મમ્મી આશાબહેને જ્યારે દીકરી આરોહીને પૂછ્યું કે, ‘બેટા, કેમ ઓફિસે નથી જવાનું?’ ત્યારે જવાબમાં આરોહી ‘હું ટાઈમમાં છું’ એમ કહીને પોતાના રૂમમાં જતી રહે છે. 22 વર્ષની આરોહી સાથે દર મહિને આમ થાય છે. એ પિરિયડમાં હોય ત્યારે બે-ત્રણ દિવસ સુધી એને પેઢામાં દુખાવો, હાથ પગ ફુલી જવા અને વધુ બ્લીડિંગની સમસ્યા રહે છે. આમ તો ઘણી યુવતીઓને આવી સમસ્યા હોય છે એટલે ડોક્ટર્સ એને નોર્મલ ગણે છે.
પણ આ દિવસો આરોહી જેવી અનેક યુવતીઓ માટે મુશ્કેલ બની જાય છે. દર મહિને ઓફિસમાંથી રજા ય કેમ મળે? આરોહી બધાને કહેતી કે એ જો ઓફિસની બોસ હોય તો બધી મહિલાઓને દર મહિને ખાસ પિરિયડ લિવ આપે.
તો શું પિરિયડ દરમિયાન મહિલાઓને દર મહિને રજા મળવી જોઇએ?
થોડા સમય પહેલા સિક્કિમ હાઈકોર્ટે આ દિશામાં એક નોંધપાત્ર અને ઐતિહાસિક પગલું ભર્યું છે. હાઈકોર્ટે મહિલા કર્મચારીઓને પેઇડ માસિક રજા આપવાની જાહેરાત કરી છે. આ અંગે હાઈકોર્ટે રજિસ્ટ્રી નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. સિક્કિમ હાઈકોર્ટ રજિસ્ટ્રી દ્વારા જારી કરાયેલ નોટિફિકેશનમાં પિરિયડ લીવ અથવા માસિક રજા નીતિ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. જેમાં આ રજાની સુવિધા મેળવવા માટે નિયમો પણ નક્કી કરવામાં આવ્યા છે.
જો કે આપણે અહીં વાત માત્ર સિક્કિમ હાઈકોર્ટના નિર્ણયની નથી કરવાની. વાત છે પિરિયડ લિવની. શું દર મહિને પિરિયડ લિવ મળવી જોઈએ? કે પછી ખરેખર આ લિવ જરૂરી છે?
પિરિયડ દરમિયાન મહિલાઓને રજા મળે એ સારું જ છે
ચિત્રલેખા.કોમ સાથે વાત કરતાં અમદાવાદસ્થિત એડવોકેટ અને સામાજિક કાર્યકર સોનલ જોષી કહે છેઃ “અત્યાર સુધી કોઈ પિરિયડ લિવ ન હતી, પણ નામદાર હાઈકોર્ટમાં કોઈ પર્સનલ એપ્લીકેશન , પીઆઈએલ કે જાહેર હિતની અરજી કરી હોય અને પીટીશન દાખલ કરી હોય એના સંદર્ભમાં નામદાર હાઈકોર્ટ ચુકાદો આપ્યો હોય તો હું એને સારો માનું છું. મહિલાઓને પિરિયડ દરમિયાન ઘણી બધી તકલીફ પડતી હોય છે. ઘણીવાર એ સમયમાં મહિલાઓનાં સ્વભાવમાં બદલાવ આવે છે. જેથી પરિવારમાં કે જોબ પ્લેસ પર અન્ય લોકો સાથે માથાકુટ પણ થતી હોય છે. તો જો પિરિયડ દરમિયાન મહિલાઓને રજા મળે તો એ સારુ જ છે.”
સોનલબહેન કહે છે,”કાયદાકીય વાત કરીએ તો દરેક રાજ્ય આ બાબતમાં પોતાની રીતે કાયદો લાવી શકે છે. કેન્દ્રમાંથી પણ આ લો પાસ કરાવી શકાય છે. સિક્કિમ સરકારે આ કર્યુ છે તો બીજી સરકાર પણ આ ધ્યાનમાં લે. કોર્પોરેટ કંપનીઓ અને અન્ય ખાનગી કચેરીઓમાં, સરકારી કચેરીઓમાં પણ આ માટે વિચાર થવો જોઇએ. હવે ટેકનીકલી વાત કરીએ તો 35 વર્ષ પછી લગભગ મહિલાઓને પિરિયડ રેગ્યુલર રહેતા નથી. ઘણી વખત મહિલાઓને મહિનામાં બે વખત પિરિયડ આવે, આ સમય દરમિયાન મહિનામાં બે વખત બે-બે દિવસ રજા આપવી કદાચ શક્ય ન બને. આ રીતે અન્ય પણ ઇસ્યુ આવવાના, પણ એ બધામાંથી રસ્તો મળી શકે. પિરિયડ લિવ આપવી એ સારી વાત જ છે.”
દર મહિને પિરિયડ માટેની લિવ અયોગ્ય છે
અમદાવાદના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડો. અર્ચના શાહ ચિત્રલેખા.કોમને કહે છેઃ “એક બાજુ આપણે મહિલા અને પુરુષની બરાબરીની વાત કરીએ છીએ જ્યારે બીજી બાજુ આ રીતે પિરિયડ લિવની વાત કરીએ. હું તો આ પિરિયડ લિવને યોગ્ય નથી માનતી. હા, જો પિરિયડ દરમિયાન તબિયત સારી ન હોય કે અન્ય સમસ્યા હોય તો પોતાના ડોક્ટરનો સંર્પક કરીને ચોક્કસથી રજા મૂકી શકાય. ઘણી વખત પોતાના અંગત કામને લઈને લોકો અન્ય કારણ આપીને રજા લેતા જ હોય છે. એવા સમયે પિરિયડ લીવ એ સૌથી મોટુ રજા માટેનું કારણ બની શકે. વળી, દરેક મહિલાઓને પિરિયડ દરમિયાન એક સરખી સમસ્યા નથી થતી. 14થી 24 વર્ષની યુવતિઓના પ્રોબ્લેમ જુદા હોય છે, તો 30થી 40 વર્ષની મહિલાઓને પણ જુદા-જુદા પ્રોબ્લેમ થાય છે. હા, જો કોઈને વધારે પડતું બ્લીડીંગ થવાની કે પેટના દુખાવાની સતત સમસ્યા રહેતી હોય તો એવી મહિલાઓ ચોક્કસ રજા રાખી શકે. પરંતુ દર મહિને પિરિયડ માટેની લિવની વાત મને અયોગ્ય લાગે છે. હવે તો માસિક પેડ, મેન્સ્ટ્રુઅલ કપ જેવા અનેક વિકલ્પ પણ છે. પહેલાં કરતાં હવે આ વિષયનું જ્ઞાન પણ વધ્યું છે એટલે પિરિયડ સમયે થતા પ્રોબ્લેમનું સોલ્યુશન પણ મળી રહે છે.”
માત્ર 10 ટકા મહિલાઓને ખરેખર લિવની જરૂર
ગુજરાતની કપ ગર્લ (મેન્સ્ટ્રુઅલ કપ) તરીકે ઓળખાતા અને મહિલાઓ માટે કાર્યરત કલાસૂર્ય ફાઉન્ડેશનના સ્થાપક સંગીતા પટેલ ચિત્રલેખા.કોમને કહે છે કે, “હું એવુ માનું છુ કે કોઈ રજા ન મળવી જોઈએ, જે મહિલાને રજાની જરૂર છે એ લેખિતમાં અરજી આપીને રજા મેળવી શકે છે. એ રજા ભલે પેઈડ રજા મળે, પરંતુ એ લેખિતમાં માંગે એ જરૂરી છે. નહીં તો એવું પણ બની શકે કે જે મહિલાઓને રજાની જરૂર નથી એ પણ રજા લેવા માંડે! 80 ટકા મહિલાની શરીરની રચના એ પ્રકારની હોય છે જે માસિક ચક્ર દરમિયાન કામ કરી શકે છે. એમને પેઇન નથી થતું અને જો થાય તો પણ નોર્મલ થાય, જે સાવ સામાન્ય હોય છે. માત્ર 10 ટકા મહિલાઓ જ એવી છે જેને પિરિયડ વખતે વધારે બ્લીડીંગ કે દુખાવો થતો હોય અને ખરેખર લીવની જરૂર હોય. હું માનું છું જો દર મહિને પિરિયડ લિવ આપવામાં આવે તો કદાચ રજાનો દુરુપયોગ વધારે થઈ શકે.”
વર્કિંગ વુમન માટે પિરિયડ લિવ યોગ્ય
અમદાવાદસ્થિત ગાયનેકોલોજિસ્ટ ધ્વનિ શાહ ચિત્રલેખા.કોમને કહે છે કે, “આ સમય દરમિયાન ઘણી વખતે બ્લીડિંગ વધારે થતું હોય છે, સાથે જ અશક્તિ પણ હોય છે. માટે જો રજા મળે તો થોડો આરામ મળી રહે. ખાસ કરીને વર્કિંગ મહિલાઓને ઘર અને ઓફિસ બંને જગ્યાએ કામ કરવાનું હોય છે. જો પિરિયડ દરમિયાન સેલેરી કાપ્યા વગર બે દિવસ રજા મળે તો એ સારુ જ છે. માસિક ધર્મના દિવસોમાં પગ દુખવા, પેટમાં દુખાવો, અને ખાસ કરીને મૂડ સ્વીંગ થતા હોય છે. માટે જો રજા મળે તો એમાં કોઈ વાંધો ન કહેવાય.”
બ્રિટિશ મેડિકલ એસોસિયેશનના જર્નલ BMJમાં પ્રકાશિત એક રિસર્ચ અનુસાર, નેધરલેન્ડમાં 32 હજાર મહિલાઓ પૈકી 81 ટકા મહિલાઓનું કહેવું છે કે, આખા વર્ષ દરમિયાન પિરિયડ્સમાં થતી તકલીફને કારણે પ્રોડક્ટિવિટીમાં લગભગ 23 દિવસ કામ ઓછું થયું હતું. અથવા તો મહિલાઓ દર મહિને 2 દિવસ પિરિયડ્સના દુખાવાને કારણે પરેશાન રહી હતી. આ સર્વેમાં જણાવ્યા અનુઅસાર, 14% લોકોનું માનવું છે કે, પિરિયડ્સ દરમિયાન સ્કૂલે અથવા તો ઓફિસમાંથી રજા લેવાની સ્થિતિ હતી. તો અન્ય લોકોએ જણાવ્યું હતું કે, દુખાવો હોવા છતાં કામ ચાલુ રાખ્યું હતું કારણ કે ખબર હતી કે, જો રજા લેશે તો કામ ઉપર અસર જોવા મળશે. જયારે અન્ય 700 મહિલાઓ પર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ઑસ્ટ્રેલિયાના મેલબોર્નમાં સ્થિત ‘એચઆર સોફ્ટવેર પ્રોવાઈડર વિક્ટોરિયન વિમેન્સ ટ્રસ્ટ એન્ડ સર્કલ ઇન’ દ્વારા કરવામાં આવેલા આ સર્વે અનુસાર, 70% મહિલાઓ પિરિયડ્સ વિશે તેમના મેનેજર સાથે વાત કરવામાં અસહજતા અનુભવે છે. 83% માને છે કે તેની તેમના કામ પર નકારાત્મક અસર પડી છે. |
એ પણ નોંધવા જેવું છે કે, ગત વર્ષે ફેબ્રુઆરી 2023માં સુપ્રીમ કોર્ટે ભારતમાં મહિલા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે માસિક રજાની વિનંતી કરતી અરજીને ફગાવી દેવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે આવી બાબતો ન્યાયિક સત્તાને બદલે નીતિ ક્ષેત્રમાં આવે છે. જો કે એશિયાના અન્ય દેશોમાં માસિક ધર્મના દિવસોમાં અપાતી રજાને આવકારવામાં આવે છે. ઈન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા, તાઈવાનમાં મહિલા કર્મચારીઓને પિરિયડના દિવસોમાં રજાની સુવિધા મળે છે.
(હેતલ રાવ)