પાકિસ્તાની ક્રિકેટરોએ લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી

લાહોરઃ પાકિસ્તાનની ક્રિકેટ ટીમના કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન બાબર આઝમે આજે મુંબઈમાં અવસાન પામેલા દંતકથા સમાન ગાયિકા લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. બાબરે તેના ટ્વિટર એકાઉન્ટ પર લતાજીનો એક સ્કેચ મૂકીને લખ્યું છે કે: ‘સુવર્ણ યુગનો અંત આવ્યો. એમનાં જાદુઈ સ્વર અને વિરાસત દુનિયાભરમાં કરોડો લોકોનાં દિલમાં જીવંત રહેશે. એક અદ્વિતીય આદર્શ વ્યક્તિ હતાં.’

ગયા મહિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરનાર પાકિસ્તાનના મધ્યમ ક્રમના બેટ્સમેન, ઓલરાઉન્ડર મોહમ્મદ હફીઝે તેના એક લાઈનના શોકસંદેશામાં લખ્યું છે: ‘મેરી આવાઝ હી પેહચાન હૈ… RIP #LataMangeshkar.”

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા અને કોમેન્ટેટર રમીઝ રાજાએ ટ્વિટર પર એક સંદેશમાં લખ્યું છે: ‘લતા મંગેશકર દયા, નમ્રતા અને સાદગીનાં મૂર્તિસ્વરૂપ વ્યક્તિ હતાં… એટલે જ મહાન હતાં… સહુને માટે એક બોધ સમાન… કિશોરકુમાર અને હવે લતાજીનાં નિધને મારા સંગીતને ભાંગી નાખ્યું છે.’