યક્ષિત રૂમમાં આવીને ખ્યાતિને કહેવા લાગ્યો કે જો પૂર્ણિમાના લગ્ન છે, એ મારી એકની એક બહેન છે. એના પ્રત્યે મારી જવાબદારી છે. તો તારે એમાં આર્થિક સહયોગ આપવો પડશે. તું તો જાણે છે મારે શેરબજારમાં કેટલી ખોટ ગઈ છે. હવે પપ્પાને આ બધું કહેવા ન બેસાય. પણ તું તો મારી પત્ની છે, માટે તને કહી શકાય. એક કામ કરજે. તારી ઓફિસમાંથી લોન લઈ લેજે. એમ પણ તને તો તરત મળી જ જશે.
યક્ષિત કશું જ વિચાર્યા વિના ખ્યાતિને જાણે ઓર્ડર આપતો હોય એમ કહી રહ્યો હતો. ખ્યાતિ ખૂબ ભણેલી-ગણેલી અને સારા હોદ્દા પર નોકરી કરતીા. એમ કહી શકાય કે યક્ષિત કરતા પણ વધારે પગાર એનો હતો. એનું પિયર પણ સાસરી કરતા વધારે સધ્ધર. જો કે એ બાબતે ખ્યાતિ ક્યારેય અભિમાન ન કરતી. લગ્નના બે વર્ષમાં તો એ દૂધમાં સાકરની જેમ પરિવારમાં ભળી ગઈ. સાસરીમાં ખ્યાતિનું માન-પાન એના ઊંચા પગારના કારણે હતું. યક્ષિતને પણ એમ થતું કે કઈ હશે તો ખ્યાતિ છે જ, એ સંભાળી લે છે.
ખ્યાતિએ અનેક વખત પરિવારને આર્થિક મદદ કરી પણ કરી છે. પરંતુ આજે તો યક્ષિક પોતાની બહેનના લગ્નનો સંર્પૂણ ભાર જાણે ખ્યાતિના માથે ઢોળ્યો હતો. ખ્યાતિ યક્ષિતને અટકાવતા બોલી, કે હું ઓફિસમાંથી લોન નહીં લઈ શકું. પપ્પા-મમ્મી છે એ પૂર્ણિમાના લગ્નનું જોઈ લેશે, આપણે પણ છીએ, જેટલુ થશે એટલું કરીશું. પરંતુ ખોટી લોન લઈને મારે ભારણ નથી કરવું. આટલું સાંભળતા જ યક્ષિત અકળાયો કે, કેમ પૂર્ણિમા સાથે તારે કોઈ સંબંધ નથી? તારી એના પ્રત્યે કોઈ જવાબદારી નથી? ખ્યાતિ બોલી જવાબદારી, ફરજ આ બધી વાતો મને ના કર, હું મારી ફરજ સમજીને જેટલું થાય છે એટલું કરુ છુ. મારે પણ ભવિષ્યનું વિચારવાનું છે, આ ટેનામેન્ટના હપ્તા પણ હું જ ભરું છુ. પણ આ રીતે લોન લેવી મને યોગ્ય નહીં લાગે. મારી પાસે ભેગા કરેલા પૈસા છે એ હું તને આપીશ.
યક્ષિત ફરી ગુસ્સામાં બોલ્યો, મારે કંઈ બે-ચાર લાખની જરૂર નથી. હું તો મારી બહેનના લગ્નમાં પુરા દસ લાખ રૂપિયા ખર્ચ કરીશ. આ સાંભળી ખ્યાતિ બોલી, તુ દસની જગ્યાએ વીસ લાખ કર. પણ મારી પાસે અપેક્ષા ન રાખ. યક્ષિતે કહ્યું સારું એક કામ કર, અમે લગ્ન વખતે તને જે ઘરેણાં આપ્યા હતા એ મને આપી દે. હું તને પછી ફરી લઈ આપીશ. આ સાંભળી ખ્યાતિને ખૂબ ગુસ્સો આવ્યો. પણ એ કશું જ બોલ્યા વગર રૂમની બહાર નીકળી. ત્યાં એના સાસુ-સસરા અને નણંદ પૂર્ણિમા પણ ઉભા હતા. જો કે એ કોઈએ યક્ષિતને કશું જ કીધું નહીં. ઉપરથી ખ્યાતિને કહેવા લાગ્યા કે ઘરેણાં તો આવા જ ટાઇમે કામ લાગે ને? ખ્યાતિને એ પણ ખબર હતી કે એના સાસુના દાગીના પણ યક્ષિતના પિતાએ પોતાની બહેનના લગ્ન માટે વેચી નાંખ્યા હતા. જે આજ દિન સુધી પરત નથી આવ્યા.
સવાલ એ થાય કે લગ્નનો ખર્ચ મહિલાઓના માથે કેમ ભાર કરે છે? શું એ યોગ્ય છે?
લગ્ન: મહિલાઓ માટે પ્રસંગ કે પડકાર?
લગ્નપ્રસંગ એ દરેક પરિવાર માટે આનંદ અને ઉત્સવનો પર્યાય છે. પરંતુ ઘણી વાર આ પ્રસંગમાં આનંદની સાથે મહિલાઓ માટે એ મોટી જવાબદારી અને પડકાર બની જાય છે. ખાસ કરીને પરિવારમાં માતૃસ્થાન ધરાવતી પુત્રવધુઓ માટે, જેમણે આ પ્રસંગને સફળ બનાવવાના દબાણ હેઠળ ઘણા બધા ત્યાગ અને બલિદાન આપવાના હોય છે. આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અમદાવાદના જાણીતા સોશિયલ એક્ટિવિસ્ટ જલ્પન પંકજ લાલા કહે છે, “સામાન્ય રીતે તો મહિલાઓ પોતાની રીતે જ દરેક સામાજીક જવાબદારી સમજે છે. પરિવારમાં કોઈ પણ પ્રસંગ હોય એ પોતાની રીતે બનતી મદદ કરતી જ હોય છે. કામકાજી મહિલાઓને લોન લેવા માટે દબાણ કરવામાં આવે અથવા તો પોતાના ઘરેણાં ગીરવે મૂકીને પણ પરિવારને લગ્નપ્રસંગમાં મદદ કરવાની ફરજ પાડવામાં આવે છે. પ્રસંગ છે તો ખર્ચ પણ એ જ ઉપાડે એ વિચારવુ અયોગ્ય છે. હકીકતમાં ઘરની લક્ષ્મી પાસેથી એની મરજી વગર લક્ષ્મી લેવાની જગ્યાએ ચાદર હોય તેટલા પગ લાંબા કરવા વધારે સારા.”
જવાબદારીનું ભારણ
પરિવારમાં જ્યારે પણ લગ્ન હોય, ત્યારે ઘરના કામકાજનું ભારણ વધતુ હોય છે. અને એનો મોટો ભાગ મહિલા પર આવી પડે છે. લગ્નના આયોજનથી માંડીને નાના-મોટા ખર્ચાનું આયોજન કરવાની જવાબદારી ઘણીવાર પુત્રવધુના ખભા પર મૂકી દેવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં મહિલા પોતાના ઘરેણાં કે શોખથી સંગ્રહેલી વસ્તુઓ આ પ્રસંગમાં ખર્ચી નાખવી પડે છે. પોતાની જરૂરિયાતો ભૂલીને પરિવારની મહત્વકાંક્ષા પર ખરી ઉતરવાના પ્રયાસ કરતી રહે છે. આણંદના સુંદરકાંડ વક્તા કોમલ ભટ્ટ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે, “સ્ત્રી તો લગ્ન કરીને આવે ત્યારથી જ પરિવારને પોતાનું માની લે છે. ભગવાને સ્ત્રીમાં શક્તિ મૂકી છે દરેક કામ કરવા માટેની. એ સારી રીતે ઘર સંભાળી શકે છે. એ બધું કરવા સક્ષમ હોય છે. જો કે મહિલાઓ પર ઘરનું ભારણ વધારે રહેલુ હોય છે. પછી એ આર્થિક હોય સામાજીક હોય કે કોઈ પણ પ્રસંગ સાચવવાનો હોય. મહિલા હંમેશા પરિવારને કંઇ ને કઇં આપતી જ રહે છે. પરંતુ એની પાસે પરાણે લેવાની અપેક્ષા ખોટી છે.”
આપવાની જવાબદારી પુત્રવધુ પર ઢોળી દેવાય છે
નણંદના ત્યાં દીકરી આવે તો સૌથી પહેલા આણાનો ભાર ઘરની પુત્રવધુ પર આવી જાય. પછી એ જેમ-જેમ મોટી થાય એમ એમ ઘરના વડીલો વહુને કહેતા જ રહે કે, બે પૈસા ભેગા કરજો મોસાળુ કરવાનું છે. આ વાત માત્ર પુત્રવધુને જ કહેવામાં આવે છે. હકીકતમાં આ જવાબદારી તો ઘરના દીકરાની હોય. બે-ત્રણ ભાઈઓ હોય અને જુદા રહેતા હોય ત્યારે મોટા દીકરાને ત્યાં પ્રસંગ હોય તો તરત જ સાસુમા બીજા દીકરાની વહુને કહે છે, કે જેઠના ત્યાં પ્રસંગ છે તો સોનું તો આપવું જ પડે. વ્યવસ્થા કરજો. જેઠ હોય કે દિયર, નણંદ હોય કે પછી અન્ય સંબંધી બધાને ત્યાં પ્રસંગમાં આપવાની જવાબદારી સહજતા જ દીકરાની જગ્યાએ ઘરની વહુ પર ઢોળી દેવામાં આવે છે. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ગૃહિણી શકુંતલાબેન બારીયા કહે છે, “ઘરમાં પ્રસંગ હોય તો મહિલાઓ પાસે સમાધાનની જ અપેક્ષા રાખવામાં આવે છે. મહિલા પોતાની ઇચ્છાથી પરિવારને સહકાર આપવા માંગે તો એ ઠીક છે. પરંતુ સામાજિક પ્રસંગ માટે સતત પૈસાની અપેક્ષા રાખવી યોગ્ય નથી. આ પ્રકારનો ત્યાગ હોવા છતા સમાજમાં તો એમના યોગદાનની અવગણના જ થાય છે.”
લગ્ન કોઈ એક વ્યક્તિનો પ્રસંગ નથી, એ સમગ્ર પરિવારનું અસ્તિત્વ દર્શાવે છે, પરંતુ આ પ્રસંગની ગોઠવણીમાં મહિલાઓનું યોગદાન મર્યાદાથી વધારે હોય છે.
હેતલ રાવ