
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં આવેલા સોજાલી ગામમાં ૧૫મી સદીની ઐતિહાસિક રોજા રોજી દરગાહ (મુબારક શહીદનો મકબરો) આવેલી છે. સુલતાન મહેમૂદશાહ બેગડા દ્વારા આ સ્થાપત્યનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. સુલતાન મહેમૂદ બેગડાને વાત્રક નદીના કાંઠાની હવા પસંદ આવી ગઈ હતી, જેના કારણે એના નામથી આ શહેર વસાવ્યું હતું. શહેર વસાવ્યા બાદ શહેરની નજીક સોજાલી ગામે વાત્રકના કિનારે મુબારક શહીદના આ મકબરાનું નિર્માણ કરાવ્યું હતું.
એવું કહેવાય છે કે સ્થાનિક તેમજ અરબસ્તાનના અનેક કારીગરો દ્વારા ૩૫ વર્ષ સુધી આ દરગાહના બાંધકામનું કામ ચાલ્યું હતું. આ સુંદર અને ઐતિહાસિક સ્થાપત્યનું બાધકામ અને કોતરણી કામ જોવાલાયક તેમજ નોંધનીય છે. માન્યતા અનુસાર દરગાહના પિલ્લરોની સાચી ગણતરી થઈ શકતી નથી. જેટલી વખત ગણો તેટલી વખત જુદો જ આંકડો આવે છે. આવું કદાચ તેની વિશેષ ડિઝાઇનને લીધે થતું હશે. પુરાતત્વ વિભાગ દ્વારા આ ઐતિહાસિક સ્થાપત્ય રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવેલું છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)


