
પીડબ્લ્યુસી ઈન્ડિયાના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર વિભાગના વડા અજય કાકરાએ નાણાકીય વર્ષ 2020-21ના બજેટ અંગે કરેલી ટિપ્પણમાં જણાવ્યું કે કૃષિ અને કૃષિ સંબંધિત ક્ષેત્રોને 16 મુદ્દાના એજન્ડા દ્વારા આવરી લેવામાં આવ્યાં છે તે દર્શાવે છે કે સરકાર આ ક્ષેત્રોનો મૂળભૂત વિકાસ કરવા માગે છે.
કૃષિ સંબંધિત મહત્ત્વનાં ક્ષેત્રો સરકારના એજન્ડા પ્રમાણે નિશ્ચિત કામગીરી કરશે. ઝડપથી બગડી જતી કૃષિ પેદાશો માટે ‘કિસાન રેલ’ વિકસાવવાની પહેલ કોલ્ડ ચેઈન ઉદ્યોગની મૂળભૂત કામગીરીમાં ધરમૂળથી ફેરફાર કરશે. આ બાબત માત્ર દેશ માટે જ નહિ પરંતુ વિશ્વના બધા વિકાસશીલ દેશો માટે ક્રાંતિકારી બની રહેશે. કૃષિ અને તેને સંબંધિત ક્ષેત્રો માટે રૂ.1.6 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે જે દર્શાવે છે કે 16 મુદ્દાના એજન્ડા દ્વારા સરકાર મોટા પાયે સુધારા કરવા માગે છે.
એ સિવાય સરકારે મત્સ્ય ઉદ્યોગને સુનિયોજિત કરી સંપૂર્ણ વેલ્યુ ચેઈનની ક્ષમતામાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગયા વર્ષના બજેટમાં આ ક્ષેત્ર માટે ફિશરીઝ બોર્ડની રચના કરવામાં આવી હતી અને આ એ દિશામાં લેવાયેલું વધુ એક કદમ છે.
