અમદાવાદ: “પ્રજ્ઞાચક્ષુઓને પેપર લખવા માટે હંમેશા રાઈટર્સની જરૂર હોય છે. રાઈટરની જરૂરિયાત છે એવાં મેસેજીસ હંમેશા અનેક વોટ્સ અપ ગ્રુપમાં ફરતા હોય છે. આવાં જ એક ગ્રુપમાં હું પણ સદસ્ય હતો. મેસેજ જોઈને પહેલાં તો મેં કોઈ રિપ્લાય આપ્યો નહીં. પરંતુ છેલ્લાં દિવસે જ્યારે ખબર પડી કે હજુ 10 રાઈટર ખૂટે છે. ત્યારે હું પણ પહોંચી ગયો પ્રજ્ઞાચક્ષુની મદદ કરવા માટે. 12મા ધોરણના વિદ્યાર્થીનું ગુજરાતીનું પેપર મારે લખવાનું હતું. હું પ્રથમ વખત પ્રજ્ઞાચક્ષુ માટે રાઈટર તરીકે ગયો ત્યારે મને જોઈને અંધજન મંડળના ત્યાં હાજર સાહેબોને એવો ડર હતો કે હું સમયસર પેપર પૂરું કરી શકીશ કે નહીં, પરંતુ મને વિશ્વાસ હતો કે મારાથી થઈ જશે.” આ શબ્દો છે મનથી અડગ પરંતુ જન્મથી દિવ્યાંગ રાહુલ બારૈયાના. જેને પોતાના હાથમાં આંગળીઓ ન હોવા છતાં તે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે રાઈટર બની પરીક્ષામાં મદદ કરે છે.19 વર્ષીય રાહુલ બારૈયાને જોઈને અંધજન મંડળના સુપરવાઈઝર્સનું દિલ લાગણીઓથી ઊભરાઈ જાય છે. ગુજરાત યુનિવર્સિટીમાંથીB.Com.નો અભ્યાસ કરી રહેલો રાહુલ ભાવનગરનો વતની છે. તે જન્મજાત દિવ્યાંગ છે. તેના હાથમાં માત્ર અંગૂઠો છે, આંગળીઓ નથી. જેથી તે બંને હાથે પેન પકડીને લખે છે. પરિવારમાં માતા-પિતા, એક બહેન અને બે ભાઈઓ છે. રાહુલના પિતા છૂટક મજૂરી કરીને ચારેય બાળકોને ભણાવે છે. રાહુલના મોટા બહેને T.Y.B.A. પૂરું કર્યું અને હાલ B.Ed.નો અભ્યાસ કરે છે. જ્યારે નાના બે ભાઈઓમાંથી એક 12મા ધોરણમાં અને એક 10મા ધોરણમાં અભ્યાસ કરે છે. માતા-પિતાએ ક્યારેય રાહુલને અન્ય બાળકોથી અલગ સમજીને કોઈ ભેદભાવ કર્યો નથી. હંમેશા ઉછેર નોર્મલ બાળકો જેવો જ કર્યો છે.
રાહુલ પોતે દિવ્યાંગ હોવા છતાં બીજા દિવ્યાંગોની મદદ કરવા માટે આગળ આવે છે એ વાતનો માતા-પિતાને ગર્વ છે અને કહે છે, “આ રીતે બીજાને ઉપયોગી થતાં રહેવું.” રાહુલ પોતે પણ માને છે કે આ પ્રકારના નાના અમથાં કામથી પણ જો કોઈનું સારૂં થતું હોય તો તે કરતા રહેવું જોઈએ. “મને તેમની મદદ કરીને મને ખૂબ સંતોષ મળે છે. હું પોતે દિવ્યાંગ છું એટલે હું આ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓની પીડા સમજું છું. પરીક્ષામાં પેપર લખવા માટે રાઈટર ના મળે તો શું સ્થિતિ થાય તે હું સમજી શકું છું. હું ભવિષ્યમાં પણ આ કામ કરતો રહીશ.”- રાહુલ બારૈયા
પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે રાઈટર શોધવામાં ખૂબ તકલીફ પડે છે. આશરે 40 ટકા કિસ્સાઓમાં એવું થાય છે કે, વિદ્યાર્થીઓને રાઈટર મળતા નથી અને મળે તો તેઓ છેલ્લી ઘડીએ રદ્દ કરી દે છે.. આ પ્રકારના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ જ તેમની જિંદગી સુધારવાનો એકમાત્ર વિકલ્પ છે. એવામાં રાહુલ જેવાં લોકો આપણા બધાં માટે એક મોટું ઉદાહણ પૂરું પાડે છે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)
(તસવીર – પ્રજ્ઞેશ વ્યાસ)
