કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇન્ડિયા બ્લોકના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અને પૂર્વ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડી પર નક્સલવાદને “વૈચારિક સમર્થન” આપવાનો આરોપ લગાવ્યો. તેમણે જસ્ટિસ રેડ્ડી દ્વારા લખાયેલા 2011ના સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાનો ઉલ્લેખ કરીને માઓવાદી વિરોધી સલવા જુડુમ ઝુંબેશનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો.સલવા જુડુમ ઝુંબેશ શું હતી?
સલવા જુડુમનો અર્થ ગોંડી ભાષામાં “શાંતિ ઝુંબેશ” થાય છે. છત્તીસગઢમાં 2005માં શરૂ થયેલી આ ઝુંબેશમાં સામાન્ય નાગરિકોને નક્સલવાદીઓ સામે લડવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્રના સમર્થનથી તૈયાર કરવામાં આવ્યા હતા. આ ઝુંબેશમાં સ્થાનિક આદિવાસી યુવાનોને ખાસ પોલીસ અધિકારીઓ (SPOs) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમને શસ્ત્રો આપવામાં આવ્યા હતા.
વિવાદ
સલવા જુડુમના SPOs પર આરોપ હતો કે તેઓ આદિવાસી વિસ્તારોમાં હિંસા, બળજબરી, ગામોનું સ્થળાંતર, લૂંટફાટ અને માનવાધિકાર ઉલ્લંઘનની ઘટનાઓને અંજામ આપી રહ્યા હતા. આ ઝુંબેશને લીધે હજારો આદિવાસીઓ નિરાશ્રિત થયા અને ઘણા નક્સલવાદી હોવાની શંકાના આધારે માર્યા ગયા.
સુપ્રીમ કોર્ટમાં કેસ
નંદિની સુંદર(દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર), રામચંદ્ર ગુહા (ઇતિહાસકાર), ઈ.એ.એસ. શર્મા (નિવૃત્ત IAS અધિકારી) અને અન્ય સામાજિક કાર્યકરોએ વર્ષ 2007માં જનહિત અરજી (PIL) દાખલ કરી હતી. તેમણે દલીલ કરી કે રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને શસ્ત્રો આપીને નક્સલવાદ સામે લડવા માટે ઉપયોગ કરવો બંધારણની કલમ 14 (કાયદા સમક્ષ સમાનતા) અને કલમ 21 (જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર)નું ઉલ્લંઘન છે.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો (5 જુલાઈ, 2011)
• ન્યાયમૂર્તિ બી. સુદર્શન રેડ્ડી અને ન્યાયમૂર્તિ એસ.એસ. નિજ્જરની બેન્ચે આ કેસની સુનાવણી કરી.
• સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે છત્તીસગઢ સરકારે તાત્કાલિક SPOsનું શસ્ત્રીકરણ બંધ કરવું અને તેમની નિમણૂક રદ કરવી.
• કોર્ટે સલવા જુડુમને ગેરકાયદેસર જાહેર કરી. રાજ્ય સરકારને તેની પ્રવૃત્તિઓ બંધ કરવા આદેશ આપ્યો. કોર્ટે નોંધ્યું કે રાજ્ય દ્વારા નાગરિકોને શસ્ત્રો આપીને હિંસા પ્રોત્સાહન આપવું રાજ્યની જવાબદારીનું ઉલ્લંઘન છે.
• કોર્ટે ચૂકાદામાં સલવા જુડુમ અને SPOs દ્વારા કરવામાં આવેલી હિંસા અને માનવાધિકાર ઉલ્લંઘનની તપાસ માટે CBIને આદેશ આપ્યો. રાજ્ય અને કેન્દ્ર સરકારને આદિવાસીઓના પુનઃર્વસન અને સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવા આદેશ આપ્યો.
