અંજલિ માટે આ કોઈ પહેલી વારની ઘટના નહોતી. છેલ્લા કેટલાય સમયથી આકાશની મહેફિલોનો ‘મુખ્ય ખોરાક’ અંજલિ પરના જોક્સ જ બની ગયા હતા. ક્યારેક એના રસોઈના વખાણ કરતો આકાશ મિત્રો વચ્ચે બેસીને હસતા
હસતા કહેતો, “સાહેબ, પત્નીના હાથની રસોઈ એટલે ધીમું ઝેર, ખાવ તોય મરવાનું ને ન ખાવ તોય ભૂખે મરવાનું!” આ સાંભળીને આકાશના મિત્રો પણ જાણે સ્પર્ધામાં ઉતર્યા હોય એમ પોતપોતાની પત્ની કે ગર્લફ્રેન્ડના લૂક્સ, એમની બુદ્ધિ કે એમના સ્વભાવની મિથ્યા મજાક ઉડાવવા લાગતા.
ધીરે ધીરે વાતનું સ્તર એટલું નીચું ઉતરી જતું કે અંજલિને ડ્રોઈંગ રૂમમાં ચા મૂકવા જવામાં પણ સંકોચ થતો. એના કાન પર એવા શબ્દો અથડાતા જે એક સ્ત્રીના ચારિત્ર્ય કે એની અંગત પસંદગીઓને પણ નહોતા છોડતા. એક મિત્ર બોલ્યો, “મારી વાળી તો એટલી બુદ્ધિ વગરની છે કે…” અને એની પાછળ અભદ્ર ટિપ્પણી… અંજલિને થતું કે આ તે કેવા મિત્રો અને આ કેવો પતિ? જે સ્ત્રી એમના ઘરની ધૂરી છે, જે એમના સંતાનોની માતા છે, એને જ જાહેર પ્રદર્શનની વસ્તુ બનાવી દેવી?
હદ તો ત્યારે થઈ જ્યારે આકાશે અંજલિના દેખાવ પર ટિપ્પણી કરતા કહ્યું, “લગ્ન પહેલા જે ગુલાબ જેવી લાગતી હતી, હવે એ જંગલી થોર જેવી લાગે છે!” આ સાંભળીને મિત્રોએ ટેબલ ઠપકારીને જે અટ્ટહાસ્ય કર્યું, એનાથી અંજલિના સ્વમાનના ટુકડા થઈ ગયા. એ સમજી શકી કે આ માત્ર હાસ્ય નથી, પણ એક એવી માનસિકતા છે જ્યાં પુરુષ પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા સ્ત્રીના અસ્તિત્વને જોક્સના ખાડામાં ધકેલી દે છે.
સ્ત્રીએ આવા હાસ્યનો હિસ્સો બનવાનું ટાળવું જોઈએ
હાસ્ય માટે હંમેશા મહિલાને જ કેમ પંચિગ બેગ બનાવવામાં આવે છે? જોક્સ પત્ની પર જ કેમ?” સ્ત્રીને, ખાસ કરીને
હાસ્યના ‘સોફ્ટ ટાર્ગેટ’ તરીકે રજૂ કરવામાં આવે છે. વૉટ્સએપ જોક્સ, સ્ટેન્ડ-અપ કોમેડી અને મિત્રોની મહેફિલમાં પોતાની પત્નીની નબળાઈઓ કે સ્વભાવની મજાક ઉડાવવી એ એક ફેશન બની ગઈ છે. વેસ્ટર્ન કેરોલિના યુનિવર્સિટીના થોમસ ફોર્ડ જેવા સંશોધકોના મતે, આ માત્ર મનોરંજન નથી પરંતુ એક ‘માસ્ક્ડ અગ્રેસન’ છે, જ્યાં પુરુષ પોતાનું વર્ચસ્વ સાબિત કરવા જીવનસંગિનીને નીચી બતાવે છે. શું હાસ્યના નામે મહિલા માટે અપમાનજનક શબ્દો વાપરવા નૈતિક રીતે યોગ્ય છે?
ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા મેડિટેશન ટ્રેનર અમિતા ગજેરા કહે છે, “હાસ્ય એ જીવન જીવવાની કળા છે, પરંતુ જ્યારે તેનો ઉપયોગ માત્ર સ્ત્રીઓના ઉપહાસ માટે થાય ત્યારે તે વેદનાદાયક બને છે. સ્ત્રીઓ પર થતા આવા કટાક્ષ માટે ઘણીવાર તેમનું મૌન અને ‘જતું કરવાની’ વૃત્તિ જવાબદાર હોય છે, જે સામેવાળી વ્યક્તિને પ્રોત્સાહન પૂરું પાડે છે. સ્ત્રી પોતે અપમાનની પીડા જાણતી હોવાથી તે વળતો પ્રહાર કરીને કોઈને દુઃખ આપવા નથી ઈચ્છતી, પરંતુ જ્યારે તે સ્વયં આ ઉપહાસનો સ્વીકાર કરી લે છે ત્યારે સમાજ માટે તે મનોરંજન બની જાય છે. પોતાની ગરિમા જાળવવા માટે સ્ત્રીએ આડકતરી રીતે પણ આવા હાસ્યનો હિસ્સો બનવાનું ટાળવું જોઈએ.”
પરિવર્તન હાસ્યથી જ શક્ય છે, જો એ માનવતાથી ભરેલું હોય
ખરેખર હાસ્યના નામે પત્ની માટે અપમાનજનક શબ્દો વાપરવા નૈતિક રીતે યોગ્ય નથી કારણ કે પહેલેથી જ આપણો
દેશ પુરુષપ્રધાન રહ્યો છે. સ્ત્રીઓને વર્ષો પહેલા બોલવાની આઝાદી ન હતી. અને સ્ત્રીઓ માટે ભણતર પણ ન હતું. પરંતુ અત્યારના સમયમાં સ્ત્રીઓ પણ દરેક ક્ષેત્રમાં પુરુષ સમોવડી બની ગઈ છે. પુરુષોને પોતાનો અહમ ન સંતોષાતા તેઓ સ્ત્રીઓને હાસ્યાસ્પદ રીતે રજૂ કરે છે.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ક્રિએટિવ આર્ટિસ્ટ, જેની દેસાઈ કહે છે કે, “સ્ત્રી પર આધારિત અપમાનજનક જોક્સ એ અસમાનતાને હસતાં હસતાં મજબૂત કરે છે. મને હાસ્યથી વાંધો નથી, મને અપમાનથી છે. મને મજાકથી નહીં, પરંતુ મજાકના નામે થતી નીચે પાડવાની માનસિકતાથી વાંધો છે. જો હાસ્ય સંબંધોને મજબૂત બનાવે તો એ સૌંદર્ય છે. જો એ સંબંધોને ઘાયલ કરે તો આત્મચિંતનનો વિષય છે. સમાજ બદલાવા માટે મોટા ભાષણોની જરૂર નથી, ક્યારેક શબ્દો બદલવાથી જ પરિવર્તન શરૂ થાય છે. અને એ પરિવર્તન હાસ્યથી જ શક્ય છે, જો એ માનવતાથી ભરેલું હોય.”
હાસ્ય એવું હોય જે સ્ત્રીને સન્માન આપે, અપમાન નહીં
હાસ્ય એ ખુશી વ્યક્ત કરવાનો સુંદર માર્ગ છે, પણ શું એ હંમેશા સ્ત્રીને લક્ષ્ય બનાવીને જ હોવું જોઈએ? અલબત્ત એ
સમજવું જરૂરી છે કે કોમેડી વ્યક્તિના સ્વભાવ, વર્તન કે પરિસ્થિતિ પર આધારિત હોઈ શકે છે, પરંતુ એ ક્યારેય ‘લિંગ’ પર આધારિત ન હોવી જોઈએ.
ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ અને મેટરનિટી એક્સપર્ટ ડો. દિપાલી શિવાસણે કહે છે, “ગઈકાલે એક સ્ટેન્ડ-અપ કોમેડી શોમાં સૌ કોઈ ખડખડાટ હસી રહ્યું હતું, હું પણ એમાં સામેલ હતી. પરંતુ શો દરમિયાન મને એ વાતની ગંભીરતા સમજાઈ કે મોટાભાગની મજાકો પત્ની અને ગર્લફ્રેન્ડને કેન્દ્રમાં રાખીને કરવામાં આવતી હતી. પુરુષ પ્રેક્ષકો એનો વિશેષ આનંદ લઈ રહ્યા હતા, કદાચ તેઓ પોતાની જાતને એ પરિસ્થિતિ સાથે જોડી રહ્યા હતા. ત્યારે મારા મનમાં એક પ્રશ્ન ઊભો થયો કે, શું સ્ત્રી માત્ર મજાકનું જ પાત્ર છે? લગ્નજીવનમાં પુરુષને પીડિત બતાવીને સ્ત્રીને નીચી દેખાડવાની જરૂર નથી. આપણે એવું હાસ્ય ન પીરસવું જોઈએ જેમાં આપણી બાજુમાં બેઠેલી કોઈ સ્ત્રી અસહજ કે અપમાનિત અનુભવે. હાસ્ય એવું હોવું જોઈએ જે સૌને સાથે જોડે, તોડી નહીં. પતિ-પત્ની એકબીજાની સામે જોઈને હસે પણ એ હાસ્ય એકબીજાની ખામીઓ પ્રત્યેની સહજતા અને સ્વીકૃતિનું હોવું જોઈએ.”
|
રિસર્ચ કહે છે… રિસર્ચ મુજબ, જે પતિ જાહેરમાં પત્નીનું સન્માન જાળવી શકતા નથી, એમના સંબંધોમાં આત્મીયતાનો અભાવ હોય છે. પત્ની ઘણીવાર ‘સોફ્ટ ટાર્ગેટ’ બની જાય છે કારણ કે એ સૌથી નજીકની વ્યક્તિ છે અને એની નબળાઈઓ પર જોક બનાવવો સૌથી સરળ છે. વિશ્વપ્રસિદ્ધ મનોચિકિત્સક અને સંબંધોના નિષ્ણાત હારવિલ હેન્ડ્રિક્સના મતે, મજાકમાં વપરાતા ‘કર્કશા’ કે ‘વેલણ ગેંગ’ જેવા નકારાત્મક શબ્દો એ હકીકતમાં ‘શાબ્દિક હિંસા’ છે. તેઓ માને છે કે આવા કટાક્ષો સ્ત્રીના આત્મસન્માનને તોડી નાખે છે અને જીવનસાથી પ્રત્યેનો આદર ઓછો કરે છે. હેન્ડ્રિક્સ ચેતવે છે કે “હું તો મજાક કરતો હતો” એવું કહીને અપમાનને છુપાવવું એ સંબંધો માટે અત્યંત હાનિકારક છે. આજકાલના સ્ટેન્ડ-અપ કોમેડિયન્સ પણ સ્ત્રીઓને ‘નેગેટિવ’ રીતે રજૂ કરીને સમાજમાં એવો પૂર્વગ્રહ દ્રઢ કરે છે કે પત્ની એટલે પરેશાન કરનારું પાત્ર. આ માનસિકતા બદલવાની જરૂર છે. જેની સાથે સુખ-દુઃખ વહેંચવાના છે, એને હાસ્યાસ્પદ બનાવીને ખરેખર શું સાબિત થાય છે? |
હેતલ રાવ




