચાહે છે. તે અત્યારે એક ને ડેટ કરે છે પણ જેની સાથે છ વર્ષથી તેની દોસ્તી છે તે પણ તેને ચાહે છે પણ ક્યારેય કહ્યું નથી.’ સ્વાતિ હજુ પણ મૂંઝવણમાં હતી.
‘બંને છોકરાઓ તારી ફ્રેન્ડને તો ચાહે છે પણ તે કોને ચાહે છે?’ સ્વાતિના પપ્પાએ પૂછ્યું.
‘મને લાગે છે કે તે એકથી આકર્ષિત છે અને બીજાથી પ્રભાવિત છે. આજે મને કહેતી હતી કે તેને તો બંને પસંદ છે પણ અલગ અલગ રીતે. એટલે જ તો મૂંઝવણ છે કે હવે શું કરે?’ સ્વાતિએ વાતને થોડી વધારે સ્પષ્ટ કરતા કહ્યું.
‘હમ્મ, એટલે કોઈ માટે મરી મિટવા જેવી લાગણી નથી તારી ફ્રેન્ડને. તો પછી પસંદગી થોડી વધારે મુશ્કેલ છે. બંને છોકરાઓનું વર્તન તારી ફ્રેન્ડ માટે કેવું છે તેનો થોડો ખુલાસો કરે તો વધારે ખબર પડે.’ જીવનના અનુભવનો નિચોડ આજે સ્વાતિના પપ્પા આ પ્રશ્ને ઉકેલવામાં લગાવવાના હતા.
‘આશ્ચર્યની વાત એ છે કે મારી ફ્રેન્ડે જીદ કરીને જે મિત્રના પ્રેમથી તે અજાણ છે તેના જ એક મિત્ર સાથે પોતાની ઓળખાણ કરાવવા કહેલું કેમ કે તે છોકરો મારી ફ્રેન્ડને પસંદ આવી ગયેલો. પણ હવે તેને ખબર પડી છે કે તે છોકરો તો મારી ફ્રેન્ડ માટે શરૂઆતમાં સિરિયસ નહોતો. તેણે તો માત્ર ફન માટે જ મારી ફ્રેન્ડ સાથે સંપર્ક રાખેલો. પણ જે મિત્ર સાથે તે છ વર્ષથી છે તેણે પોતે મારી ફ્રેન્ડને ચાહતો હોવા છતાં તેની મુલાકાત કોઈ સાથે કરાવેલી કેમ કે મારી ફ્રેન્ડ ઇચ્છતી હતી. તે પોતે તો મારી ફ્રેન્ડને કોલેજ પૂરું થાય પછી જ પ્રપોઝ કરવાનો હતો જેથી તે છોકરીના અભ્યાસ પર અસર ન પડે.’ સ્વાતિને ખબર હતી કે હવે તેના પપ્પા કન્ફ્યુઝ થશે.
‘જો બેટા, તારી આ ફ્રેન્ડ અને તેનો પહેલો ફ્રેન્ડ અને બીજો ફ્રેન્ડ વગેરે હવે થોડું અટપટું લાગે છે. પણ ટૂંકમાં મને એટલું સમજાય છે કે પસંદગી હોય ત્યાં નહિ પણ માવજત હોય ત્યાં તારી ફ્રેન્ડે જવું જોઈએ. લાગણી તાજા તોડેલા ગુલાબના ફૂલ જેવી હોય છે તેને સૂંઘે અને પસંદ કરે તે નહિ પણ તેની માવજત કરીને સાચવે ત્યાં વધારે ટકે છે.’ સ્વાતિના પપ્પાએ કહ્યું અને બ્રીફકેસ લઈને પોતાના રૂમમાં જતા રહ્યા. સ્વાતિના મનની શંકાઓ દૂર થઇ ગઈ હતી.
(રોહિત વઢવાણા)
(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)