ચોમાસામાં ફરવા માટે બેસ્ટ છે આ સ્થળ!

ચોમાસાની ઋતુ આવે એટલે પ્રકૃતિ એક નવો રંગ ધારણ કરે છે. હરિયાળીની ચાદર ઓઢીને ધરતી જાણે જીવંત બની જાય છે. વરસાદના ટીપાંઓથી ઝળહળતું વાતાવરણ અને ઠંડકભર્યું હવામાન ફરવા માટેનો અનોખો આનંદ આપે છે.

એમ પણ કહી શકાય કેફરવાના શોખીન લોકો માટે આ મોસમ એક અદ્ભૂત નજારો લઈને આવે છે. જો તમે આ ચોમાસામાં ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો, તો ભારતના ટોપ 10 એવા નૈસર્ગિક સ્થળો, જે વરસાદમાં પોતાના ભવ્ય સ્વરૂપમાં ખીલે છે, જે તમારા સફરને યાદગાર બનાવશે.

 મેધાલય

આ લીસ્ટમાં સૌથી મોખરે છે મેઘાલય. ભારતમાં સૌથી વધુ વરસાદ માટે મેઘાલય જાણીતું છે. પણ સાથે સાથે ચોમાસામાં ફરવા માટે પણ લોકોની આ પહેલી પસંદ છે. આમ તો મેઘાલયને વાદળોનું ઘર પણ કહેવામાં આવે છે. કારણ કે  ચોમાસામાં આ જગ્યા ખૂબ જ સુંદર હોય છે. ચેરાપુંજી અને માસિનરામ, જેની ગણતરી વિશ્વમાં સૌથી વધુ વરસાદના સ્થળોમાં થાય છે, તે અહીં સ્થિત છે. છતા વરસાદમાં પણ સહેલાણીઓ આ સ્થળની મુલાકાત લેવાનું ભૂલતા નથી. અહીંના ધોધ અને ગુફાઓ જોવાલાયક છે.

મહાબળેશ્વર, મહારાષ્ટ્ર

મહાબળેશ્વરનું નામ પડતા જ કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું હિલ સ્ટેશન આંખો સામે તરવળે છે. લોકો ચોમાસાની મોસમ માણવા માટે આ સ્થળ પર વધુ આવે છે. આ વિસ્તાર આખો જંગલથી ઘેરાયેલો છે. વધુ વરસાદને કારણે આ વિસ્તારમાં હરિયાળી એટલી છવાઈ જાય છે કે અમુક જગ્યાએ તો બારેમાસ નવી નવી વનસ્પતિ ઉગે છે. મહાબળેશ્વરએ એના લીલાછમ જંગલો અને સુંદર ખીણો માટે જાણીતુ છે. ચોમાસા દરમિયાન અહીંની હરિયાળી અને તાજગી જોવા લાયક હોય છે. વેન્ના લેક પર બોટની સવારી હોય કે પછી પોઈન્ટ પરથી ધુમ્મસમાં છવાયેલા દૃશ્યો દરેક જગ્યા બેસ્ટ છે.

મુન્નાર, કેરળ

કેરળના પશ્ચિમી ઘાટમાં આવેલું મુન્નાર લીલાછમ ચાના બગીચા, ધુમ્મસથી ઢંકાયેલી ટેકરીઓ અને ઊંડી ખીણો માટે જાણીતુ છે. ચોમાસામાં આ સ્થળની સુંદરતા અનેકગણી વધી જાય છે, જ્યારે વરસાદના ઝરમરથી ચાના બગીચા ઝળહળે છે અને ધોધની ધારાઓ વધુ ભવ્ય બની જાય છે. ઠંડી, ભીની હવા અને ચારે બાજુ ફેલાયેલી હરિયાળી મુન્નારને પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ બનાવે છે. અહીં એરાવિકુલમ નેશનલ પાર્ક, અટ્ટુકલ વોટરફોલ્સ અને ચાના બગીચા તમને શાંતિનો અહેસાસ કરાવે છે.

કુર્ગ (કોડગુ), કર્ણાટક

‘ભારતનું સ્કોટલેન્ડ’ તરીકે ઓળખાતું કુર્ગ ચોમાસામાં કોફીના બગીચા અને ગાઢ જંગલોથી લીલુંછમ બને છે. એબી ધોધ અને ઇરપ્પુ ધોધ વરસાદના પાણીથી ઉભરાય છે, જે પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે. રાજાસ સીટથી ધુમ્મસથી ઢંકાયેલી ખીણોનું દૃશ્ય અદભૂત છે. તાલકાવેરીનું આધ્યાત્મિક મહત્વ શાંતિ આપે છે. બેંગ્લોરથી 250 કિમી દૂર આવેલું કુર્ગ ચોમાસામાં શાંત અને નૈસર્ગિક રજાઓ માટે શ્રેષ્ઠ છે.

ઉદયપુર, રાજસ્થાન

‘તળાવોનું શહેર’ ઉદયપુર ચોમાસામાં ફતેહસાગર અને રંગસાગર તળાવોની રોનકથી ચમકે છે. વરસાદના હળવા ઝાપટાં સિટી પેલેસ અને સહેલિયોં કી બારીની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. ચોમાસામાં મધ્યમ વરસાદ અને ઠંડકભર્યું હવામાન આ શહેરને રોમેન્ટિક મુલાકાત માટે આદર્શ બનાવે છે. ઉદયપુરની નજીકનું મોનસૂન પેલેસ ધુમ્મસથી ઢંકાયેલા દૃશ્યોનો અનોખો અનુભવ આપે છે.

ગોવા

ચોમાસામાં ગોવા ઓછી ભીડ અને લીલાછમ હરિયાળી સાથે નવું રૂપ ધારણ કરે છે. દૂધસાગર ધોધની રૌદ્ર ધારાઓ અને ભગવાન મહાવીર વન્યજીવ અભયારણ્યની હરિયાળી ચોમાસામાં પ્રવાસીઓને આકર્ષે છે. બીચ પર વરસાદનો આનંદ, હેરિટેજ ચર્ચની મુલાકાત અને સ્થાનિક વાનગીઓ યાત્રાને ખાસ બનાવે છે. ગોવાનું શાંત અને ભીનું વાતાવરણ બજેટ-ફ્રેન્ડલી ટ્રીપ માટે શ્રેષ્ઠ છે.

લોનાવાળા, મહારાષ્ટ્ર

મુંબઈ અને પુણેથી નજીક આવેલું લોનાવાળા ચોમાસામાં ભુશી ડેમ અને ટાઈગર પોઈન્ટના ધોધથી લીલુંછમ બને છે. રાજમાચી ફોર્ટનું ટ્રેકિંગ અને કાર્લા ગુફાઓની મુલાકાત સાહસ અને ઇતિહાસનો સંગમ આપે છે. વરસાદની ઝાપટાંઓમાં લોનાવાળાનું ઠંડું હવામાન વીકએન્ડ ટ્રીપ માટે આદર્શ છે.

આલેપ્પી (અલપ્પુઝા), કેરળ

ચોમાસામાં આલેપ્પીના બેકવોટર્સ અને હાઉસબોટ રાઈડ્સ રોમેન્ટિક અને શાંત અનુભવ આપે છે. વેમ્બનાદ તળાવ અને મરારી બીચની હરિયાળી વરસાદમાં વધુ આકર્ષક બને છે. નહેરુ ટ્રોફી બોટ રેસ ચોમાસામાં સાંસ્કૃતિક રોનક ઉમેરે છે. કોચીથી 50 કિમી દૂર આ સ્થળ પ્રકૃતિ અને સંસ્કૃતિનો અનુભવ આપે છે.

કોડાઈકેનાલ, તમિલનાડુ

‘પ્રિન્સેસ ઓફ હિલ સ્ટેશન્સ’ તરીકે ઓળખાતું કોડાઈકેનાલ ચોમાસામાં પિલર રોક્સ, કોડાઈ તળાવ અને ડોલ્ફિન્સ નોઝથી મનમોહક બને છે. વરસાદથી ભીંજાયેલી ટેકરીઓ અને ધુમ્મસથી ઢંકાયેલા દૃશ્યો શાંતિ અને સૌંદર્યનો સંગમ આપે છે. મદુરાઈથી 120 કિમી દૂર આ સ્થળ ચોમાસામાં પ્રકૃતિની નજીક રહેવાનો અનુભવ આપે છે.

સાપુતારા, ગુજરાત

ગુજરાતનું આ હિલ સ્ટેશન ચોમાસામાં નૈસર્ગિક સૌંદર્યનું સ્વર્ગ બની જાય છે. ડાંગ જિલ્લામાં, સહ્યાદ્રી પર્વતમાળામાં 1000 મીટરની ઊંચાઈએ આવેલું આ સ્થળ લીલાછમ જંગલો, ધુમ્મસથી ઢંકાયેલી ટેકરીઓ અને શાંત વાતાવરણથી પ્રવાસીઓને આકર્ષે છે. ગીરા ધોધ, સનસેટ પોઈન્ટ અને સાપુતારા તળાવ જેવા સ્થળો મનમોહક બની જાય છે. ગવાન્ગઢ ટ્રેકિંગ અને રોપ-વે રાઈડ ચોમાસામાં સાહસ અને દૃશ્યોનો આનંદ આપે છે, જ્યારે આદિવાસી સંસ્કૃતિનો અનુભવ ડાંગ દર્શન મ્યુઝિયમમાં મળે છે.

હેતલ રાવ