ધારોકે સમય કોઈ પંખી હોત તો…

આલાપ,

આપણે એવું કહીએ છીએ કે વીતેલો સમય ફરી નથી આવતો, હા એ સાચું પરંતુ જીવનમાં એવો સમય વારંવાર આવે છે કે જે વીતેલા સમયને ક્યારેય ભૂલવા નથી દેતો.

જો ને આજની આ ફુલગુલાબી સવાર જોઈને એ સમય યાદ આવ્યો. આવી જ એક ગુલાબી સવારે નાસ્તાના ટેબલ પર મારી ઉતાવળી ચાલને રોકતાં તે કહેલું, “સારુ, અહીં મારી પાસે બેસ મારે આ અનઓફિશિયલ મુલાકાતમાં આપણાં ઓફિશિયલ  સહવાસના પ્લાનિંગ કરવા છે.” પણ હું તો પતંગિયા માફક ભાગ્યા કરતી હતી, વ્યસ્ત હતી તારા માટે જાતજાતનો નાસ્તો બનાવવામાં. તેં ત્યારે કહેલું, “સારુ, હું જાણું છું કે તને સવારની પહેલી ચા બગીચાના એકાંતમાં એકદમ આરામથી પીવી ગમે છે. હું તારી આ ઇચ્છાનું પૂરતું ધ્યાન રાખીશ. જીવનમાં ગમે તેવા સંજોગોમાં પણ હું તારો આ ક્રમ તૂટવા નહિ દઉં અને…” મેં તને વચ્ચે જ રોકતા કહેલું, “બસ આલાપ, મને બધું મળી ગયું. આ જ મારી ઈચ્છા છે કે આજીવન મને સવારની પહેલી ચા મારા મનપસંદ વાતાવરણમાં પીવા મળે.”

પણ… ‘ન જાણ્યું જાનકીનાથે..’ ને  તારા પ્લાનિંગ જન્મ્યા પહેલા જ મૃત્યુ પામ્યા ને સાથે મારી સવારની પહેલી ચા વાળી અદમ્ય ઈચ્છા પણ અકાળે અવસાન પામી. આપણો સંબંધ આકસ્મિક ઉદ્દભવેલા ઝંઝાવાત સામે તૂટી ગયો- વિખરાઈ ગયો. માર્ગો પણ બદલાયા અને મંઝિલ પણ. એ પછીતો ઘર-પરિવારની જવાબદારી, એમની જરૂરિયાતો અને એમની ઈચ્છાઓ સંતોષવામાં મારી પેલી ઈચ્છા ક્યાં દબાઈને રહી ગઈ એ ય ધ્યાન ન રહ્યું પણ આજે જવાબદારીની એક લાંબી સફર કાપ્યા પછી નિવૃત્તિની મંઝિલે પહોંચી છું. આજે  આ ફુલગુલાબી વાતાવરણ, એકાંત અને તાજા ફુલોથી ખીલેલો બગીચો… ને હું બેઠી છું હાથમાં ચા ના કપ સાથે. આજે આમતો મારી ઈચ્છા મુજબના વતાવરણમાં સવારની પહેલી ચા પીઉં છું પરંતુ આ એકાંત ખરેખર એકાંત નથી, મનમાં વીતેલા વર્ષોનો, વીતેલી વાતોનો મેળો છે. પણ સાચું કહું? આ ચા કરતા પણ એ યાદો આજે મને વધુ ઉષ્મા આપે છે!

ધારોકે સમય કોઈ પંખી હોત તો હું એને કેદ કરી લેત અને મારી મરજી મુજબ એને વિતાવતે. ને તો પછી સમય નામનું પંખી જીવન નામના પીંજરામાં સુખ નામના ટહુકા કરતું હોત.

કલ્પનાનું વિશ્વ વાસ્તવિક જગત કરતાં ક્યારેક વધારે આહલાદક હોય છે એવું તને લાગે છે, આલાપ?

-સારંગી.

(નીતા સોજીત્રા)