જિંદગીનો નવો અધ્યાય, રિટાયરમેન્ટ પછી શું?

સાંજનો સમય હતો. અંજલિબહેન ઘરના વરાંડામાં બેસીને, ચાની ચુસકી લઈ રહ્યાં હતા.  એમના માટે આજનો દિવસ ખાસ હતો, કારણ કે આજે એમને કારકિર્દીનો એટલે કે નોકરીનો અંતિમ દિવસ ગાળ્યો.  સાડા ત્રણ દાયકાથી વધુ સમય સુધી એક મોટી કંપનીમાં હિસાબ વિભાગ સંભાળ્યા પછી, આજે એ રિટાયર થઈ રહ્યા હતા. ઓફિસમાં બધા સહકાર્યકરો અને જૂના મિત્રો મળીને એમને વિદાય આપી ગયા.

સાથે જ, ઘણા પ્રશ્નો મનમાં ઊઠતા હતા. હવે પછી શું? કારણ કે સવારના 9 વાગે ઓફિસ પહોંચી જવું, ઈમેલ ચેક કરવા, લોકોને ગાઈડ કરવા, અનેક મીટિંગ જેવા અનેક કામ આખો દિવસ પહોંચે.

 હવે રિટાયરમેન્ટ પછી શું કરવું? દિવસની શરૂઆત તો થશે, પણ એ પછી શું?

આવા અનેક સવાલો સાથે રાત્રે માંડ આંખ મીંચાઈ, બીજે દિવસે વહેલી સવારે ઉઠવા માટે એલાર્મ લગાવવાની જરૂર નહોતી, પરંતુ ટેવ મુજબ 6 વાગ્યે જ આંખ ખુલી ગઈ. ચા બનાવી, નાસ્તો કર્યો, અને વિચાર્યું હવે સમય પસાર કરવા શું કરવું? અગાઉ તો રવિવાર કે રજાના દિવસમાં પણ કોઈને કોઈ પેન્ડિંગ કામ હોય જ. આજે બધું શાંત હતું, પણ આ શાંતિ એક અજાણી ખાલીપો પણ લઈને આવી હતી.

અંજલિબહેન વિચારતા રહ્યાં કે મારે જીવનમાં નવું કંઈક કરવું જ પડશે. કેટલાક દિવસો વિતી ગયા. ઘરના કામ, પરિવાર માટે સમય, ધાર્મિક પ્રવૃત્તિઓ બધું ચાલુ હતું,  છતા પણ કંઈક ખૂટતું હતું. એક દિવસ એ જૂના ફોટા જોઈ રહ્યા હતા. એમની નજર એક ફોટા પર પડી, જેમાં એ યુવાન વયે પેઈન્ટિંગ કરતા હતા. બસ પછી શું અંજલિબહેને નક્કી કરી લીધું કે કામકાજ, અને નોકરી દરમિયાન જે પ્લાન અધુરા રહ્યા છે એ હવે પુરા કરીશ. એટલે કે પોસ્ટ રિટાયરમાં જે શોખ, સપના પાછળ છુટી ગયા હતા એ હવે જીવશ, કેમ કે રિટાયરમેન્ટ, એ જીવનનો અંત નહીં નવા જીવનની શરૂઆત છે.

 શોખ- નવો ઉત્સાહ..

કામના દાયકાઓ પછી, જયારે જીવનને એક નવી દિશા આપવાનો સમય આવે છે. ત્યારે ઘણીવાર મહિલાઓ એમ વિચારે કે હવે હું શું કરીશ. કેટલી સ્ત્રીઓએ રિટાયરમેન્ટનો પ્લાન બનાવ્યો હોય છે. રિટાયરમેન્ટ પછી પુસ્તક વાંચન, યોગ, બાગાયત કે નાટ્યકલાકૃતિઓ જેવા શોખ જીવવાનો એક ઉત્તમ સમય છે. કેટલાક લોકો માટે આ સમય એમની અનુભૂતિના આધારે લેખન, શિક્ષણ કે પરામર્શકાર્યમાં પોતાને જોડવાનો હોય છે. એવા પણ અનેક ઉદાહરણો છે, જ્યાં લોકો આ અવસરમાં પ્રેરણાદાયક પ્રવૃત્તિઓ શરૂ કરીને સમાજ માટે કંઈક સારું કરવા પ્રયત્ન કરે છે.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતાં રાજકોટની HTAT આચાર્ય ફાલ્ગુનીબહેન યાદવ જણાવે છે, “જોબ, ઘરની જવાબદારીઓ અને દૈનિક કાર્યોમાં હું એટલી વ્યસ્ત રહી ગઈ કે મારા માટે શું કરવું જોઈએ, એ વિશે કદી વિચાર જ ન કર્યો. જીવનની દોડધામ વચ્ચે પોતાને માટે સમય કાઢવો મુશ્કેલ હતો, પરંતુ જ્યારે પણ થોડો સમય મળે, ત્યારે હું યોગ સાધના અવશ્ય કરું છું. એ મનને શાંતિ આપે છે અને શારીરિક તંદુરસ્તી જાળવી રાખે છે. મારી હંમેશાં ઈચ્છા રહી છે કે હું જીવનની જવાબદારીઓ પૂર્ણ કર્યા પછી આધ્યાત્મિક યાત્રાઓ પર જાઉં.” ખાસ કરીને,  યોગ અને ધ્યાન આધારિત ધાર્મિક સ્થળોએ જવાની ઈચ્છા વ્યક્ત છે, જ્યાં મન અને શરીર બન્નેને શાંતિ અને ઉર્જા મળી રહે.”

નવા સફરની શરૂઆત

જિંદગીમાં રોજિંદા કામોમાં એટલા ગુમ થઈ ગયા છીએ કે ક્યારેક પોતાનું પણ સમીક્ષણ કરવું જરૂરી હોય છે. નિવૃત્તિ પછી માત્ર ઘરની ચારેકોર સીમિત રહેવાની જગ્યાએ નવી સફર શરૂ કરવાનો ધ્યેય રાખવો જોઈએ.

બેંકમાં કેશીયર તરીકે કામ કરતા રિટાબહેન મિનેષભાઈ દેસાઈ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, કોલેજ પાસ થયા પછી મને તરત જ નોકરી મળી ગઈ, હવે તો બે બે દિવસ પછી એટલે કે 28 ફેબ્રુઆરીએ હું નિવૃત પણ થઈશ. જો કે નોકરીના કારણે મારે ઘણા શોખને જાકોરો આપવો પડ્યો, તો ઘણીવાર બાળકોને યોગ્ય રીતે સમય ન આપી શકવાનો પણ વસવસો છે. રોજનું ફિક્સ શિડ્યુલ રહ્યું. પોતાના વિશે વિચારવાનો સમય જ ન મળ્યો. જો કે રિટાયર થયા પછી પોતાના માટે જીવવાનું શરૂ કરીશ. નોકરી દરમિયાન પણ મારે નવા સંબંધ બન્યા છે. હું એક એનજીઓ સાથે પણ જોડાયેલી છું પરંતુ એમાં જરૂર પ્રમાણે સમય ન આપવાનો મને રંજ હતો, હવે એ દૂર થશે. હું મારી રિટાયર લાઈફ ખુબ મજાથી જીવીશ મારી સાથે મારા લોકો માટે પણ. ખુબ સેવાના કાર્યો કરવાની ઇચ્છા છે એ પુરી કરીશ.

અનેક ઇચ્છાઓ પુરી કરવાનો અવકાશ

વ્યસ્ત કારકિર્દીના દોરમાં કેટલાય સંબંધો દૂરસ્થ થઈ જાય છે. રિટાયરમેન્ટ એ એવો સમય છે, જ્યાં કુટુંબ અને સ્નેહીજનો સાથે વધુ સમય ગાળવાનો અવકાશ મળે છે. પૌત્ર-પૌત્રીઓ સાથે રમવાનો આનંદ મળે છે, પરિવાર સાથે મુસાફરી, તહેવારો અને રોજિંદી ક્ષણો વધુ નજીકથી માણી શકાય છે. જે સંબંધો વ્યસ્ત જીવનમાં પાછળ રહી ગયેલા હોય, એમને ફરીથી જીવંત કરવા માટે આ શ્રેષ્ઠ તબક્કો છે.

અમદાવાદના જાણીતા બેકિંગ એન્ડ પેસ્ટ્રી શેફ ઉર્વશી જૈન ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે,  “મારા માટે દિવસના ૨૪ કલાક પણ ઓછા લાગે! એ હકીકત છે કે મારુ જીવન સતત દોડધામ ભર્યું છે. વ્યવસાયના દાયિત્વો, પરિવારની જવાબદારીઓ અને પોતાની અંગત ઈચ્છાઓ વચ્ચે સંતુલન સાધવું એ એક પડકાર જેવુ લાગે, બાળકોના ભવિષ્ય માટે સતત જાગૃત રહેવું પડે, કોઈ દિવસ ઓર્ડરની ડેડલાઈન હોય તો કોઈ દિવસ નવી પ્રોડક્ટ લૉન્ચ કરવાની તૈયારીમાં જવું પડે. રજા હોય કે કામકાજનો દિવસ, સતત ચુસ્ત શેડ્યૂલ પ્રમાણે જ જીવવું પડે. અલબત્ત હજુ તો મારે નિવૃતીમાં ઘણો સમય છે, એમ પણ કહી શકાય કે મારા કામમાં તો રિટાયરમેન્ટ જેવુ કશુ હોય જ નહીં. છતા ઉંમરના અમુક પડાવ પછી બધુ સેટ થઈ જાય તો તમે પણ રિલેક્શ થઈ પોતાના સપનાને પાંખ આપી શકો, કામના કારણે પાછળ છુટી ગયેલી અનેક ઇચ્છાઓ પુરી કરવાનો પણ અવકાશ મળે. મારે તો ઘણું બધુ વાંચવું છે, ઘણું બધુ ફરવું પણ છે. જોઈએ આગળ જીવન ક્યાં લઈ જાય છે.”

રિટાયર થયા પછીનો સમય એ મહિલાઓ માટે એક નવી પહેલ છે, જ્યાં એમના વ્યસ્ત દિવસો પાછળ રહી જાય છે અને નવા જીવનની શરૂઆત થાય છે. કેટલીક મહિલાઓ, ઉદ્યોગ સાહસિક મિજાજ ધરાવતી હોય, તેઓ પોતાના અનુભવનો ઉપયોગ કરી નવો બિઝનેસ શરૂ કરે છે.

જ્યારે અન્ય મહિલાઓ પોતાના અધૂરા શોખ જીવંત કરે છે – કોઇને ગીત ગાવાની ઇચ્છા હોય છે, તો કોઇને પેઈન્ટિંગ, ડાન્સ અથવા અન્ય હસ્તકલા શીખવાની. આ અવધિમાં ઘણી મહિલાઓ કીટી પાર્ટી, વુમન ક્લબ અને સામાજિક ગતિવિધિઓમાં જોડાય છે, જ્યાં તેઓ સમાન વિચારધારા ધરાવતી અન્ય મહિલાઓ સાથે મિત્રતા બાંધે છે. ટૂંકમાં રિટાયરમેન્ટ એટલે પૂર્ણવિરામ નહીં, પણ એક નવી ઉર્જાથી ભવિષ્ય ઘડવાનો એક મોકો!

હેતલ રાવ