મહેશ ઓફિસેથી સાંજે ઘરે આવ્યો અને કપડાં બદલી કિચનમાં ગયો જમવાનું બનાવવા. સરકારી નોકરીમાં હવે કામ બહુ રહેવા માંડ્યું હતું એટલે સાંજે ઘરે આવતા સુધીમાં તે થાકી જતો. વળી, ઘરે આવીને જમવાનું બનાવવાનું અને થોડુંઘણું ઘરનું કામ પણ કરવાનું રહેતું. આજે થોડો થાક વધારે લાગેલો એટલે તેણે ખીચડી અને દહીંથી ચલાવી લેવાનું વિચાર્યું. કૂકરમાં ખીચડી ચડાવીને ડ્રોઈંગ રૂમમાં ગયો. સેન્ટર ટેબલ પર પડેલા સવારના નાસ્તાના વાસણો ઉઠાવ્યા અને રસોડામાં જઇને સિન્કમાં મૂક્યા અને પછી સોફા પર બેસીને ટીવી ચાલુ કર્યું.
આમ તેમ ચેનલ બદલી જોઈ. ન્યુઝમાં કઈ ખાસ નવું જણાયું નહીં. કેટલીક ચેનલમાં રિપીટ ફિલ્મો આવી રહી હતી. છેલ્લે બોલીવુડના ગીતોવાળી ચેનલ લગાવીને પગ લંબાવ્યા. થોડીવાર થઇ અને કૂકરની બે સીટી વાગી પછી તે રસોડામાં ગયો અને સલાડ કાપ્યું, એકાદ પાપડ શેક્યો અને ફ્રીજમાંથી ડબો કાઢીને એક કટોરામાં થોડું દહીં લીધું. થોડીવાર પછી કુકર ગેસ પરથી ઉતારી ઠંડુ થવા મૂક્યું. તે દરમિયાન વોટ્સએપના મેસેજ ચેક કરી લીધા. કેટલાક ફોરવર્ડ, ઓફિસના ગ્રુપમાં કામને લગતા અને મિત્રોના ગ્રુપમાં અમુક જોક્સ આવ્યા હતા. જલ્દીથી સ્ક્રોલ કરીને સ્ટેટસ ચેક કર્યા. અમુક લોકો કાયમ જે દિવસમાં દસ વખત સ્ટેટસ મૂકતા હતા તેમના ફિલ્ટરવાળા ફોટોઝ અને શાયરીઓ સિવાય કશું મળ્યું નહીં.
ખીચડી, દહીં, સલાડ અને પાપડ લઈને તે ડ્રોઈંગ રૂમમાં આવ્યો અને સેન્ટર ટેબલ પર ભોજન મૂકી ટીવીનું વોલ્યુમ વધાર્યું. ટીવી જોતા ધીમે ધીમે તે ડિનર કરી રહ્યો હતો ત્યાં તેની નજર સામે રાખેલા ફેમિલી ફોટો પર પડી. પત્ની શોભા અને દીકરી પ્રતિભા સાથે તાજમહેલની સામે બેન્ચ પર પડાવેલો એ ફોટો બે વર્ષ પહેલાની તેમની ફેમિલી ટ્રિપની યાદગીરી હતો. ફેમિલી ટ્રીપ જ નહિ, પણ હવે તો મહેશ માટે તે ફેમિલીની યાદગીરી બની ગયો હતો. છ મહિનાથી શોભા ઘર છોડીને ચાલી ગઈ હતી અને સાત વર્ષની પુત્રીને પણ સાથે લઇ ગઈ હતી. થોડીવાર માટે મહેશનો હાથ અટક્યો અને તે મોમાં રાખેલ કોળિયો ચાવ્યા વિના જ ગળે ઉતારી ગયો. તેની આંખો ભરાઈ આવી અને ફોટો ઝાંખો દેખાવા લાગ્યો એટલે તેણે કેમેય કરીને આંખો ટીવી પર સ્થિર કરી. ટીશર્ટની બાંયથી આંખો લૂછીને પાપડનો કટકો તોડીને મોમાં મૂક્યો.
ટીવી પર ઐતબાર ફિલ્મનું સુરેશ ઓબેરોય, ડિમ્પલ કાપડિયા અને રાજ બબ્બરનું ગીત ‘કિસી નઝરકો તેરા ઇન્તઝાર આજ ભી હૈ’ શરુ થયું. મહેશે વોલ્યુમ ઓછું કર્યું અને નીચું જોઈને જમવા લાગ્યો. થાળી, ચમચી અને ચાવવાના અવાજની વચ્ચે વચ્ચે તેના કાનમાં ગીતના શબ્દો પડી રહ્યા હતા: ‘કહાં હો તુમ કે એ દિલ બેકરાર આજ ભી હૈ…’
અને તેને યાદ આવ્યું કેવી રીતે તેનો અને શોભાનો ઝગડો થયેલો. કેવી રીતે તેણે ગુસ્સામાં આવીને કહી દીધેલું, ‘હું તારા વિના પણ જીવી શકું છું.’ અને થોડીવાર પછી શોભા અને પ્રતિભા એક નાની બેગ ભરીને ટેક્ષી બોલાવીને ઘરની બહાર નીકળી ગયેલા. મહેશ ગુસ્સામાં સોફા પર બેસીને ટીવી જોઈ રહેલો, પણ તેણે પત્ની અને પુત્રીને રોકવાની વાત તો દૂર તેમની સામે પણ નહોતું જોયું. દરવાજો ખૂલીને પછડાઈને બંધ થયો તેની પહેલા તેણે શોભાના ધ્રુસકાંનો અને પ્રતિભાનો ‘મમ્મી, પપ્પા…..’ બોલેલો અવાજ સાંભળેલો. જેવો દરવાજો બંધ થયો કે મહેશે ટીવીનું વોલ્યુમ વધારી દીધેલું.
અત્યારે તેને આ ગીત સાંભળીને યાદ આવી ગયું કે તે દિવસે પણ એ જ ગીત વાગી રહ્યું હતું! પરંતુ ત્યારે તેને શબ્દો સમજાયા નહોતા. આજે ફરીથી એ ગીત વાગ્યું તો તેને શબ્દો સીધા હૃદય પર લાગ્યા. શા માટે તેણે શોભા અને પ્રતિભાને ન રોક્યા એ દિવસે? ત્યારે તેને લાગેલું કે શોભાનો વાંક હતો, પણ હવે તે બાબત જાણે સમય સાથે ઓગળી ગઈ હતી. વાંક ગુનો જોવામાં છ મહિનાથી પોતાની પત્ની અને પુત્રીને મળવાનું તો દૂર પરંતુ તેમનો અવાજ પણ સાંભળ્યો નહોતો.
ગીત વાગતું રહ્યું અને ધીમે ધીમે મહેશ ખીચડી અને દહીંનું ભોજન કરતો રહ્યો. થોડીવાર પછી તેણે પોતાના વાસણો ઉઠાવીને રસોડામાં મૂક્યા અને હાથ ધોઈને પાણી પીધું. વાસણ ધોવાને બદલે તે હાથ લૂછીને સીધો ડ્રોઈંગ રૂમમાં આવ્યો અને ફોન ઉઠાવ્યો. વોટ્સએપ પર તેણે શોભાનો કોન્ટેક્ટ શોધ્યો. શોભાનો પ્રોફાઈલ પિક્ચર ન દેખાયો. મહેશ સમજી ગયો. શોભાએ તેણે બ્લોક કરી દીધો હતો.
તેણે ફોનબુકમાં જઈને કોલ કર્યો અને રિંગ વાગવાની રાહ જોઈ રહ્યો. થોડીવાર સુધી રિંગ ન વાગી એટલે તેના પેટમાં ફાળ પડી કે રેગ્યુલર કોલ પણ બ્લોક કરી દીધા કે શું? તેણે તો છ મહિનાથી ક્યારેય પ્રયત્ન જ નહોતો કર્યો. બે સેકન્ડ વધારે વીતી ત્યાં રિંગ સંભળાઈ એટલે તેણે થોડી રાહત અનુભવી. ત્રીજી રિંગમાં શોભાએ ફોન ઉઠાવ્યો, પણ કંઈ બોલવાનો અવાજ ન આવ્યો.
મહેશથી થોડીવાર તો કંઈ બોલાયું નહિ. બંને તરફથી શ્વાસોચ્છવાસના અવાજ આવી રહ્યા હતો. આખરે મહેશે કહ્યું, ‘શોભા, આઈ એમ સોરી. ઘરે આવી જા.’
‘તું આવીને લઇ જા. હું ટેક્ષીમાં નહિ આવું.’ શોભાએ કહ્યું.
મહેશને પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો. શોભાએ કોઈ દલીલ ન કરી, કોઈ ફરિયાદ ન કરી અને આવવા તૈયાર થઇ ગઈ.
‘શું?’ મહેશથી પૂછાઈ ગયું.
‘સાંજ પહેલા આવી જજે તો રસ્તામાં પાંવભાજી ખાઈને જ ઘરે જઈશું.’ શોભાએ કહ્યું.
‘તું ખરેખર આટલી જલ્દી માની ગઈ? મને તો લાગ્યું કે તું નહિ માને. તેં તો મને વોટ્સએપ પર બ્લોક પણ કરી દીધો છે.’ મહેશ મૂર્ખની જેમ ફરીથી પૂછી બેઠો.
‘તે ક્યારેય ટ્રાય જ નહોતી કરી તો તને કેમ ખબર કે હું કેટલીવારમાં માનીશ? અને મેં વોટ્સએપ્પ ડીલીટ કર્યું છે, તને બ્લોક નથી કર્યો. હવે ફોન મૂક તો હું કપડાં ભરું.’ શોભાએ ફોન કાપી નાખ્યો.
મહેશને પોતાના પર ગુસ્સો એ વાતનો આવ્યો કે તે હંમેશાની જેમ પોતાની ધારણાના આધારે જ તે માની બેઠેલો કે શોભાએ તો તેને વોટ્સએપ પર બ્લોક પણ કરી દીધો હતો અને હવે તે ક્યારેય ઘરે નહી આવે.
(રોહિત વઢવાણા)
(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)