સિંગલ મધરને ‘અમુક નજરે’ જ કેમ જોવાય છે?

‘મમ્મી, બધાના પપ્પા સ્કૂલે આવે છે, પણ મારા પપ્પા ક્યારે નથી આવતા કેમ?’ ત્રણ વર્ષની સ્વરા રડતાં રડતાં માતા રેવતીને કહે છે. રેવતી દીકરીને વહાલ કરતા કહે છે કે, હું છું ને બેટા તારી મમ્મી અને પપ્પા પણ!

આમ કહીને રેવતી સ્વરાને તો સમજાવી લે છે, પણ પોતાના મનને નથી સમજાવી શકતી.

એકલે હાથે સંતાનોનો ઉછેર કરી રહેલી લગભગ દરેક મહિલાને વિચાર આવતો હશે કે શું કામ અમારે જ સમસ્યાઓનો સામનો કરવો પડે છે? સંતાન માટે મા-બાપ એટલા જરૂરી છે કે ગમે એ ભોગે માતાએ પતિની સાથે માત્ર બાળકો માટે જ કમને રહેવું પડે? જો માતા પોતાના સંતાનને લઈને એકલી રહેવા નીકળી પડે તો આ ભદ્ધ સમાજ એના પર સ્વચ્છંદી, ચારિત્ર્યહીન, એકલપેટી, સંસ્કારહીન જેવા કેટકેટલાય ટેગ લગાવે છે. હકીકતમાં સિંગલ મધર હોવું એ સહેલું નથી. કેટકેટલી જવાબદારી અને કેટકેટલાય સપના અને સ્વમાનનો ભોગ આપ્યા પછી તમે એકલા રહીને સંતાનને ઉછેરી શકો છો. એમાં વળી રોજ નવી પળોજણ તો ખરા જ. આખરે કેવી સમસ્યાનો સામનો કરવો પડે છે સિંગલ મધરને?

છેલ્લા સાત વર્ષથી દીકરી મીતાલી સાથે એકલી રહેતી પાયલ પટેલ(નામ બદલ્યું છે) ચિત્રલેખા.કોમને કહે છે. “પ્રેમ લગ્ન કરીને ભણેલા-ગણેલા ઉચ્ચ પરિવારમાં પુત્રવધુ બનીને આવી. એક વર્ષમાં તો દીકરીની માતા બની. પછી તો પતિ રોજ વ્યસન કરીને આવે અને મને મારે. એક દિવસ તો એને દીકરી પર હાથ ઉપાડ્યો. તે દિવસે હું કાયમ માટે એને છોડીને નીકળી ગઈ. હવે તો અમારા ડિવોર્સને પણ આઠ વર્ષ થઇ ગયા. કોઇ પણ વાંક ગુના વગર મારે રોજ માર ખાવો પડતો, નોકરી કરવાની, દીકરીની જવાબદારી, પરિવાર પ્રત્યે ફરજ બધું મારે એકલા હાથે જ કરવાનું.”

“પતિ સવારે રાતે બનેલી ઘટનાનો પસ્તાવો કરે અને ફરી પાછો રાત પડતા જ નશામાં જાનવર બને. દસ વર્ષ સુધી આ પીડા સહન કરી પણ દીકરી પર વાત આવી ત્યારે મેં એને છોડી દીધો. મેં ઘર છોડ્યું એટલે સૌ પ્રથમ તો મારે એ સાંભળવું પડ્યું કે અમે તો તને ના જ કહી હતી, શુ કામ લગ્ન કર્યા, હવે એકલા હાથે દીકરીને કેવી રીતે મોટી કરીશ. હું પગભર હતી, છતાં સમાજનો કાયમ સામનો કરવો પડતો. કોઈ પ્રસંગમાં જઉં તો ત્યાં પણ લોકો એમ જ કહે કે પતિ વગર જિંદગી ન જાય તારે ભલે પતિની જરૂર ન હોય પણ તારી દીકરીને તો પિતાની જરૂર છે. મીતાલી પણ ક્યારેક એના પપ્પાને યાદ કરતી. હું મારી દીકરીને મા-બાપ બંનેનો પ્રેમ આપવાનો સતત પ્રયત્ન કરું છું. છતાં પણ મને ક્યારેક એના માટે ખુબ દુઃખ થતું. માત્ર કહેવા માટે સમાજ બદલાયો છે. મારી દ્રષ્ટિએ તો આજે પણ સમાજની પછાત માનસિકતાના કારણે સિંગલ મધરને અપરાધની નજરે જોવામાં આવે છે.”

જાણીતા સમાજશાસ્ત્રી વિધૃત જોશી ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, સ્ત્રીએ સિંગલ મધરની બેવડી ભૂમિકા નિભાવવી પડે છે, એને કમાવવું પણ પડે અને ઘરનું ધ્યાન પણ રાખવું પડે. બીજું કે એની સુરક્ષામાં પણ તકલીફ. એટલે કે મુશ્કેલી આવે તો એને કોઈનો ટેકો ન મળે, બાળકનો ઉછેર પણ જાતે જ કરવો પડે. સામાન્ય રીતે આપણા ત્યાં પુરુષો મોટા ભાગે આર્થિક પ્રવૃતિઓનું ધ્યાન આપે અને સ્ત્રી હોમ મેનેજ કરે. જો સ્ત્રી કમાતી હોય તો પણ પુરુષ ઘરમાં મદદ કરે, પણ અહીં તો એકલા હાથે જ વહાણ ચલાવવાનું હોય છે. એટેલે એનો સંસાર બે ચક્રથી નહીં પણ એક ચક્રથી ચાલે. અન્ય એક વાત એ પણ છે કે આપણા સમાજમાં લોકો સિંગલ મધર પર અનેક આક્ષેપો કરે છે જેના કારણે બહારથી પણ એને સપોર્ટ મળી રહેવાની જગ્યાએ ટીકાનો સામનો કરવો પડે છે. આવી અનેક મુશ્કેલીઓ એકલી રહેતી અને સંતાનોનો ઉછેર કરતી માતાને પડે છે.

અમદાવાદની હેલ્પીંગ હેન્ડ્સ સંસ્થાના ટ્રસ્ટી ડિમ્પલ વરિંદાની ચિત્રલેખા.કોમને કહે છે કે, સમાજમાં સિંગલ મધરને ડાઉન ફિલ કરાવવામાં આવે છે, સમાજ લગ્ન કરી લેવા માટે સતત પ્રેશર કરે છે. આર્થિક રીતે પણ એમને ઘણા ઇસ્યુનો સામનો કરવો પડે છે. દુઃખદ વાત એ છે કે સિંગલ મધર ગમે એટલી સ્ટ્રોંગલી બાળકોનો ઉછેર કરે છતા સમાજમાં એના સંતાનોને મેન્ટલી ઘણા પ્રોબ્લેમ થતા રહે છે. એકલી રહેતી માતાને ફરજીયાતપણે વર્કિંગ વુમન બનીને રહેવું પડે એ ઇચ્છે તો પણ ગૃહિણી ન બની શકે, કારણ કે એને અનેક જવાબદારી નિભાવવાની હોય. એક સિંગલ મધર જ્યારે હિંમત કરીને પોતાના બાળકના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા કામ માટે બહાર નીકળે ત્યારે એને પુરુષ સમાજનો ત્રાસ સહન કરવો પડે છે, ઘણીવાર કામના સ્થળ પર તો ઘણીવાર નજીકના મિત્રો કે પરિવારના સભ્યો દ્વારા. આપણી સોસાયટી સિંગલ મધરને સપોર્ટ કરવાની જગ્યાએ એનું મનોબળ ડાઉન કરે છે. એકલી રહેતી અને સંતાનોની જવાબદારી નિભાવી રહેલી મહિલાને સહારો જોઈએ જ એવી ખોટી ભ્રામકતા છે. વર્કિંગ પ્લેસ પર પણ એ એકલી છે એમ જાણીને હેરેસમેન્ટ કરવામાં આવે છે. પરંતુ સિંગલ મધરને દયાની નહીં, સહકારની જરૂર છે.

હું 35 વર્ષની હતી ત્યારે ત્રણ સંતાનોની જવાબદારી મારા માથે આવી પડી. ઓચિંતા મારા પતિનું અવસાન થયું. આ શબ્દો છે નેનુબહેન પરમારના. ચિત્રલેખા.કોમ સાથે પોતાની પીડા વર્ણવતા કહે છે કે, ‘નાની ઉંમરે ત્રણ સંતાનોને ઉછેરવા અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. સમાજના લોકો બીજા લગ્ન કરી લેવાનું દબાણ કરતા પણ મને તો મારા સંતાનોની ચિંતા થતી. સમયની સાથે એકલા જીવતા શીખી ગઈ.

પણ માતા બનીને બાળકોને એકલા મોટા કરવામાં મારે ખૂબ યાતનાઓ સહન કરવી પડતી. બાળકો માંદા પડે તો હોસ્પિટલના ધક્કા ખાવા, એમને અભ્યાસ કરાવવાની મુશ્કેલી. સૌથી મોટું આર્થિક સંકટ. બીજા લગ્ન ન કરીએ એટલે સમાજને પણ જાણે એમની વાત ન માની હોવાનું લાગ્યા કરે. માટે અન્ય કોઈ મદદ ન મળે. મારા મમ્મીએ ખૂબ સાથ આપ્યો પણ ખરેખર સિંગલ માતાની સફર કંટક ભરેલી હોય છે.’

આપણા ત્યાં દાયકાઓથી સિંગલ મધર પરિવારનો ભાર ઉપાડે છે તો પણ એમ કહી શકાય કે સિંગલ મધર્સ તરીકે સમાજમાં રહેવું કપરું છે. પતિનું મૃત્યુ થયું હોય એવા સંજોગોમાં તો બાળકની જવાબદારીના કારણે બીજા લગ્ન ન કરીને સિંગલ મધર રહેવાનું પસંદ કરતી મહિલાને તો સમાજમાં સ્વીકારે પણ ખરા. પરંતુ અન્ય કોઈ કારણ હોય ત્યારે સિંગલ માતા તરીકે જીવવું દુષ્કર બની જાય છે. સામાજિક પડકારો તો ઝીલવાના જ સાથે જ સૌથી મોટો પ્રશ્ન આર્થિક રીતે ટકી રહેવાનો છે. સાથે સાથે સમાજ એને ‘અમુક નજરે’ જૂએ એ નજરથી બચવાનો પડકાર પણ સૌથી મોટો હોય છે.

(હેતલ રાવ)